‘શહીદે- આઝમ- વીર ભગતસિંહ’

 ‘શહીદે- આઝમ- વીર ભગતસિંહ’

          લાહોર સેન્ટ્રલ જેલમાં ૨૩ માર્ચ,૧૯૩૧ના દિવસની શરૂઆત રોજના નિત્યક્રમ પ્રમાણે જ થઇ હતી. પરંતુ જેલના કેદીઓને થોડું અજુગતું લાગ્યું કારણ કે, વૉરડ્ન ચરતસિંહે જેલના કેદીઓને આદેશ આપ્યો કે કેદીઓ પોત-પોતાની કોટડીમાં ચાલ્યા જાવ.આ માટેનું એમને કોઈ કારણ જણાવ્યું નહોતું.

   જેલમાં વાતોની ગુસપુસ ચાલી રહી હતી કે ‘આજે રાતે ભગતસિંહ,(BHAGATSINH)રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવાની છે’. આ સાંભળી જેલના કેદીઓએ એવી માંગ કરી કે ફાંસી આપ્યા બાદ ભગતસિંહ અને એમના સાથીદારોની કોઈ પણ ચીજવસ્તુ તેમને આપવામાં આવે, કેમ કે તેઓ પોતાના બાળકોને બતાવી શકે કે તેઓ પણ જેલમાં ભગતસિંહ સાથે બંધ હતા. જેલના અધિકારીઓ ભગતસિંહની કોટડીમાં જઈને એક પેન અને દાંતિયો લઇ આવ્યા. 

         ભગતસિંહની વસ્તુ લેવા માટે આખી જેલમાં અફરાતફરી મચી ગઈ હતી. જેલના અધિકારીઓએ મહા-મહેનતે કેદીઓને સમજાવીને એમની કોટડીમાં પૂરી દીધા, પણ બધાજ કેદીઓની નજર જેલના સળિયા બહારના રસ્તા પર જ હતી. કેમકે એજ રસ્તેથી ભગતસિંહ અને એમના સાથીઓને લઇ જવાના હતા. 


    જયારે ભગતસિંહ અને એમના સાથીઓને તેજ રસ્તા પર લાવવામાં આવ્યા, ત્યારે પંજાબ કોંગ્રેસના નેતા ભીમસેન સચ્ચરે ઊંચા અવાજે પૂછ્યું હતું કે, “ તમે અને તમારા સાથીયોએ લાહોર કોન્પીરેસી કેસમાં પોતાનો બચાવ કેમ ના કર્યો”. ત્યારે ભગતસિંહે જવાબ આપ્યો હતો કે, “ઇન્કલાબીઓને મરવું જ પડે છે, કેમ કે એમના મરવાથી જ એમનું અભિયાન મજબુત થાય છે, ના કે અદાલતમાં અપીલ કરવાથી”.

        વૉરડ્ન ચરતસિંહ ભગતસિંહ માટે થતો બધોજ પ્રયાસ કરતા હતા. એમના લીધે જ લાઈબ્રેરીમાંથી ભગતસિંહને વાંચવાની ચોપડીઓ અપાતી હતી. ભગતસિંહ વિષે ખુબ જ વિચારનાર લેખક ચમનલાલ એમની પુસ્તક ‘ભગતસિંહ ડોક્યુમેન્ટ્સ’ માં લખે છે કે ‘ભગતસિંહને પુસ્તક વાંચવાનો ખુબજ શોખ હતો’. ભગતસિંહ જેલમાં રહેવા માટે ટેવાઇ ચુક્યા હતા, એમની કોટડી નંબર-૧૪માં તેમના સુવાની જગ્યાએ ઘાસ ઉગી નીકળ્યું હતું. કોટડીમાં બસ એટલી જ જગ્યા હતી કે એમનું પાંચ ફૂટ દસ ઇંચનું શરીર સમાઈ શકે. ભગતસિંહને ફાંસી આપવાના બે કલાક પહેલાં એમના વકીલ પ્રાણનાથ મહેતા એમને મળવા આવ્યા હતા. ભગતસિંહે હસતા મોઢે એમનું સ્વાગત કરીને પૂછ્યું હતું કે તમે મારું પુસ્તક ‘રિવોલ્યુશનરી’ લાવ્યા કે નહિ. મહેતાજીએ તે પુસ્તક જેવું એમને આપ્યું કે તરત જ તે જ સમયે તે ત્યાં જ વાંચવા લાગ્યા જાણે કે એમના પાસે સમય જ ના બચ્યો હોય. ભગતસિંહ પુસ્તક વાંચતા હતા ત્યારે મહેતાજીએ એમને પૂછ્યું કે તમે દેશને કોઈ જવાબ આપવા માંગો છો. તો ભગતસિંહે કહ્યું કે હા, “સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઇન્કલાબ ઝિંદાબાદ”. ત્યારબાદ ભગતસિંહે મહેતાજીને કહ્યું કે પંડિત નહેરુ અને સુભાષચંદ્ર બોઝને મારા ધન્યવાદ પહોંચાડજો. 

    તેઓએ મારા કેસમાં ઘણી રૂચી દાખવી હતી.ભગતસિંહના સાથી રહી ચુકેલા શિવ વર્મા પોતાના પુસ્તક ‘Reminiscences of Fellow revolutionaries’માં લખે છે કે, “હું પણ તે જેલમાં હતો,જેમાં ભગતસિંહને રાખવામાં આવ્યા હતા. ત્યાં અમારા જેલની કોટડીઓના તાળા ખોલવામાં આવ્યા અને એક પછી એક જેલના કેદીઓને બહાર કાઢવામાં આવ્યા. જેલના અધિકારીઓ એવું ઈચ્છતા હતા કે ભગતસિંહની ફાંસી દરમિયાન કેદીઓ હાજર ન રહે. અમને ગેટ પર લઇ જવામાં આવ્યા ત્યારે મને જેલના અધિકારી દ્વારા કહ્યું કે ‘શું તમે ભગતસિંહને મળવા માંગશો’. મેં ‘હા’માં જવાબ આપ્યો તો તેઓ મને ભગતસિંહ જોડે લઇ ગયાં. મેં જેવા જ ભગતસિંહને જોયા ત્યારે તરતજ મારી આંખોમાંથી આંસુ આવી ગયાં ત્યારે ભગતસિંહે મને કહ્યું કે ‘આ સમય ભાવુક થવા માટેનો નથી, જલ્દીથી હું આમાંથી મુક્ત થઇ જઈશ. તમે મને વચન આપો કે તમે પ્રયાસ ચાલુ જ રાખશો મારા ગયાં પછી પણ તમે વચન આપો’. ભગતસિંહ જેલના સળિયામાંથી હાથ બહાર કાઢીને મારા હાથમાં રાખ્યા.આ દ્રશ્ય જોઈ જેલ સુપ્રીડેન્ટે તરત જ અમને જુદા કરીને મને બહાર કાઢી દીધો.

          ભગતસિંહને મળ્યા પછી મહેતાજી રાજગુરુની કોટડીમાં ગયાં. ત્યારે રાજગુરુના અંતિમ શબ્દ હતા, ‘અમે લોકો જલ્દી મળીશું’. સુખદેવે મહેતાજીને કહ્યું કે ‘તમે અમારા ગયાં પછી જેલમાંથી કેરમબોર્ડ પાછું લઇ લેજો’. મહેતાજીના ગયાં પછી જેલરોએ ભગતસિંહ અને એમના સાથીદારોને જણાવી દીધું કે ‘તમને સમયના ૧૨ કલાક પહેલાં ફાંસી અપાશે.આગળના દિવસે સવારે ૬ વાગ્યે ફાંસીનો સમય હતો પણ આજે સાંજના ૭ વાગે ફાંસી અપાશે’. મહેતાજીએ જે પુસ્તક ભગતસિંહને વાંચવા આપ્યું હતું ત્યારે ભગતસિંહે કીધું કે શું તમે મને આ પુસ્તકનું એક અધ્યાય પણ પૂરું કરવા નહી દો. જેલમાં મુસ્લિમ સફાઈ કામદારને ભગતસિંહે અનુરોધ કર્યો હતો કે તે તેમના માટે ફાંસીના એક દિવસ પહેલાં તેમના ઘરેથી જમવાનું લાવે. પરંતુ આ એમની ઈચ્છા પણ પૂરી ન થઈ, કારણ કે એમને એક દિવસ અગાઉ અચાનક ફાંસી આપવાનું નક્કી થયું હતું.

         થોડીવારમાં ત્રણેય ક્રાંતિકારીઓને તેમની કોટડીઓમાંથી કાઢવામાં આવ્યા. કોઈને પણ જેલમાં જવાની અનુમતિ આપવામાં આવતી નહોતી. ત્રણેય ક્રાંતિકારીઓ એકબીજાને મળીને એકબીજાના હાથોમાં હાથ નાંખીને આઝાદી ગીત ગાવા લાગ્યા.અને તે શબ્દો હતા, “કભી વો દિન ભી આયેગા,કી જબ આઝાદ હમ હોંગે, યે અપની હી જમીન હોગી, યે અપના આસમાં હોગા”.

        ત્યારબાદ ત્રણેય જણના વજન તપાસવામાં આવ્યા. પહેલાં કરતા બધાના જ વજનમાં વધારો જોવા મળ્યો હતો. અને એમને જણાવવામાં આવ્યું કે તમે તમારું છેલ્લું સ્નાન કરી દો. ત્રણેય ક્રાંતિકારીઓને કાળા કપડા પહેરાવી દેવામાં આવ્યા, પણ તેમના ચેહરા ખુલ્લા જ રાખવામાં આવ્યા. ચરતસિંહે ભગતસિંહ પાસે આવીને કાનમાં કહ્યું કે ‘વાહેગુરુજી નું યાદ કરો’. ભગતસિંહ બોલ્યા “હું મારા પુરા જીવનમાં ઈશ્વરને યાદ નથી કર્યા, પણ હું તો અમુક લોકોની પીડા જોઇને હંમેશા ઈશ્વરને કોસુ છું, હવે હું ઈશ્વરની માંફી માંગું તો ઈશ્વર પણ કહેશે કે આનાથી મોટો ડરપોક કોઈ નથી. તેનો અંત નજીક આવી રહ્યો છે એટલે તે માંફી માંગી રહ્યો છે”. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે ધીમા સ્વરે બોલ્યા કે “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હે.....” ત્યારે અચાનક જ દુરથી અવાજ આવવા લાગ્યો ‘ઇન્કલાબ ઝીન્દાબાદ, હિન્દુસ્તાન ઝીન્દાબાદ’

              ફાંસીના માંચડે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાવવામાં આવ્યા. ત્રણેયમા વચ્ચે ભગતસિંહ હતા,  ભગતસિંહને એમની માનું આપેલું વચન યાદ આવી રહ્યું હતું. તે વચન હતું કે ભગતસિંહ ફાંસીના ફંદાને ચૂમીને ઇન્કલાબ ઝીન્દાબાદનો નારા લગાવાશે.

             લાહોર જીલ્લા કોંગ્રેસના સચિવ પિંડીદાસ સોંધીનું ઘર લાહોર સેન્ટ્રલ જેલની બિલકુલ નજીકમાં જ હતું. ભગતસિંહે એટલી જોરથી ‘ઇન્કલાબ ઝીન્દાબાદ’નો નારો લગાવ્યો કે સોંધીના ઘર સુધી સંભળાયો હતો. ભગતસિંહનો અવાજ સંભળાતા જેલના કેદીઓ પણ જોર-જોરથી નારા લગાવવા લાગ્યા હતા. ત્રણેય યુવા ક્રાંતિકારીઓના ગળામાં ફાંસીનું દોરડું લગાવવામાં આવ્યું, ત્યારે એમના હાથ અને પગ દોરડાથી બાંધી દેવાયા હતા. ત્યારબાદ જલ્લાદે પૂછ્યું કે, “સૌથી પહેલાં કોણ જશે”. ત્યારે સૌપ્રથમ સુખદેવે હામી ભરી હતી. જલ્લાદે એક પછી એક દોરડું ખેંચીને અને એમના પગ નીચેના ટેબલોને પગ મારીને પાડી દેવાયા, ઘણા સમય સુધી ક્રાંતિકારીઓના શરીરને લટકવા દીધા. આમ ત્રણેય ક્રાંતિકારીઓને શહાદત મળી.

             અંતે તેઓના શરીરને નીચે ઉતારવામાં આવ્યા, ત્યારબાદ ત્યાં ઉપસ્થિત ડૉ.લેફટીનેન્ટ કર્નલ જેજે નેલ્સન અને લેફટીનેન્ટ કર્નલ સોંધીએ મૃત જાહેર કરાયા હતા. એક જેલ અધિકારી શહીદોના શરીરને તપાસવામાં મનાઈ કરી દીધી હતી. અને આમ મરણ પામેલા ક્રાંતિકારીઓના પાર્થિવ શરીરની ઓળખ જુનિયર ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. જેલમાં પહેલાં એવી યોજના ઘડવામાં આવી હતી કે આમના પાર્થિવ શરીરને જેલમાં જ બાળીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પણ પછી બહાર ઉભેલી ભીડને ધ્યાનમાં લેતા તેઓને ડર ફેલાયો કે જેલની અંદર ધુમાડો ઉડતો દેખાશે, તો બહાર ઉભેલી ભીડ જેલ પર હુમલો કરી દેશે. તેથી જેલની પાછળની દીવાલ તોડવામાં આવી અને ત્યાંથી ટ્રક જેલની અંદર લાવવામાં આવ્યો અને તેમાં ખુબ જ અપમાનજનક રીતે તે પાર્થિવ શરીરને એક સામાનની જેમ ભરીને લઇ જવામાં આવ્યો હતો.

           પહેલાં એવું નક્કી કરાયું હતું કે રાવી નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પછી રાવી નદીમાં પાણી ઓછું હોવાથી સતલજ નદીના કિનારે પાર્થિવ શરીરોને લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અંતે આમ ફીરોજપુરની પાસે સતલજ નદીના કિનારે લાવવામાં આવ્યા, ત્યારસુધી રાત્રીના ૧૦ વાગી ચુક્યા હતા. ત્યારે ઉપપોલીસ અધિક્ષક કસુર સુદર્શનસિંહ કસુર ગામના એક પુજારી જગદીશ અચરજને બોલાવી લાવ્યા હતા. જેવી જે ક્રાંતિકારીઓના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કારની વિધિ શરુ કરીને આગ લગાવવામાં આવી કે ત્યારે લોકોની ભીડ આવી પહોંચી. લોકોના ટોળા એમની સામે આવતાં જોઇને સૈનિકો નાસી છૂટ્યા હતા. લોકો ત્યાં પહોંચીને આખી રાત સુધી શબોની રક્ષા કરી અને બીજા દિવસે બપોરે જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમથી લાહોરના બધાજ ગલી મોહલ્લામાં નોટીસ લગાવવામાં આવી કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સતલજ નદી કિનારે હિંદુ અને શીખ રીતરિવાજોથી અંતિમ સંસ્કાર કરવામાં આવી દીધા છે, પરંતુ લોકોએ વિશ્વાસ ન કર્યો.

           ત્યારબાદ લોકોએ ત્રણેય ક્રાંતિકારીઓના સન્માન માટે જુલુસ કાઢવામાં આવ્યું હતું. તે જુલુસમાં પુરુષોએ વિરોધ પ્રદર્શન હેઠળ હાથ પર કાળી પટ્ટી અને મહિલાઓએ કાળી સાડી પહેરી હતી. લગભગ બધા જ લોકોના હાથમાં કાળા ઝંડા હતા, લાહોરના મોલ પાસેથી નીકળેલું જુલુસ અનારકલી બજારની વચ્ચે રોકાયું હતું.  અચાનક લોકોની ભીડમાં સન્નાટો છવાઈ ગયો જયારે લોકોને સંભાળવા મળ્યું કે ભગતસિંહનો પરિવાર ત્રણેય ક્રાંતિકારીઓના અવશેષો લઈને ફીરોજપૂરથી ત્યાં પહોંચી ગયો છે. જેવી જ ફૂલોથી સજ્જ ત્રણ તાબૂતમાં એમના શબ ત્યાં લાવવામાં આવ્યા ત્યારે લોકોની ભીડ ભાવુક થઇ ગઈ. લોકો પોતાના આંસુ રોકી શકતા નહોતા.

            તે જ સ્થળે ઉપસ્થિત એક મશહુર સમાચાર પત્રકના સંપાદક મૌલાના જફરઅલીએ આ ઘટના જોઇને તે બોલ્યા હતા કે, કેવી રીતે આ શહીદોની અડધી બળેલી લાશોને ખુલ્લા આભની નીચે જમીન પર છોડી દેવાઈ છે’. વોર્ડન ચરતસિંહ ધીમા પગલે ચાલીને પોતાના રૂમમાં જઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા, પોતાના 30 વર્ષના જીવનમાં ઘણીજ ફાંસીઓ દેખી હતી, પરંતુ તેમાં કોઈએ આટલી બહાદુરીથી મોતને ગળે લગાવતા નહોતા જોયા. જેટલી બહાદુરીથી ભગતસિંહે ફાંસીને ચૂમીને સ્વીકાર કર્યો એવો જ તેમના સાથીદારોએ પણ હસતા મોઢે ફાંસીનો સ્વીકાર કર્યો હતો. કોઈને અંદાજો પણ નહતો કે આ મહાન શહીદોની શહીદી ૧૬ વર્ષે બ્રિટિશ સામ્રાજ્યનો અંત લાવશે. બ્રિટિશ સામ્રાજ્યને જડમૂળમાંથી ભારત દેશમાંથી કાઢી નાંખવામાં મહત્વનું બલિદાન ગણાય છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી