ભોગીલાલ પંડ્યા


ભોગીલાલ પંડ્યા

નમસ્કાર મિત્રો.

                      રેડિયો પાલનપુરમાં હું ડો. ભાવેશ પંડ્યા. એક નવી વાર્તા સાથે આવ્યો છું. આજની આ વાર્તાનું મુખ્ય કેરેક્ટરનું નામ છે ભોગીલાલ. ગામના યુવાન ભોગીલાલ. ધનસુરાના ભોગીલાલ. શિક્ષક ભોગીલાલ. મૂળ વતન મેઘરજ પણ નોકરી અર્થે ધનસુરા સ્થાઇ થયા.અરે રે...! આમ તો ભોગીલાલનો પરિવાર એટલે ગામમાં પૂછાય,પાંચમા પૂછાય. ગામનું મુખી પદ એમના બાપાના હાથમાં. ગામનો કોઈ પણ ગોરો અંગ્રેજ આવે, મુખીના ઘરે જાય.આ કારણે નાનપણથી ભોગીલાલનું અંગ્રેજી પણ સારું.તેઓ અંગ્રેજી સાથે આઠમી ચોપડી ભણ્યા પછી અંગ્રેજ સરકારે શિક્ષક તરીકેની નોકરી આપી.ધનસુરામાં કોઈ એક ગામમાં શિક્ષક તરીકે ભોગીલાલ જોડાયા.આતો બ્રાહ્મણનો જીવ. શિક્ષકનો જીવ.ગામડાનો જીવ. ગામના બાળકોને ભેગા કર્યા. શાળા શરૂ કરી.ભણાવવાનું શરૂ કર્યું. અહીં નથી મકાન નથી બેસવાની વ્યવસ્થા. ગામના કોઈ એક મંદિરના ઓટલે શાળા શરૂ થઈ.ધીરે ધીરે ભોગીલાલની શાળાની સંખ્યા વધવા લાગી. પાંચ છોકરાઓથી શરૂ કરેલી આ શાળાએ બે વર્ષમાં લગભગ લગભગ ચાલીસ પિસ્તાલીસ છોકરાઓની શાળા બની ગઈ. સમય બદલાયો ,અધિકારી બદલાયા.એક અંગ્રેજ અધિકારી થોમસ. જેમણે આ શાળાની મુલાકાત લીધી.અંગ્રેજ અધિકારીએ જ્યારે શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકો શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા.કેટલાક બાળકો ચિત્ર દોરી રહ્યા હતા,કેટલાક બાળકો લખી રહ્યા હતા,કેટલાક બાળકો સાથે ભોગીલાલ જાતે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા. થોમસ સાહેબની એન્ટ્રી થઈ છે એવી તો ભોગીલાલને ખબર જ નથી.તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરવામાં વ્યસ્ત છે અને તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છે.ઓચિંતા આવનાર અધિકારી થોમસ પાસે આવ્યા એમને એક દમ પાસે ઉભેલા જોઈ ભોગીલાલે એમને સન્માન આપ્યું. નમસ્તે કરી ભોગીલાલ ઊભા થયા.થોમસે ભોગીલાલ શું કામ કરી રહ્યા હતા સાથોસાથ વિદ્યાર્થીઓ સાથે તેઓ શું કામ કરી રહ્યા હતા એની ચકાસણી કરી. વિદ્યાર્થીઓનું કામ જોયું.શાળાની સ્વચ્છતા જોઈ.શાળાના કાગળ પત્રકો જોયા.અને પૂછ્યું ,ભોગીલાલ આ શાળા કેટલા દિવસથી ચાલે છે. સાહેબ સામે થોડીવાર જોઈ ભોગીલાલે કહ્યું, સાહેબ મને નોકરી મળી ત્યારથી આ શાળા ચાલે છે.એનું મકાન કે બીજી કોઈ વ્યવથા નથી.અમે ગામના મંદિરમાં બેસીને બાળકોને ભણાવીએ છીએ.ઓ..હો....હો.. આટલી સરસ શાળા, આટલા સરસ શિક્ષક અને ભણાવવા માટેની શાળા નથી. થોમસ સરે તરત જ શાળાને એક ઓરડાની વ્યવથા થાય તે પ્રમાણની સૂચનાઓ આપી.ગામ વાળાને તો મજા ...મજા. ભોગીલાલ તો ખુશ ખુશ.છોકરાઓ તો રાજી રાજી.થોડોક સમય પસાર થયો. શાળાનું મકાન તૈયાર થઈ ગયું.હવે તો ભોગીલાલમા પણ જુસ્સો વધી ગયો હતો. શાળાનું નવું મકાન જોઈને શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પણ પચાસને પાર પહોંચી હતી. આ તરફ સમય બદલાયો.બે એક વર્ષ થયા હશે. શિક્ષણના અધિકારીની બદલી થઈ. એક ચુસ્ત અંગ્રેજ,પાક્કો અંગ્રેજ માત્રને માત્ર પોતાના દેશ ઇંગ્લેન્ડની વફાદારી માટે શોષણ કરનાર અંગ્રેજ અધિકારીની નિમણૂક થઈ.  થયું એવું કે આ નવા આવનાર અધિકારીએ આ શાળાની મુલાકાત લીધી. જેવી મુલાકાત લીધી એ મુલાકાત વખતે એમને જોયું તો શાળાની સ્વચ્છતા સારી.શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છ થઈને આવેલા.શાળાના શિક્ષક પણ હાજર.શિક્ષક વિદ્યાર્થીઓ સાથે એકાત્મતાથી કામ કરતા હતા.શિક્ષકે વિદ્યાર્થીઓને ખૂબ બધું શીખવ્યું હતું. એમની શારીરિક ક્ષમતા પણ વધારે હતી.એમની સર્જનાત્મકતા પણ એમણે જોઈ.પણ, ખાદીનો ઝભ્ભો અને ધોતિયું પહેરેલા ભોગીલાલને કોઈ રીતે આ નવો અધિકારી સહન કરી શકતો ન હતો.શાળામાં બધું જ સારું હતું. તો શા માટે આ માણસ ,અંગ્રેજ સરકારની નોકરી કરનાર માણસ શા માટે ખાદીનાં કપડાં પહેરે. મિત્રો એ વખતે સ્વદેશીની ચળવળ ચાલુ હતી. ભોગીલાલ સ્વદેશીના આંદોલન સાથે જોડાયેલા હતા. આ આંદોલનના ભાગ રૂપે અમે એમના ગામના યુવાનોને અને શાળાના વિદ્યાર્થીઓને શરીરની કસરત કરાવતા હતા. શરીરને ખડતલ બનાવતા હતા અને દેશ પ્રેમની વાતો કરતા હતા.આવા ભોગીલાલને જોઈ આ નવા અંગ્રેજ અમલદારને થયું કે ધોતી તો નઈ જ પહેરવા દઉં અને ખાદીની તો ક્યારેય નહીં.દિવસ દરમિયાન જોયેલા કામના અંતે ભોગીલાલે સાહેબના સામે વિજીટ બુક ધરી. વિઝીટ બુક ભરવા એમની આગળ વિઝીટ બુક રજૂ કરી.સાહેબે વિઝીટ બુકમાં બધું સારું જ લખ્યું. શાળાનું વાતાવરણ સારું,શાળા વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે યોગ્ય.શિક્ષકના પ્રયત્નો સારા.શાળાની સ્વચ્છતા સારી.સર્જનાત્મકતા વિદ્યાર્થીઓમાં ઉત્તમ પ્રકારની પણ સાથે સાથે લખ્યું કે આ ભોગીલાલને જો શિક્ષક તરીકેની નોકરી કરવી હોય તો ઝભ્ભો ને ધોતી પેરીને આવવું નહિ.આ કારણથી ભોગીલાલને ખૂબ માઠું લાગ્યું. ભોગીલાલ એ સમયે સ્પષ્ટ શબ્દોમાં આવનાર અધિકારીને કહી દીધું કે ઝભ્ભો લેગો હોય કે ઝભ્ભો ધોતી.. હું ખાદીની પેરુ છું ને ખાદી જ પહેરીશ. કારણ કે હું સ્વદેશીમાં માનું છું, હું ગાંધી બાપુના વિચારોમાં માનું છું. અંગ્રેજ અધિકારીએ મૌખિક સૂચના આપી કે થોડાક દિવસ પછી હું ફરીથી તમારી શાળાની મુલાકાત લઈશ અને જો એ વખતે તમે ખાદીના વસ્ત્રો પહેરેલા હશે, જો આ ધોતી પહેરેલી હશે,ઝભ્ભો પહેરેલો હશે અને જો એ ખાદીની હશે તો તમને હું નોકરીમાંથી બરખાસ્ત કરીશ.સમગ્ર ગામમાં પૂછતો પરિવાર ધનસુરા, મેઘરજ, મોડાસા,પાંદરવાડા, બાયડ,ઇલોલ જેવા સમગ્ર પંથકમાં પૂછાતા ભોગીલાલ મુખી.એમને નોકરીની જરૂરત જ ન હતી.એમની જોડે જમીનદારી હતી.પણ, દેશ સેવા માટે,વિદ્યાર્થીઓના ઘડતર માટે કે નાની ઉંમરથી બાળકોમાં દેશ પ્રેમ ઊભો કરવા માટે તેમણે આ નોકરી સ્વીકારી હતી. થયું એવું કે એક અઠવાડિયા પછી ફરીથી પેલો નવો ગોરો અધિકારી ભોગીલાલની શાળાની મુલાકાત લે છે. ભોગીલાલને એ જ શબ્દો કહ્યા. તમે આજે પણ ધોતી પહેરી છે.આજે પણ ઝભ્ભો પહેર્યો છે. અને એ પણ ખાદીનો?!આજ પછી તમારે નોકરી કરવાની નથી કારણ કે ખાદી એ અંગ્રેજ સરકાર સામેની લડત છે. ખાદી એ તમારા દેશને આઝાદ કરાવવા માટેની લડત છે. અને આ કારણે કોઈ પણ સંજોગોમાં હું તમને ખાદીના વસ્ત્રો સાથે શિક્ષકની નોકરીમાં જોઈ શકીશ નહિ. ત્યારે કહેવાય છે કે ભોગલાલે ત્યાં જ ઊભા ઊભા હાથો હાથ લખેલું રાજીનામું આપી દીધું અને એમને બાળકોને કહ્યું કે બાળકો ખાદી આપણા દેશનું ગૌરવ છે. હું ખાદી પહેરું છું એટલા માટે મને આ નોકરી માંથી કાઢવામાં આવ્યો છે. આવતી કાલથી હું નોકરી આવીશ નઈ.આટલું જ સાંભળતા એક સાથે પચાસ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા અને એમણે ભોગીલાલના પાછળ ચાલવાનું શરૂ કર્યું, પહેલા જ્યાં મંદિરમાં શાળા ચાલતી હતી એજ જગ્યાએ પહોંચ્યા. શાળાનું સરકારી મકાન ખાલી પડી રહ્યું. એ અંગ્રેજ અધિકારી રહ્યા ત્યાર સુધી ભોગીલાલે મંદિરમાં શાળા ચલાવી.

 આવા અનેક ક્રાંતિવિરો, અનેક દેશ પ્રેમીઓને આપણે યાદ કરીશું. એવા વ્યક્તિઓને યાદ કરીશુ જેમને રાષ્ટ્રના ઘડતર માટે,રાષ્ટ્રના વિકાસ માટે,રાષ્ટ્ર માટે કશુંક  કર્યું છે. ખાસ કર્યું છે.અને એમનું જીવન ઉપદેશ આપતું જાય છે.

     શ્રોતા મિત્રો ફરીથી કોઈ નવી વાર્તા સાથે મળીશું 90.4FM એટલે આપનું રેડીઓ, આપણો અવાજ, રેડીઓ પાલનપુર સાથે. 

  

    Tuesday : 08:45 PM

    Friday  : 08:15 PM

    saturday: 08:45 PM

    sunday  : 10:00 AM

    Radio Palanpur 90.4 FM


આ વાર્તા સાંભળવા માટે ક્લિક કરો :-

ભોગીલાલ પંડ્યાની વાર્તા સાંભળો

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી