આલોક સાગર(aalok sagar)
આજે વાત કરી રહ્યા છીએ તે પહેલી નજરે જોતાં તો કોઈ વનવાસી જેવા લાગશે. હા, તે અંતરિયાળ વિસ્તારમાં જ રહે છે. તેમની હકીકત જાણીને તમે પણ ચોંકી જશો. વાત છે આલોક સાગર વિષે જેઓ IIT દિલ્હીથી ભણેલ છે. છેલ્લા 33 વર્ષથી તેઓ મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં જીવન જીવી રહ્યા છે. જીવનમાં એશો આરામ છોડીને તેઓ જીવન પસાર કરી રહ્યા છે.
આલોક સાગરે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી, તેઓ 1977માં યુએસ ગયા, જ્યાં તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. આ દરમિયાન તેમણે પોસ્ટ ડોક્ટરેટ અને કેનેડા સ્થિત ડેલહાઉસી યુનિવર્સિટીની સમાજશાસ્ત્ર વિભાગમાંથી ફેલોશિપ પણ મેળવી. ત્યાંથી અભ્યાસ પૂરો કરીને તેઓ IIT દિલ્હીમાં પ્રોફેસર બન્યા. જોકે, અહીં તેમનું મન ન લાગ્યું અને પછી નોકરી છોડી દીધી.
આલોક સાગરના પિતા સીમા શુલ્ક ઉત્પાદન વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેમનો એક નાનો ભાઈ અંબુજ સાગર IIT દિલ્હીમાં પ્રોફેસર છે. એક બહેન અમેરિકા કનેડા માં તો એક બહેન જેએનયુ દિલ્હી ખાતે કાર્યરત છે. આલોક સાગર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના ગુરુ છે.
તેમને ઘણી ભાષાઓનું જ્ઞાન છે તેમ છતાં તેઓ પ્રચારથી દૂર રહીને સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે. આલોક સાગરના મતે, જ્યાં વ્યક્તિના ભાગ્યમાં મનની શાંતિ અને માનસિક શાંતિ હોય છે, ત્યાં વાસ્તવિક જીવન છે. પ્રોપર્ટીના નામે માત્ર ત્રણ કુર્તા અને એક સાયકલ છે. તેઓએ જ્યાં રહે છે તેની આસપાસ 50 હજારથી વધુ વૃક્ષો ઉછેર્યાં છે. તે હંમેશા બીજ એકત્ર કરીને લોકો સુધી પહોંચાડે છે અને તે માટે માર્ગદર્શન પણ આપે છે.
એકવાર મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની ચૂંટણી દરમિયાન સ્થાનિક અધિકારીઓને આલોક સાગર પર શંકા ગઈ. ચૂંટણી હોઈ તંત્રએ આ વ્યક્તિને અહીંથી ચાલ્યા જવાનું કહ્યું. પરંતુ જ્યારે તેણે પોતાની ડિગ્રીઓ પ્રશાસનને બતાવી તો ક્ષણભર માટે તમામ અધિકારીઓ ચોંકી ગયા. જ્યારે તેમને પોલીસ સ્ટેશનમાં તપાસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તે કોઈ સામાન્ય વ્યક્તિ કે ગુનેગાર નથી. તેઓતો IITનો ભૂતપૂર્વ પ્રોફેસર હતા.
તેઓ શરૂઆતથી આદિવાસીઓના સામાજિક, આર્થિક અને અધિકાર માટે લડાઈ લડતા હતા. તેઓ આદિવાસીઓમાં ગરીબીને લડવા માટે આશા જગાડી રહ્યા છે. આલોક આજે પણ આખા ગામમાં સાયકલ પર ફરે છે. આદિવાસી બાળકોને ભણાવવા અને ઝાડ છોડનું ધ્યાન રાખવું એ તેમનું કાયમી કામ છે. આજે બધા માટે તેઓ એક મિસાલ સમાન છે. આવા વ્યક્તિઓ જ દેશ અને દુનિયામાં આગવું કામ કરી શકે છે.
Comments