ભગવાન ભૂલ ન કરે...એક નાનું ગામ. 

ગામમાં એક જશો રહે.

જશો ભારે આળસ રાખે.

કોઈ કામ જાતે ન કરે,બધાં જ કામ માટે કોઈની મદદ મળે તેની રાહ જુએ. જશાને કોઈ મોઢામાં કોળિયો મૂકે તો એને ખાવાની મજા પડી જાય. જો કોઈ કોળિયો ખવડાવનાર ન હોય તો એ જમે તો ખરો પણ, એને જમવામાં મજા ન આવે.જશો આળસુ હતો પરંતુ એ ગીત સરસ ગાતો હતો.


એક દિવસની વાત છે.

જશાને કોઈ કામથી બીજે ગામ જવાનું થયું. જશો તો સવાર સવારમાં બીજે ગામ જવા નીકળી ગયો. જશો મનોમન વિચારતો હતો, ' જો આજે કોઈનું બળદગાડું મળી ગયું હોત તો ચાલવું ન પડત. આમ વિચાર કરતો કરતો જશો તો બીજા ગામ તરફ આગળ વધતો હતો. થોડું ચાલ્યો ત્યાં જંગલ આવી ગયું. જશો જંગલમાં પ્રવેશી ગયો.જશો ઘરેથી નીકળ્યો ત્યારે આસપાસ થોડા ઘણા વૃક્ષો હતા. લીમડો, આંબો, આસોપાલવ અને ગામ પૂરું થયું ત્યારે વડનું વૃક્ષ હતું.

જશો ચાલતાં ચાલતાં ગાતો હતો...


મારું નામ જશો છે,

જશો ચાલતો જાય છે.

ગામમાં મને ઝાડ દેખાય,

જશો જોતો જાય છે.


જશો ગાતો ગાતો આગળ વધતો હતો. જશો જેમ જેમ જંગલમાં આગળ વધતો ગયો એમ જાત જાતના વૃક્ષો દેખાવા લાગ્યા.


કેટલાક વૃક્ષ ઊંચા હતા. કેટલાક વૃક્ષ ઘટાદાર તો કેટલાક નાના નાના વૃક્ષ હતા. જશો આગળ વધતો હતો. જશો આગળ પાછળ જોતો જોતો આગળ વધતો હતો. જાશાએ ગીત બદલ્યું હતું. તે હવે નવું ગીત ગાતો હતો.


મારું નામ જશો છે,

જશો ચાલતો જાય છે.

જંગલમાં મને ઝાડ દેખાય,

જશો જોતો જાય છે.


નાના મોટા, ઊંચા નીચા.

અનેક વૃક્ષ દેખાય છે.

આસપાસ જોતો જોતો

જશો રાજી રાજી થાય છે.


જશો આગળ વધતો હતો. જંગલમાં એ જોતો હતો. ક્યાંક એણે કેરી જોઈ. ક્યાંક જશાએ તરબૂચ જોયાં. ક્યાંક બોર તો ક્યાંક કાકડી લબડતી હતી. જશો એકલો એકલો બોલતો હતો. જશો જાતે જ એની જાત સાથે વાતો કરતો હતો.


ચાલતાં ચાલતાં જશો થાકી ગયો હતો. એણે મનમાં વિચાર્યું 'અહીં આરામ કરવો પડશે. ચાલી ચાલીને ખૂબ થાકી ગયો છું.' આમેય જશાને કામ કરવું તો ગમતું ન હતું. જશો આજે ચાલી ચાલીને થાકી ગયો હતો. એણે એક આંબાના વૃક્ષ નીચે આરામ કરવાનું વિચાર્યું. જશો તો ખૂબ આળસુ. એતો આંબાના વૃક્ષ નીચે જઈ સીધો જ આડો પડી ગયો. જશો થાક્યો હતો. થોડી વારમાં તો એ સુઈ ગયો. સાંજ પડવા આવી. જશાને આગળ વધી બીજે ગામ જવાનું હતું. જશો જાગ્યો,જોયું તો સાંજ પડવામાં હતી. જશો આળસુ હતો અને આજે થાકી ગયો હતો. સવારનો ઘરેથી ભૂખ્યો નીકળ્યો હોઈ અત્યારે તો એને ખૂબ કકડીને ભૂખ લાગી હતી. જશો આળસનો માર્યો આંબાના વૃક્ષ નીચે પડી રહ્યો હતો. 


એણે જતાં જતાં ગીત ગાવું શરૂ કર્યું.


મારું નામ જશો છે,

જશો ચાલતો જાય છે.

જંગલમાં મને ઝાડ દેખાય,

જશો જોતો જાય છે.


નાના મોટા, ઊંચા નીચા.

અનેક વૃક્ષ દેખાય છે.

આસપાસ જોતો જોતો

જશો રાજી રાજી થાય છે.


જશો સવારે નીકળ્યો છે.

જશો આજે ખૂબ ભૂખ્યો છે.

આંબા નીચે ઊંઘતો જશો.

જશો આજે થાક્યો છે.


જશો ગાતો ગાતો આસપાસ જોતો હતો. આંબાના વૃક્ષ નીચે પડ્યા પડ્યા જશાની નજર આંબા ઉપર પડી. આંબા ઉપર કેરીઓ હતી. કેટલીક ડાળ ઉપર મોર હતા. ક્યાંક ક્યાંક નાની કેરીઓ અને ક્યાંક મોટી પણ કાચી કેરીઓ જશાએ જોઈ.કેટલીક ડાળ ઉપર પીળી અને પાકી કેરીઓ લબડતી હતી. જશાને ભૂખ લાગી હતી. એ ઉભો થઈ કેરી તોડી શકે એમ હતો પણ, આ આળસુ જશો કેરી તોડવાને બદલે આસપાસ હાથવગું કશુંક ખાઈ શકાય એવું હોય એ શોધવા લાગ્યો. જશો પડ્યા પડ્યા જંગલમાં આસપાસ જોતો હતો.


થોડે દૂર જોયું તો ગોળ ગોળ અને મોટું તરબૂચ જમીન ઉપર પડેલું જોયું. આ તરબૂચ જોઈ જશો ગીત ગાવા લાગ્યો.


મારું નામ જશો છે,

જશો ચાલતો જાય છે.

જંગલમાં મને ઝાડ દેખાય,

જશો જોતો જાય છે.


નાના મોટા, ઊંચા નીચા.

અનેક વૃક્ષ દેખાય છે.

આસપાસ જોતો જોતો

જશો રાજી રાજી થાય છે.


જશો સવારે નીકળ્યો છે.

જશો આજે ખૂબ ભૂખ્યો છે.

આંબા નીચે ઊંઘતો જશો.

જશો આજે થાક્યો છે.


માથા ઉપર કેરી છે.

જમીન ઉપર તરબૂચ છે.

કેરી મને ભાવે છે.

પણ,જશો આજે એકલો છે.

જશાને ભૂખ લાગી ખૂબ.

જશાને લાગી છે ભૂખ.


જશાને ભૂખ લાગી હતી.

એના માથા ઉપર કેરી અને થોડે દૂર તરબૂચ દેખાતું હતું. બન્ને જશો ખાઈ શકે એમ હતો પરંતુ કેરી કે તરબૂચ ખાવા માટે જશાએ ઉભું થવું પડે એમ હતું. આળસુ જશો એમ તો ઉભો કેમ કરતાં થાય?


જશો પડ્યો રહ્યો.

એ ભગવાન ને કહેતો હતો.મારું નામ જશો છે,

જશો ચાલતો જાય છે.

જંગલમાં મને ઝાડ દેખાય,

જશો જોતો જાય છે.


નાના મોટા, ઊંચા નીચા.

અનેક વૃક્ષ દેખાય છે.

આસપાસ જોતો જોતો

જશો રાજી રાજી થાય છે.


જશો સવારે નીકળ્યો છે.

જશો આજે ખૂબ ભૂખ્યો છે.

આંબા નીચે ઊંઘતો જશો.

જશો આજે થાક્યો છે.


કેરી જશાના માથા ઉપર,

તરબૂચ જશાથી દૂર છે.


ભગવાન પણ ભૂલ કરે છે.

નાની કેરી મોટા વૃક્ષ પર,

તરબૂચ વેલે થાય છે.

જશો તો અકળાય છે.

જશો તો મરડાય છે.


જશો ગીત ગાઈ રહ્યો.એને ભૂખ વધારે લાગી. એ ભગવાન ને કહેતો હતો કે આ કેરી નાની ને આવડા મોટા વૃક્ષ ઉપર થાય. ત્યાં હાથ ન પહોંચે એટલે દૂર થાય. તરબૂચ મોટું અને વજનદાર હોય તોય એ નાના અને પાતળા વેળા ઉપર થાય છે. અરે, ભગવાન! આવી ભૂલ તમે કેમ કરી? જશો બોલતાં બોલતાં આમતેમ જોતો હતો. એટલામાં આંબાના વૃક્ષ ઉપરથી એક કેરી પડી. કેરી પડી સીધી જશાના માથા ઉપર.


કેરી માથા ઉપર પડી.

જશાએ આ કેરી પડેલી જોઈ.

આડો પડેલો જશો એકદમ બેઠો થઇ ગયો. ભૂખ લાગી હોઇ પહેલા તો જશાએ આ કેરી ખાધી. કેરી ખાવાથી જશાને થોડી રાહત થઈ. કેરીનો ગોટલો ચૂસીને ફેંકી દીધા પછી  છીતારાં જશો ખાઈ ગયો. 


કેરી ખાઈને જશો બેઠા બેઠા તરબૂચ સામે જોઈ ગીત ગાવા લાગ્યો.


મારું નામ જશો છે,

જશો ચાલતો જાય છે.

જંગલમાં મને ઝાડ દેખાય,

જશો જોતો જાય છે.


નાના મોટા, ઊંચા નીચા.

અનેક વૃક્ષ દેખાય છે.

આસપાસ જોતો જોતો

જશો રાજી રાજી થાય છે.


જશો સવારે નીકળ્યો છે.

જશો આજે ખૂબ ભૂખ્યો છે.

આંબા નીચે ઊંઘતો જશો.

જશો આજે થાક્યો છે.


કેરી જશાના માથા ઉપર,

તરબૂચ જશાથી દૂર છે.


ભગવાન પણ ભૂલ કરે છે.

નાની કેરી મોટા વૃક્ષ પર,

તરબૂચ વેલે થાય છે.

જશો તો અકળાય છે.

જશો તો મરડાય છે.


જશાને તો મળી કેરી.

જશો કેરી ખાય છે.

કેરી પડી માથા ઉપર,

જશો રાજી થાય છે.


રાજી થતો થતો જશો ઉભો થયો. આગળ વધવા લાગ્યો અને મનમાં વિચારતાં એ બોલ્યો. સારું થયું કે તરબૂચ વેલ ઉપર થાય અને જમીન ઉપર હોય છે. કેરી ને બદલે તરબૂચ માથામાં પડે તો કેવી હાલત થાય?આવું વિચારી જશો ધીરે ધીરે આગળ વધી એના ગામ તરફ ગયો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી