ચિત્રકાર શિક્ષક: જયેશ વાગડોદા



દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધા કૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લાથી છેક તાલુકા સુધીના શ્રેષ્ઠ શિક્ષકોનું આ દિવસે સન્માન કરવામાં આવે છે.દેશમાં  રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલ અને જિલ્લા સ્તરે વિવિધ અધિકારીઓ આ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરે છે.

આજે એવા જ એક શિક્ષક એટલે જયેશભાઇ વાગડોદા.

એક એવા શિક્ષક કે જેમને શિક્ષકત્વ વારસામાં મળ્યું છે. જયેશભાઇ એક એવા શિક્ષક છે જેમણે એમના વિશેષ કૌશલ્યને કારણે આગવો ચાહક વર્ગ ઉભો કરવામાં સફળતા મેળવી છે. એક ઉત્તમ ચિત્રકાર અને સફળ શિક્ષક એવા શ્રી જયેશ વાગડોદા શિક્ષક તરીકે કાર્યરત છે. તેમના પિતાશ્રી પણ શિક્ષક હતા. તેઓ હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. નિવૃત્તિ પછી પણ યોગ અને તેના અંગેના પ્રચાર પ્રસાર માટે જીવનના આ સમયનો સદુપયોગ કરી જીવંતતાથી જીવી રહ્યા છે. સૌને અનોખું જીવન જીવતાં શીખવી રહ્યા છે. આવા જન્મજાત શિક્ષકના ત્રણ સંતાન પૈકી સૌથી મોટા પુત્ર એટલે આપણાં જયેશ વાગડોદા.

કુદરતનો કરિશ્મા કહો કે ભગવાનના આશીર્વાદ, પરંતુ જયેશભાઇ જીવંત ચિત્રકળામાં અનોખી હથરોટી ધરાવે છે. આ અનોખા ચિત્ર શિક્ષક જયેશભાઇ માત્ર મિનિટોમાં સ્કેચ બનાવી શકે છે. લાઈવ સ્કેચિંગ અને પોટ્રેઇટમાં નિપુણ એવા આ શિક્ષક દ્વારા અત્યાર સુધીમાં પાંચસો કરતાં વધારે સ્કેચ દોરી ચુક્યા છે. અહીં એ જણાવવું જરૂરી થઈ પડે છે કે ચિત્રકલા દ્વારા બાળકોને પોતાની તરફ  આકર્ષિત કરવામાં સદેવ સફળ રહેલા જયેશ વાગડોદા શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાહિત્ય નિર્માણમાં સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં અનોખી ઓળખ ધરાવે છે.  સમગ્ર રાજ્યમાંથી સ્ટેટ રિસોર્સ ગ્રુપના સદસ્ય તરીકે પણ તેઓ સક્રિય રીતે જવાબદારી નિભાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં અનોખી અને ખૂબ જ ઝડપી ચિત્રકલાના જાણકાર જયેશભાઇ આપણાં જિલ્લાનું એક રતન છે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી