સોશિયલ મીડિયા અને શૈલેષ પ્રજાપતિ




 દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગત રજૂ કરી છે.

એક શિક્ષક,જો સંકલ્પ લે તો કેવું કામ થાય એ સમજવા માટે શૈલેષભાઇ પ્રજાપતિ વિશે જાણવું જરૂરી થઈ પડે છે. બહુચરાજીના મૂળ વતની અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ફરજ બજાવતા આ શિક્ષકે નવતર કાર્યો થકી જિલ્લામાં આગવી ઓળખ ઉભી કરી છે.

અંગ્રેજી વિષયના તજજ્ઞ અને બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ શૈલેષભાઇ પ્રજાપતિ સોશિયલ મીડિયા દ્વારા શાળા વિકાસ કરવામાં સફળ રહ્યા છે.

ફેસ બુક અને એવી અનેક સોશિયલ મીડિયાની મદદથી એમણે જિલ્લો,રાજ્ય કે દેશ જ નહીં વિદેશમાંથી સહયોગ મેળવી શાળાને વિકસાવવામાં સફળતા મેળવી છે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને તેની વિગતો સોશિયલ મીડિયા મારફત ફેલાવી એમની શાળાના બાળકો માટે સહયોગ મેળવી શક્યા છે.

શાળા વિકાસ માટે સતત પ્રવૃત્ત શૈલેષ પ્રજાપતિ શિક્ષક તરીકે બે દાયકા કરતાં વધારે સમયથી સેવા આપી રહ્યા છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત અનેક કાર્યશાળાઓ અને આયોજનોમાં જોડાઈ એમણે શાળાના કાર્યોની સુવાસ ફેલાવી શક્યા અને એને આધારે સહયોગ પ્રાપ્ત કરી શક્યા છે. સોશિયલ મીડિયા દ્વારા સફળ રીતે સહાયતા પ્રાપ્ત કરવાના કાર્યને આઈ.આઈએમ અમદાવાદ દ્વારા શિક્ષણમાં ઇનોવેશન તરીકે સ્વીકાર કરાયો છે. સર ફાઉન્ડેશન સોલપુર(મહારાષ્ટ્ર) દ્વારા નેશનલ ઇનોવેટીવ ટીચર્સ એવોર્ડ પ્રાપ્ત કરનાર શૈલેષ પ્રજાપતિને પંદર કરતાં વધારે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. શિક્ષણમાં નવ સર્જનની વાતનો સ્વીકાર કરી શાળાને સમૃદ્ધ કરી શકનાર આ અનોખા શિક્ષક. પોતાના મુખ્ય વિષય એવા અંગ્રેજીને સહજ રીતે શીખવવા માટે પ્રયત્નશીલ શિક્ષક અને તજજ્ઞ શૈલેષ પ્રજાપતિ. તેઓ આજના આધુનિક ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ કરતા શિક્ષક તરીકે ઓળખવામાં જરાય અતિશયોક્તિ નથી એવું કહી શકાય.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી