સાડા ત્રણ વજ્ર


દેવરાજ ઇન્દ્રની આ વાત છે.

ઇન્દ્ર એટલે કોઈ એક ભગવાન નહીં.

ઇન્દ્ર એટલે દેવોના રાજા. આ રાજા બદલાતા રહે. આમ દેવોના રાજા ઇન્દ્રની આ વાત છે. આ નવા ઇન્દ્ર આવ્યા પછી સાધુ અને સંતો,મહંતો અને પૃથ્વી ઉપર લોકો ખૂબ પરેશાન રહેતા હતા. રાક્ષસો લોકોને અને ઋષિમુનિઓને હેરાન કરતા હતા. તેઓ પૂજા પાઠ કરે ત્યારે,હવન કરે તો હવનમાં રાક્ષસો વિઘ્ન ઉભું કરતા કે હવન અથવા યજ્ઞમાં હાડકાં નાખતા હતા. યજ્ઞમાં હાડકાં નાખવા એટલે કે સારું કે યોગ્ય કામ ન થવા દેવું. આડાશ કે અડચણો ઉભી કરવી. બસ, ત્યારે રાક્ષસો આ રીતે જ કરતા હતા. 


સાધુ,સંતો,ઋષિમુનિઓ અને બીજા લોકો આ માટે ચિંતા કરતા હતા. આ માટે બધા ભેગામલી દુર્વાસા મુનિને વાત કરી. રાક્ષસો આ રીતે હેરાન કરતા હોવ છતાં ભગવાનોના રાજા ઇન્દ્ર એ રાક્ષસોને કશું જ કહેતા ન હતા. રાક્ષસોનો ત્રાસ વધતાં અને ખૂબ જ હેરાનગતિ થવાને લીધે ઋષિ દુર્વાસા ઇન્દ્રને મળવા ગયા. આ ઇન્દ્ર સતત અપ્સરાઓ સાથે નૃત્યની મહેફિલોમાં જ રહેતા હતા. મોજશોખ અને વ્યભિચારમાં રહેનાર ઇન્દ્રને મળવા ઋષિ દુર્વાસા સ્વર્ગમાં ગયા છે. ઇન્દ્ર સામે સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કરે છે. રાજા ઇન્દ્ર મદિરા પાન કરે છે,વ્યસનો કરે છે અને  મોજશોખ અને વ્યભિચારમાં વ્યસ્ત છે. દેવોના રાજા તરીકે ઇન્દ્ર એમની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા નથી. આવી જવાબદારી યોગ્ય રીતે નિભાવવાના બદલે, એ નૃત્ય અને વ્યસનમાં વ્યસ્ત હોવાને કારણે દુર્વાસા ખૂબ જ ગુસ્સે થઈ આ સ્વર્ગની મહેફિલમાં જાય છે.


રાજા ઇન્દ્ર આસન ઉપર બેઠા છે.

સામે અપ્સરાઓ નૃત્ય કરે છે. ઇન્દ્ર નશામાં છે અને આ નૃત્ય જોવામાં વ્યસ્ત છે. આ સમયે ઇન્દ્ર જાતે નશામાં છે અને આ સમયે ઋષિ દુર્વાસા આવી જતાં રાજા ઇન્દ્ર ગભરાઈ જાય  છે. નૃત્ય કરનાર અપ્સરાઓ દુર્વાસા મુનિ પધાર્યા હોવાની વાત જાણતી નથી. નૃત્ય કરનાર અપ્સરાઓ રાજા ઇન્દ્ર સામે મોઢું રાખીને નૃત્ય કરે છે. નૃત્ય કરનાર અપ્સરાઓની પાછળ ઋષિ દુર્વાસા ઉભા છે. નૃત્ય કરનારને આ ખબર નથી.  નૃત્ય કરનાર અપ્સરાને થયું કે રાજા ઇન્દ્રને આ નૃત્યમાં મજા આવતી નથી. કદાચ એટલે તે ઉભા થઇ ગયા છે. હકીકતમાં દુર્વાસાના આવવાથી ઇન્દ્ર ઉભા થયા છે. ઇન્દ્રને રાજી કરવા   નૃત્ય કરનાર અપ્સરા ઉત્તમ નૃત્ય કરવા પ્રયત્ન કરે છે. ગોળ કુંદરડી ફરીને નૃત્ય બદલવા જતાં એક અપ્સરાના હાથની કોણી દુર્વાસાને વાગી જાય છે.દુર્વાસા ગુસ્સે ભરાયેલા હતા.

આમેય મુનિ દુર્વાસાનો ગુસ્સો ખૂબ વધારે હતો. બધા ભગવાન પણ ઋષિ દુર્વાસાના ગુસ્સાથી ડરતા હતા. ઋષિ દુર્વાસાના ગુસ્સે થઈ જોરથી રાડ પાડે છે. નૃત્ય કરનાર બધી જ અપ્સરાઓ ઉભી રહી જાય છે. નૃત્ય અને સંગીત વાગવું બંધ થાય છે. આ તરફ રાજા ઇન્દ્ર પણ ડ્રાઈને આસન જીચે ઉતરી જાય છે. જે નૃત્ય કરનાર અપ્સરાના હાથની કોણી ઋષિ દુર્વાસાને વાગી હતી એ અપ્સરા સામે જોઈ કહે છે,' આગળ પાછળ જોયા વગર શું ઘોડીની નૃત્ય કરો છો. આમ કહી ઋષિ દુર્વાસાએ એ અપ્સરાને ઘોડી બની જવાનો શ્રાપ આપ્યો.દુર્વાસા મુનિ ક્રોધમાં હતા.

ગુસ્સામાં એમની સામે કોણ શું બોલી શકે?આમ છતાં અપ્સરાને શ્રાપ આપ્યો હતો એટલે એ અપ્સરાએ હિંમત કરીને દુર્વાસાને પૂંછયું 'મહાત્મા,મને માફ કરો.પણ હું તો રાજા ઇન્દ્રની અપ્સરા છું. રાજાને રાજી કરવા નૃત્ય કરવું એ મારો ધર્મ છે. હું મારો ધર્મ નિભાવતી હતી. આપ આવ્યા છો એની મને જાણ ન હતી. આપને મારા હાથની કોણી વાગી છે. એ મારો અપરાધ છે,પણ મને આપે શ્રાપ આપ્યો. આપ આવવાના છો એવી જાણ થઈ હોય તો આ ભૂલ થવાની જ નહતી. હવે આપના શ્રાપ મુજબ હું પૃથ્વી ઉપર જઈને ઘોડી બનીશ પણ, મને આ શ્રપમાંથી મુક્તિ ક્યારે મળશે?'


અપ્સરા એક સાથે બધું બોલી ગઈ. ઋષિ દુર્વાસાને પણ ભૂલ સમજાઈ ગઈ. રાજા ઇન્દ્રને જે વાત જણાવવા આવ્યા હતા એ વાત ન થઈ અને આ નવું જ સામે આવ્યું. છેવટે ઋષિ દુર્વાસા કહે' જ્યારે પૃથ્વી ઉપર ત્રણ આખા અને એક અડધું વજ્ર ભ3ગુ થશે. જ્યારે સાડાત્રણ વજ્ર એક સ્થળે ભેગા થશે ત્યારે દીકરી તને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. દુર્વાસની આ વાત સાંભળી એ અપ્સરા એ એમને પ્રણામ કર્યા,ચરણ સ્પર્શ કર્યો અને આ અપ્સરા ઘોડી બની પૃથ્વીમાં અવતરી.


# # # # 


એક તરફ ઋષિ દુર્વાસાનો શ્રાપ અને બીજી તરફ આ અપ્સરા ને આ શ્રાપમાંથી મુક્તિ મળે તે માટે સાડાત્રણ વજ્ર ક્યારે ભેગા થાય? અપ્સરાને આપેલો દૂર થાય,અપ્સરા શ્રાપ મુક્ત થાય એ માટે સાડાત્રણ વજ્ર એક સ્થળે ભેગા થાય એ જરૂરી હતું.


આ માટે નિમિત્ત જરૂરી હતું.

આ નિમિત્ત બનાવ માટે પણ એક જીવતી વાર્તા કહી શકાય. આ બનેલી ઘટના છે,એના આધાર છે. એ માટેની સાબીતીઓ પણ છે. હવે થયું એવું કે આ અપ્સરા ઘોડી બનીને પૃથ્વી ઉપર જીવનના દિવસો પસાર કરતી હતી. આ અપ્સરા ઘોડી બનીને જ્યાં જીવન પસાર કરતી હતી એ સ્થળ પાંડવોના હસ્તિનાપુર રાજ્યમાં આવતું હતું. હસ્તિનાપુર રાજ્ય એવડું મોટું અને વિશાળ ઓએ અહીં નાના નાના અનેક રાજાઓ સ્થાનિક વિસ્તારમાં હતા. અત્યારના લગભગ પાંચાળ વિસ્તારમાં આ નાના રાજ્યના રાજમાં આ અપ્સરા ઘોડી બની જીવતી હતી.


આ ખંડિયા રાજાના પણ અનેક ઘોડા હતા. બે ચાર દિવસ થયા હશે. હસ્તિનાપુર રાજ્યના આ ખંડિયા રાજાને લાગ્યું કે ઘોડા બરાબર ચરતા નથી. આવું થવાનું કારણ આ રાજાએ એના ઘોડાના રખેવાળને પૂછ્યું. ઘોડાનો રખેવાળ કહે: મહારાજ,આપણે નદી કિનારાના મેદાનમાં આપણાં ઘોડા ચરવા લઈ જઈએ છીએ. મેદાનની પાસે નદી છે. આ નદીને સામે બાજુ એક ઘોડી ચરે છે. આ બધા જ ઘોડા એ સુંદર ઘોડીની સામે જ જોઈ રહે છે. આ કારણે આપણાં ઘોડા ધરાઈને ખાતા નથી.


હસ્તીનાપુરના ખંડિયા રાજાને થયું,એવી તે કેવી સુંદર ઘોડી હશે કે ઘોડા ચારવાનું ભૂલી જાય છે. આવું વિચારી આ રાજા એ ઘોડી જોવા ખાતે નદી કિનારાના મેદાનમાં જાય છે. રાજાની સાથે એમના સેવકો અને સલાહકાર પણ હતા. હસ્તિનાપુરના ખંડિયા રાજાએ જોયું તો એ ઘોડી ખૂબ જ સુંદર હતી. માણસ પણ આ ઘોડીને જોઈને ખાવાનું ભૂલી જાય એટલી સુંદર આ ઘોડી હતી. હસ્તીનાપુરના ખંડિયા રાજાએ આ ઘોડીને એના ઘોડાઓ ભેગી બાંધી. આ ખંડિયા રાજાને મનમાં થતું કે આ ઘોડી કોઈ ખાસ છે,એટલે જ આ ઘોડી ઉઓર આ રાજા નજર રાખીને રાતે પણ ઉભા હતા. 


અંધારું થયું.

ખંડીયો રાજા એ ઘોડી ઉપર નજર રાખી ઉભા હતા. ત્યાં જાણે ચમત્કાર થયો.


અપ્સરામાંથી ઘોડી બનેલી આ સુંદર ઘોડી એક ચમકારા સાથે અપ્સરાના રૂપમાં આવી ગઈ. હસ્તીનાપુરના ખંડિયા રાજાએ આ જોયું. એમણે તલવાર ખેંચી. સામે રાજા ઉભેલો હતો. રાજા આ અપ્સરાને કહે: ' તું ભૂત છો,પલીત કે ડાકણ છે. શું ચમત્કાર કરીને ઘોડીમાંથી સુંદરી બની શકાયું?!


આ સાંભળી આસપાસ ઘોડા વચ્ચે ઉભેલી અપ્સરા કહે: હું દેવોના રાજા ઇન્દ્રની નર્તકી છું. મારો ધર્મ રાજા ઇન્દ્ર માટે નૃત્ય કરવાનો છે,એ મારી ફરજ પણ છે. પોતાની આપવીતી અને ઋષિ દુર્વાસાના શ્રાપ અંગે અપ્સરાએ આ રાજાને વાત કરી. હસ્તિનાપુર નો આ  રાજા એ અપ્સરાને કહે: હું તારું રક્ષણ કરું છું અને મારામાં જીવ છે ત્યાં સુધી હું તારું રક્ષણ કરીશ.' રાજાને પ્રણામ કરી અપ્સરા ત્યાંથી દૂર જાય છે. ખંડીયો રાજા આ ઘોડીનું વિશેષ ધ્યાન રાખે છે. આમ કરતાં કરતાં દિવસો પસાર થાય છે.


એક દિવસની વાત છે.

હસ્તિનાપુર ની ઓઆસે દ્વારકાધીશ કૃષ્ણનું શાસન હતું. કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધનો પુત્ર પ્રદ્યુમન નદીએ નહાવા જાય છે. આ સમયે નદી કિનારે હસ્તિનાપુરની હદમાં ઘોડી અપ્સરા ચરતી હતી. એની સુંદરતા જોઈ પ્રદ્યુમન ને આ ઘોડી લેવાનું મન થાય છે. પ્રદ્યુમન ઘરે આવી એના પિતાજીને એ ઘોડીની સુંદરતા અંગે વાત કરી ઘોડી લેવા માટે જીદ કરે છે. પુત્રની જીદને કારણે દ્વારકાના રાજા વતી હસ્તીનાપુરના ખંડિયા રાજાને લખાણ મોકલી આ ઘોડીની માંગણી થાય છે.


હસ્તીનાપુરનો ખંડીયો રાજા અપ્સરાને વચન આપી ચુક્યા છે. જો ઘોડી આપવામાં ન આવે તો યુદ્ધ કરવું ફરજિયાત છે. જો દ્વારિકાના રાજા જોડે યુદ્ધ કરવું પડે તો...આવા વિચાર અને ચિંતા સાથે ખંડીયો રાજા હસ્તિનાપુર જાય છે. ત્યાં જઈ ઇન્દ્રની અપ્સરા, ઋષિ દુર્વાસાનો શ્રાપ અને ઘોડી તરીકે આપેલ વચન અંગે પાંડવોને વાત કરી. ઉતાવાળીયા કૃષ્ણ અને ભીમ યુદ્ધ કરવા તૈયાર થાય છે. આ સમયે ધર્મરાજ યુધિષ્ઠિર આ રાજાને સવાલ કરે છે. એ પૂછે કે સામે રાજા કોણ છે, જે... એક ઘોડી માટે યુદ્ધ કરવા તૈયાર થયો છે.ખંડીયો રાજા કહે છે દ્વારકાના રાજા કૃષ્ણ સામે યુદ્ધ કરવું પડે. યુદ્ધ માટે તૈયાર થયેલ ભીમ અને અર્જુન નીચે બેસી જાય છે.


અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. અમે કૃષ્ણ ને કારણે તો જીવીએ છીએ. ઘોડી આપી દો. યુદ્ધ કરવું નથી. યુધિષ્ઠિરનો જવાબ સાંભળી આ ખંડીયો રાજા નિરાશ થઈ બહાર નીકળી જાય છે. પોતાના દેશમાં જવાને બદલે આ રાજા નદી કિનારે જઈ બેસી પડે છે. રાજા મનમાં ને મનમાં ઘોડીનું રક્ષણ ન કરી શકવાની કારણે આત્મહત્યા કરવાનું વિચારે છે. રાજા... પોતાને મરવા માટે ચિતા તૈયાર કરે છે. લાકડાં એકઠાં કરી એને ચિતા તરીકે ધીરે ધીરે ઘોઠવાતો જાય છે. એક તરફ રાજા પોતાના માટે ચિતા ઘોઠવે છે. ત્યારે હસ્તિનાપુરના નદી કિનારે અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુનો પુત્ર પરીક્ષિત નદીએ નહાવા આવેલો હોય છે.


પરીક્ષિત નદીએ નહાવા આવ્યો છે.

ધર્મરાજ યુધિષ્ઠિરની સહમતીથી,યુધિષ્ઠિરને જણાવી એ નદીએ સંધ્યા સમયે સ્નાન કરવા આવ્યો છે. એમનો એક રાજા અહીં ચિતા તૈયાર કરે છે. એક રાજ કુમાર તરીકે પોતાની નજર સામે કોઈને મરવા ન દેવાય. પરીક્ષિત એ રાજાને કેમ મરવા માંગો છો એ અંગે ચર્ચા કરે છે. આ રાજા અપ્સરા અંગેની બધી વાત કરે છે.પાંડવોએ રાજા સામે યુદ્ધ કરવાની ના પાડયાની વાત અને સામે યુદ્ધ માટે કૃષ્ણ છે એ અંગે પણ રાજા પરીક્ષિત ને જાણ કરે છે.


પરીક્ષિત કહે છે...

હું પાંડુ વંશનો રાજ કુમાર છું. તમને હું મરવા નહીં દઉં. તમારું રક્ષણ કરવાની મારી જવાબદારી છે.  આ તરફ પરીક્ષિત સમય થવા છતાં મહેલમાં પરત ન ફરતાં ધર્મરાજ યુધિષ્ઠિર પરીક્ષિતને પરત લેવા જવા માટે સહદેવને નદી કિનારે મોકલે છે. સહદેવને જોઈ પરીક્ષિત વંદન કરે છે.  જેમ આ રાજાએ ઘોડીને બચવવાનું વચન આપ્યું છે,એમ આપણા હસ્તીનાપુરના ખંડિયા રાજાને મરવા જતાં મેં રોક્યા છે. હવે એ રાજાને બચાવવા એ મારી જવાબદારી છે. હું આ રાજાને મદદ કરવા અત્યારે મહેલમાં આવીશ નહીં.


યુધિષ્ઠિરનો આદેશ હતો.

સહદેવ મહેલમાં એકલા કેવી રીતે પરત ફરે?


સહદેવ પરત ન ફરતાં ધર્મરાજ યુધિષ્ઠિર નકુલ ને નદીકિનારે જોવા મોકલે છે. હવે નકુલની જવાબદારી પરીક્ષિત અને સહદેવને પરત લાવવાની હતી. નકુલ જોડે પરત ફરવા માટે પરીક્ષિત ફરી આખી વાત કરે છે. છેવટે પરીક્ષિત અને સહદેવ સાથે નકુલ પણ જોડાઈ જાય છે. છેવટે ભીમ,અર્જુન અને ધર્મરાજ યુધિષ્ઠિર પણ અહીં આવી જાય છે. પાંચેય પાંડવો અહીં આવી પહોંચે છે. ધર્મરાજ યુધિષ્ઠિર ને પરીક્ષિત આશ્રિત ધર્મ અંગે પૂછે છે.


પરીક્ષિત એક રાજ કુમાર તરીકે આશ્રિત ધર્મ નિભાવે એ જરૂરી જણાતાં પાંડવો પણ પરીક્ષિત ને સમર્થન કરે છે. પરીક્ષિત સાથે એ રાજાને યુદ્ધમાં પાંડવો સહાયોગ કરવાનું કહે છે.


ધર્મરાજ કહે છે કે...

બીજું બધું તો જીતી શકાય એમ છે. જો કૃષ્ણ સુદર્શન ચક્ર યુદ્ધમાં ઉપયોગ કરે તો એની સામે બચી ન શકાય. સુદર્શન વજ્રનું બનેલું છે. વજ્ર ને હરાવી કે થકવી ન શકાય. આમ, કૃષ્ણ જોડે યુદ્ધ કરવું હોય તો સુદર્શન ને હરાવી શકાય એવી રીતે યુદ્ધમાં આગળ વધવું જરૂરી છે. આ સ્થળે ભીમ શંકર ભગવાનની ઉપાસના કરે છે. તપ કરે છે. ભગવાન શંકર દર્શન આપતા નથી. ધર્મરાજ યુધિષ્ઠિર અને ભીમ ને એવું હતું કે શંકર ભગવાન પ્રસન્ન થાય તો એમનું ત્રિશુળ પણ વજ્રનું છે. જો શંકર ભગવાન પ્રસન્ન થાય તો એમનું વજ્રનું બનેલું ત્રિશુળ માંગી લેવાથી શ્રી કૃષ્ણના ત્રિશુળ સામે જીતી શકાય.


આ બધું જ ખોટું પડ્યું. ભીમની તપસ્યા છતાં શંકર ભગવાન પ્રસન્ન થતા નથી. છેવટે ભીમ નદીના વહેણમાં આડા પડી જાય છે. નદીનું પાણી આગળ વધતું નથી. છેવટે આસપાસમાં પાણી ભરાઈ જતા ભગવાન શંકર પ્રસન્ન થાય છે. ભીમ શંકર ભગવાન જોડે એમનું ત્રિશુળ માગે છે. ભગવાન કહે છે,મારું ત્રિશુળ વજ્ર નું છે  તમે યુદ્ધમાં જો એનો ઉપયોગ કરો તો ખૂબ મોટું નુકસાન થાય.


છેવટે ત્રિશુળ ને સામે થી મારવું નહીં પણ,જો કશું ક સામેથી આવે તો એનાથી બચવા માટે જ ત્રિશુળ વાપરવાની સહમતી સાથે શંકર ભગવાન ભીમને ત્રિશુળ આપે છે. ભીમ જોડે ત્રિશુળ આવી જતા.પાંડવો કૃષ્ણ સામે યુદ્ધ જાહેર કરે છે. યુદ્ધમાં એક તરફ પાંડવો અને બીજી તરફ કૃષ્ણની સેના છે. થોડા સમયના યુઘ્ધકને અંતે કૃષ્ણ એમનું વજ્ર વાળું સુદર્શન ચક્ર છોડે છે.


આ તરફ તૈયાર ભીમ પણ સામે શંકર ભગવાનનું વજ્ર વાળું ત્રિશુળ છોડે છે. યુદ્ધ ગંભીર સ્થિતિમાં છે. સુદર્શન ચક્ર સામે ત્રિશુળ ભટકાય છે.યુદ્ધના મેદાનમાં આગની જવાળાઓ દેખાય છે. બંને પક્ષના યોદ્ધાઓ આ આગના ગોટે ગોટા જોઈને ઉભા રહી જાય છે. પૃથ્વીનો નાશ થાય એવી સ્થિતિ થોડા સમયમાં સામે આવે એમ હતી. ધર્મરાજ યુધિષ્ઠિર અને કૃષ્ણ ચિંતામાં છે. કૃષ્ણને ખબર ન હતી કે સામે શંકર ભગવાનનું ત્રિશુળ ભટકાશે. 


બે વજ્ર ભટકાય તો એનું નુકશાન ભોગવવી કોઈ માટે શક્ય નથી. છેવટે કૃષ્ણ ભગવાન અર્જુનના રથ ઉપરની ધજામાં બેઠેલા હનુમાનજી ને વિનંતી કરે છે. આ બે વજ્ર જે યુદ્ધમાં ટકરાયા છે એને પકડી શકે એવી શક્તિ હનુમાનજી પાસે જ છે. હનુમાનજી કૃષ્ણ ભગવાનના કહેવાથી સુદર્શન ચક્ર અને ત્રિશુળ ને પકડવા તૈયાર થાય છે. સુદર્શન ચક્ર અને ત્રિશુળ બંને જમીન ઉપર પડે એ પહેલાં એને પકડી લેવું જરૂરી છે. જો એ પૃથ્વી ઉપર પડે તો વિનાશ થાય એમ છે.


હનુમાનજી પણ વજ્રના છે. એ જ આ બંને વજ્ર ને એક સાથે પકડી શકે. છેવટે વિશાળ છલાંગ લગાવી સુદર્શન ચક્ર અને ત્રિશુળ બંને હાથમાં પકડી એને છુટા પાડે છે. હનુમાનજીના એક હાથમાં સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શંકર ભગવાનનું ત્રિશુળ પકડી પાડે છે. હનુમાનજી છલાંગ મારીને આકાશમાં ઉડતા દેખાય છે. એમના એક હાથમાં સુદર્શન ચક્ર અને બીજા હાથમાં ત્રિશુળ છે. છલાંગ મારી હનુમાનજી જમીન ઉપર ઉતરે ત્યારે સુદર્શન ચક્ર,શંકર ભગવાનનું ત્રિશુળ અને હનુમાનજી એમ કુલ્લે રરણ વજ્ર થાય. એક સાથે ત્રણ વજ્ર ધરતી ઉપર ઉતારીએ તો પણ નુકશાન થાય.


ત્રણ વજ્ર કેવી રીતે પૃથ્વી ઉપર ઉતારવા. છેવટે ધર્મરાજ યુધિષ્ઠિર અને કૃષ્ણ ભીમને મદદ કરવા કહે છે. ભીમ શક્તિશાળી અને અડધા વજ્રના બનેલા હતા. કૃષ્ણ ભગવાનના કહેવાથી ભીમ એમના શરીરનો વજ્ર વાળો ભાગ ઉપરની તરફ રહે, હનુમાનજી ભીમના વજ્રના ભાગ ઉપર હાથમાં સુદર્શન ચક્ર અને ત્રિશુળ લઈ ને ઉતરે છે. સુદર્શન ચક્ર,શંકર ભગવાનનું ત્રિશુળ અને હનુમાનજી એમ ત્રણ વજ્ર અડધા વજ્રના ભીમ ઉપર ઉતરે છે. ઋષિ દુર્વાસાના શ્રાપ મુજબ જ્યારે સાડા ત્રણ વજ્ર એક સ્થળે ભેગા થાય ત્યારે અપ્સરામાંથી ઘોડી બનવાનો શ્રાપ પૂરો થાય. દુર્વાસા મુનિનો શ્રાપ પૂરો થાય છે. શ્રાપના કારણે ઘોડી બનેલી અપ્સરા  એક ચમકારો થતાં જ ફરીથી કાયમ માટે અપ્સરા બની જાય છે.


અપ્સરા ભગવાન કૃષ્ણ અને ધર્મરાજ સહિત ઉપસ્થિત ખંડિયા રાજા અને બાકીના સૌને પ્રણામ કરી આશીર્વાદ મેળવી સ્વર્ગમાં પાછી ફરે છે. આ અને આવી વાર્તાઓ સાંભળવા માટે 90.4 fm પાલનપુર સાથે જોડાયેલ રહો. હું ડૉ. ભાવેશ પંડ્યા આજની જીવતી વાર્તાને વિરામ આપું છું. આવી વાર્તાઓ અને અન્ય કાર્યક્રમો સાંભળવા માટે ટ્યુન રહો 90.4fm રેડિયો પાલનપુર.

Comments

CHETAN PANDYA said…
વાહ ભાવેશભાઈ.સામાન્ય કોણી દુર્વાસા ને વાગી તો કેટલો ઈતિહાસ બન્યો! તમારી વાર્તા કે ઇતિહાસ જબરદસ્ત છે.ભારતીય સંસ્કૃતિ ની ન સાભળવા મળતી વાતો છે.ખૂબ જ શુભેચ્છાઓ.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી