બનાસકાંઠાનું ગૌરવ:આ શિક્ષકો
દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં જિલ્લાના કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે.
આધુનિક સમયમાં શિક્ષણ એ વિકાસનું એકમાત્ર સાધન બની રહ્યું છે. ત્યારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. સમગ્ર દેશમાં જ્યારે શિક્ષક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના જાગૃત મીડિયા જૂથ તરીકે આજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક એવા ગુરૂજીઓની વિગત રજૂ કરીએ છીએ જેમણે આપણાં જિલ્લાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવ્યું છે. આજના આ દિવસે એક વિશેષ રજૂઆત કરતાં હું આજના દિવસે શુભકામનાઓ પાઠવું છું.
અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું.
એ હતો નવનો ચાલીસ નો સરતાજ હું છું.
ઘર બાર છોડી,પ્રવેશું વર્ગ દરબારમાં.
સો સલામો જીલતો હું તાજ છું,સરતાજ છું.
કારણ હું શિક્ષક છું.
હું શિક્ષક છું....હું શિક્ષક છું.
જયેશ વાગડોદ ( ઉમરકોટ પ્રાથમિક શાળા. તાલુકો:અમીરગઢ)
कौन चित्रकार है,ये कौन चित्रकार है, कौन चित्रकार हैं।
એક એવા શિક્ષક કે જેમને શિક્ષકત્વ વારસામાં મળ્યું છે. જયેશભાઇ એક એવા શિક્ષક છે જેમણે એમના વિશેષ કૌશલ્યને કારણે આગવો ચાહક વર્ગ ઉભો કરવામાં સફળતા મેળવી છે. એક ઉત્તમ ચિત્રકાર અને સફળ શિક્ષક એવા શ્રી જયેશ વાગડોદા શિક્ષક તરીકે કાર્યરત છે. તેમના પિતાશ્રી પણ શિક્ષક હતા. તેઓ હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. નિવૃત્તિ પછી પણ યોગ અને તેના અંગેના પ્રચાર પ્રસાર માટે જીવનના આ સમયનો સદુપયોગ કરી જીવંતતાથી જીવી રહ્યા છે. સૌને અનોખું જીવન જીવતાં શીખવી રહ્યા છે. આવા જન્મજાત શિક્ષકના ત્રણ સંતાન પૈકી સૌથી મોટા પુત્ર એટલે આપણાં જયેશ વાગડોદા.
કુદરતનો કરિશ્મા કહો કે ભગવાનના આશીર્વાદ, પરંતુ જયેશભાઇ જીવંત ચિત્રકળામાં અનોખી હથરોટી ધરાવે છે. આ અનોખા ચિત્ર શિક્ષક જયેશભાઇ માત્ર મિનિટોમાં સ્કેચ બનાવી શકે છે. લાઈવ સ્કેચિંગ અને પોટ્રેઇટમાં નિપુણ એવા આ શિક્ષક દ્વારા અત્યાર સુધીમાં પાંચસો કરતાં વધારે સ્કેચ દોરી ચુક્યા છે. અહીં એ જણાવવું જરૂરી થઈ પડે છે કે ચિત્રકલા દ્વારા બાળકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સદેવ સફળ રહેલા જયેશ વાગડોદા શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાહિત્ય નિર્માણમાં સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં અનોખી ઓળખ ધરાવે છે. સમગ્ર રાજ્યમાંથી સ્ટેટ રિસોર્સ ગ્રુપના સદસ્ય તરીકે પણ તેઓ સક્રિય રીતે જવાબદારી નિભાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં અનોખી અને ખૂબ જ ઝડપી ચિત્રકલાના જાણકાર જયેશભાઇ આપણાં જિલ્લાનું એક રતન છે.
#@#
નીલમ પટેલ ( હરીનગર પ્રાથમિક શાળા. તાલુકો:કાંકરેજ)
મારે ભણવા જાવું નિશાળ કે ભણવા જાવું છે.
શિક્ષક શું કરી શકે અને એનું શું પરિણામ થાય એ અંગે જો કોઈ વિચારે તો એ માટે નિલમભાઈ પટેલનું નામ સામે આવે અને પરિણામ પણ જોઈ શકાય. આપણાં જિલ્લાના આ શિક્ષકને સમગ્ર રાજ્યમાં ઝભ્ભા વાળા શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને રસપડે એવી રીતે શીખવતાં શિક્ષાવતાં એમના કપડાં ઉપર જ વિવિધ વિષયોને આવરી લેવાય એવી રીતે એટલે શૈક્ષણિક ઝભ્ભો તૈયાર કરવામાં આવ્યો. ખાસ કરીને નાના ધોરણના બાળકો માટે એમને શીખવવા શરૂઆતમાં એક ઝભ્ભા ઉપર મૂળાક્ષરો અને શબ્દો લખ્યા. આવા કપડાં પહેરી શાળામાં ગયા તો બાળકોને મજા આવી.
બસ, પછી તો આવા અનેક ઝભ્ભા અને શર્ટ તૈયાર કરી નિલમભાઈ શિક્ષણ કાયને રસપ્રદ કરી શક્યા છે. જિલ્લા અને રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવને કારણે બારમી જુલાઈ 2022ના રોજ ધાર્મિક સંત અને કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે રાજ્ય કક્ષાનો સાંદિપની પુરસ્કાર પ્રાપ્ત થયો. નીલમ પટેલ આ ઉપરાંત અનેક સન્માન અને બહુમાન મેળવી અનોખી ઓળખ ઉભી કરનાર આપણાં આ ગુરુજી શૈક્ષણિક સાહિત્ય નિર્માણ અને તેને લગતી બાબતોમાં વિશેષ નિપુણતા ધરાવે છે. સમગ્ર જિલ્લામાંથી પસંદ થયેલ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમનું આજ રોજ પાલનપુર ખાતે સન્માન થવાનું છે.
આમ આપણાં જિલ્લાના આ નવતર ઝભ્ભા વાળા શિક્ષક તરીકે ઓળખ ધરાવનાર નીલમ પટેલ વધુ સિદ્ધિઓ હાંસલ કરી શકે એવી આજે શુભકામનાઓ પાઠવી ગૌરવ અનુભવીએ છીએ.
@#@
શૈલેષ પ્રજાપતિ ( ગોગાઢાણી પ્રાથમિક શાળા. તાલુકો:ડીસા)
कौन कहता है आसमा में सुराग नही होता,
एक पथ्थर तबियत से उछालो यारो।
એક શિક્ષક,જો સંકલ્પ લે તો કેવું કામ થાય એ સમજવા માટે શૈલેષભાઇ પ્રજાપતિ વિશે જાણવું જરૂરી થઈ પડે છે. બહુચરાજીના મૂળ વતની અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ફરજ બજાવતા આ શિક્ષકે નવતર કાર્યો થકી જિલ્લામાં આગવી ઓળખ ઉભી કરી છે.
અંગ્રેજી વિષયના તજજ્ઞ અને બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ શૈલેષભાઇ પ્રજાપતિ સોશિયલ મીડિયા દ્વારા શાળા વિકાસ કરવામાં સફળ રહ્યા છે.
ફેસ બુક અને એવી અનેક સોશિયલ મીડિયાની મદદથી એમણે જિલ્લો,રાજ્ય કે દેશ જ નહીં વિદેશમાંથી સહયોગ મેળવી શાળાને વિકસાવવામાં સફળતા મેળવી છે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને તેની વિગતો સોશિયલ મીડિયા મારફત ફેલાવી એમની શાળાના બાળકો માટે સહયોગ મેળવી શક્યા છે.
શાળા વિકાસ માટે સતત પ્રવૃત્ત શૈલેષ પ્રજાપતિ શિક્ષક તરીકે બે દાયકા કરતાં વધારે સમયથી સેવા આપી રહ્યા છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત અનેક કાર્યશાળાઓ અને આયોજનોમાં જોડાઈ એમણે શાળાના કાર્યોની સુવાસ ફેલાવી શક્યા અને એને આધારે સહયોગ પ્રાપ્ત કરી શક્યા છે. સોશિયલ મીડિયા દ્વારા સફળ રીતે સહાયતા પ્રાપ્ત કરવાના કાર્યને આઈ.આઈએમ અમદાવાદ દ્વારા શિક્ષણમાં ઇનોવેશન તરીકે સ્વીકાર કરાયો છે. સર ફાઉન્ડેશન સોલપુર(મહારાષ્ટ્ર) દ્વારા નેશનલ ઇનોવેટીવ ટીચર્સ એવોર્ડ પ્રાપ્ત કરનાર શૈલેષ પ્રજાપતિને પંદર કરતાં વધારે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
શિક્ષણમાં નવ સર્જનની વાતનો સ્વીકાર કરી શાળાને સમૃદ્ધ કરી શકનાર આ અનોખા શિક્ષક. પોતાના મુખ્ય વિષય એવા અંગ્રેજીને સહજ રીતે શીખવવા માટે પ્રયત્નશીલ શિક્ષક અને તજજ્ઞ શૈલેષ પ્રજાપતિ. તેઓ આજના આધુનિક ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ કરતા શિક્ષક તરીકે ઓળખવામાં જરાય અતિશયોક્તિ નથી એવું કહી શકાય.
@#@
કાંતિભાઈ પરમાર ( કારેલી પ્રાથમિક શાળા. તાલુકો: વાવ)
રણમાં ખીલ્યું ગુલાબ છે જે, રણનો જ એક ભાગ છે.
પરમાર બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ તાલુકાના એક નાનકડા ગામના વતની છે. એમની શાળા અને પરિવારનાં બાળકો જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી ચેસની રમતમાં નવો ચીલો કંડાર્યો છે.
એક પર્યાવરણ પ્રેમી શિક્ષક તરીકે એમની ઓળખ છે. આ વર્ષે એમની શાળામાં સો કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ પણ આવા આયોજન થકી શાળા હરિયાળી અને લીલીછમ દેખાય છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સાથે સંકળાયેલા આ શિક્ષક દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના સમીક્ષક તરીકે સેવાઓ અપાઈ છે. ઇતિહાસ અને આધ્યાત્મ ને કેન્દ્રમાં રાખી યુટ્યુબ ચેનલ ઉપર અનેક વિગતો આપતા આ સર્જનશીલ શિક્ષક બાળકોના નવાચાર માટે કાર્ય કરી બાળકોને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડવાનો એમનો બહોળો અનુભવ છે. આવા અદભૂત શિક્ષકને આજે શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપીશું કે તેઓ દ્વારા એકદમ અંતરિયાળ વિસ્તારના બાળકોના વિકાસને વધુ આગળ ધપાવી શકવા સતત સફળતા સાથે કાર્યરત રહી શકે. આ વિસ્તારમાં શિક્ષણ માટે દૂત બની કાર્ય કરી શકે.
દીપાલી રાજપૂત (વાધણા પ્રા. શાળા. તાલુકો:પાલનપુર.)
लाओ तुम्हारे बच्चे, इंसान बनादेंगे।
लोग पूजेंगे ऐसे, उन्हें महान बना देंगे।
જે સમાજમાં દીકરીઓના શિક્ષણ માટે પહેલ કરવી પડતી. દીકરીઓ ભણે તે માટે ખાસ તૈયારી કરવી પડતી હતી એવા ક્ષત્રિય સમાજનાં દીકરી દિપાલી રાજપૂત આજે એમના ક્ષત્રિય અને શિક્ષણ સમાજનું રતન કહી શકાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અંગ્રેજી વિષય સાથે શિક્ષણ મેળવી શિક્ષક તરીકે તેઓ જોડાયાં.
વર્ષ1998માં પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે જોડાયાં. શીખવા શીખવવામાં સદાય સજ્જ દીપાલીબેન રાજપૂત વાધણા પ્રા. શાળા, પાલનપુર ખાતે ફરજ બજાવે છે. અંગ્રેજી વિષયનું વિશેષ પ્રભુત્વ અને અન્ય ભાષા ઉપરાંત લગભગ તમામ વિષયમાં સરખું અને સહજ પ્રારંભિક જ્ઞાન ધરાવતા દીપાલીબેન બાળકોને સમજી એમની પાસેથી કામ લેવાની અનોખી કુનેહ ધરાવે છે. ધાર્મિક મનોવૃત્તિ સાથે રાષ્ટ્રપ્રેમ અને સંસ્કાર ઘડતર માટે સક્રિય દીપાલીબેન રાજપૂત છેલ્લે લેવાયેલ શિક્ષણ સંવર્ગની વર્ગ:બે માટે જીપીએસસી દ્વારા સમગ્ર રાજ્યમાં ઇઠયાસીમો ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ટૂંક સમયમાં શિક્ષકમાંથી શિક્ષણના અધિકારી બનશે ત્યારે શિક્ષક દિને અનેક મહિલાઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર દીપાલીબેન રાજપૂત ને હાર્દિક શુભેચ્છા.
@##
સફન મનસુરી
મોટી ડુંગડોલ પ્રાથમિક શાળા.
તાલુકો:ધાનેરા
दरिया अब तेरी खेर नहीं, बूंदों ने बगावत करली हैं।
तलवार तुजे जुकना होगा, गरदन ने बगावत करलीहैं।
એક વ્યક્તિ. અનેક સમસ્યાઓ અને છતાંય પોતાના ક્ષેત્રમાં વિશેષ સ્થાન. આ ત્રણેય બાબતો એક સાથે જોવી હોય તો એ માટે આપણા જિલ્લાના ધાનેરા તાલુકાની મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં શિક્ષક સફન મનસુરી ને મળવું રહ્યું. આંખે ન જોઈ શકવાના કારણે શિક્ષક તરીકે કામ કરવું એક ચેલેન્જ છે. સફન મનસુરી દ્વારા આ ચેલેન્જ ને એક સહજ પ્રક્રિયા બનાવવામાં સફળતા મળી છે. જિલ્લાના દિયોદર,ડીસા અને હાલ ધાનેરા ખાતે ફરજ બજાવતા આ શિક્ષક આંખે જોઈ શકતા નથી. દિવ્યાંગ હોવા છતાં એ આધુનિક ટેક્નોલોજીની મદદ વડે વર્ગખંડમાં બાળકોને સફળતા પૂર્વક શિક્ષણ કાર્ય કરાવી શકે છે. પાઠ્યપુસ્તકોને સ્વ બળે બ્રેઇલમાં તૈયાર કરવાથી લઈ બાળકો શું શીખ્યાની ચકાસણી કરવા આગવા અને અનોખા રસ્તાનો ઉપયોગ કરનાર સફન મનસુરી ને એક સફળ શિક્ષક તરીકે આજના તબક્કે ઓળખવા એ આપણું ગૌરવ છે.
રોશન હસન
બ્રાન્ચ શાળા નં:૧.
તાલુકો: પાલનપુર
आज हमारे बच्चो को चांद सितारे छूने दो,
दो चार किताबे पढ़कर वो भी हम जैसे हो जाएंगे।
બ્રાન્ચ શાળા નં:૧ પાલનપુર એક એવી શાળા કે જ્યાં સ્લમ વિસ્તારમાંથી આવતા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો સાથે લાગણીસભર તાદાત્મ્ય સાથે જ બાળકો પ્રત્યે આગવી વાત્સલ્યથી બંધાયેલ શિક્ષિકા રોશન હસન એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળકોમાં રહેલી અખૂટ શક્તિઓને કોઈક મુકામ પર પહોંચવા માટેના સપનાઓનું વાવેતર કરવાના સપના પૂર્ણ કરવા સતત તેઓ કાર્યરત છે. બાળકો માટે મોટીવેશનલ મુદ્દાઓની સોશિયલ મીડિયામાં ચર્ચા થકી તેઓ શિક્ષણ અને સમાજ માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે. એમની શાળામાં શાળા પંચાયતના નિર્માણ અને તે પછી વિશેષ પદગ્રહણ સમારોહ દ્વારા બાળકોને જવાબદારી અને સર્જનાત્મકતાનો વિચાર એક નવતર વિચાર છે. તેઓના ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ દ્વારા બાળકોને પોતાના વ્યક્તિત્વની ઓળખ પણ આપવામાં આવે છે. એમની આ શાળાના બાળકો એમની વાંચન ક્ષેત્રે વિશેષ આયોજન અને અમલવારી પછી રાજ્યના મુખ્યમંત્રી સાથેની સીધી વાતચીત સુધી તક મેળવી સફળ રહ્યાં છે. પોતાની શાળા અને ફરજ સાથે બાળકો માટે શિક્ષણ ને સરળ બનાવે છે.
એમના પ્રયત્નો થકી કેટલીક કન્યાઓ વધુ અભ્યાસ કરી રહી છે. હિન્દી વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ 'રોશન હસન' સાહિત્ય સર્જનમાં પણ સક્રિય છે. તેઓ કાવ્ય રચના,ગઝલ, વાર્તા લેખનમાં એમનું વિશેષ યોગદાન રહ્યું છે.
'' પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લાથી છેક તાલુકા સુધીના શ્રેષ્ઠ શિક્ષકોનું આ દિવસે સન્માન કરવામાં આવે છે.દેશમાં રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ અને જિલ્લા સ્તરે વિવિધ અધિકારીઓ આ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરે છે.
બનાસકાંઠાનું ગૌરવ...
તારીખ:5 સપ્ટેબર 2022ના રોજ દાંતીવાડા તાલુકાની રામનગર પ્રાથમિક શાળાના એચ ટેટ આચાર્ય શ્રી કમલેશભાઈ ઠક્કર અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળાનાં રમીલાબેન મકવાણા આ વર્ષે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બનાસકાંઠા જિલ્લામાંથી પસંદગી પામ્યા છે. મહામાહિમ રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે રાજભવન ગાંધીનગર ખાતે આયોજિત શિક્ષક દિનના વિશેષ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના આ બે શિક્ષકનું આજરોજ વિશેષ સન્માન થશે.
Comments