નિષ્ફળ જતાં શીખવે એ શિક્ષક.




અકબર ભલે હો મહાન,એથીય મહાન હું છું.

એ હતો નવ નો, ચાલીસ નો સરતાજ હું છું.

ઘર બાર છોડી, પ્રવેશું વર્ગ દરબારમાં.

સો...સો... સલામો જીલતો,

હું તાજ છું. સરતાજ છું.

કારણ...

હું શિક્ષક છું.શિક્ષક છું.શિક્ષક છું.

આવનાર સમયમાં એવા શિક્ષકોની જરૂર છે, જે બાળકને હારતાં શીખવી શકે. આજે જે હારે છે, એ આવતી કાલે જીતી શકે છે. આજે જીતનાર કાલે હારેલ હોય એવું બને. આ સમયે પણ હાર પચાવવી આજથી શીખવવું પડશે.

આજના સમયમાં શિક્ષણ માટેનું રોકાણ આવનારી પેઢી માટેનું રોકાણ માનવામાં આવે છે. વાલીઓ ને પોસાય કે ન પોસાય. આમ છતાં બાળક માટે વાલી બધુ જ કરવા પ્રયત્ન કરે છે. આજે એક પ્રસંગ લખવો છે.

વાત જાણે એમ બની કે એક ગરીબ દીકરો. બાર સાયન્સમાં પાસ થયો. સારા ટકા આવ્યા. ડોકટર બનવા માટેની પરીક્ષા આપી. આ પરીક્ષામાં પાસ થયો. હા, ગુણ ઓછા આવ્યા હતા. ડોકટર તો બની શકાય પણ ખર્ચ વધારે આવે. ખાનગી કોલેજમાં એડમિશન લેવું પડે. આ વખતે આ ગરીબ પરિવારને પૈસાના અભાવે એડમિશન ન લીધું. છેવટે ફરીથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ તરફ આ ગરીબ પિતાએ આકરી બાધા લીધી. જ્યાં સુધી મારો દીકરો ડોકટર નહીં બની જાય ત્યાં સુધી હું પગમાં પગરખાં નહીં પહેરું. 

બીજા વર્ષે આ યુવાને નીટ ની પરીક્ષા આપી. ખૂબ જ સારા માર્કસ સાથે પરીક્ષા પાસ કરી. છેવટે એને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો.એના પપ્પાએ હજુય ચંપલ ન પહેર્યા. કારણ કે એ ડોકટર બને ત્યાં સુધી ચંપલ નું પહેરવાની બાધા રાખી હતી. હજુતો પ્રવેશ જ મેળવ્યો હતો. છ મહિના પસાર થયા. એક દિવસ ટી.વી. ચેનલોને સમાચાર આપ્યા. અમદાવાદમાં એક મેડિકલ કોલેજમાં યુવાને આત્મહત્યા   કરી હતી. હોસ્ટેલમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી હતી. બાજુમાં એક ચિઠ્ઠી પડી હતી એમાં એટલું જ લખ્યું હતું કે 'પપ્પા ક્યારેય ચંપલ નહી પહેરી શકે.'

આજે શિક્ષક દિવસે એટલું જ કહેવું છે કે, આવા બાળકો સાથે નિષ્ફળતા કેવી રીતે પચાવવી એ અંગે પ્રારંભિક ધોરણથી જ શરૂઆત કરવી પડે.

હમણાં એક સમાચાર હતા. રાજસ્થાન કોટા થી આ સમાચાર હતા. ત્યાં સ્થાનિક સત્તા તંત્ર દ્વારા હોસ્ટેલ માટે ખાસ પંખા લગાવવા ફરજિયાત કર્યા. આ પંખા એવા કે એ પંખા ઉપર સ્પ્રિંગ હોય. વજન વધી જાય તો સ્પ્રિંગ ખુલી જાય. અહી વિદ્યાર્થીઓ આખા દેશમાંથી આવે છે. નિષ્ફળતા પચાવી ન શકનાર આત્મહત્યા ન કરે એ માટે આવા પંખા. વ્યવસ્થા યોગ્ય છે પણ,અહી આત્મહત્યા કોઈ ન કરે એ માટે વ્યવસ્થામાં ફેર લાવવો જરૂરી છે. આત્મહત્યા અનેક રીતે થાય છે.બધે સ્પ્રિંગ નો આઈડિયા યોગ્ય નથી.

શિક્ષક સમાજનો માર્ગદર્શક છે.તો વિશ્વ ગુરુ બનવા માટે આ એક માત્ર વિકલ્પ છે કે આપણાં બાળકો નિષ્ફળ જતાં શીખે. જે નિષ્ફળ જાય એ જ સફળ થાય. આવું બાળવાટિકા સમયથી શીખવવું જરૂરી છે. આવું શિક્ષણ આવનાર સમયની માગ પૂરી કરશે.

શીખવવા માટે જાતે કરેલું હોય એ જરૂરી છે. શાળાઓ અને મહા શાળાઓ અનેક સફળ ફેકલ્ટી રાખે છે.એકાદ નિષ્ફળ વ્યક્તિના ફોટો સાથે પોતાના કોચિંગની જાહેરાત આપી શકે ત્યારે આપણે વિશ્વગુરુ બની શકીશું.



Comments

Dr. Kinjal said…
As usual awesome sir 🙏
CHETAN PANDYA said…
You are absolutely right sir.today it is very necessary to bear failure, without this strongness we had lost lots of intelligent lives.Games teaches us this virtue.Today expectations of parents, social influence and money oriented education are causes of this type of incidences.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી