વિદેશમાં છતાં દેશના ક્રાંતિવીર.


શ્યામજી કૃષ્ણવર્મા:વિદેશમાં રહી ભારતની આઝાદી માટે વિશેષ કામ કરનાર ક્રાંતિકારી.

               આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ભારતના ક્રાંતિવીર એવા શ્યામજી કૃષ્ણવર્મા વિશે. ભારતના મહાન શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ ૪ ઓકટોબર, ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો.તેમના પિતાનું નામ કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) અને માતાનું નામ ગોમતીબાઈ હતું. તેમના પિતા કરસનજી વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા.૧૧વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવીમાં અને માધ્યમિક શિક્ષણ ભુજમાં તથા મુંબઈની વિલ્સન હાઇસ્કુલમાં અંગ્રેજી અભ્યાસની સાથેસાથે તેમણે સંસ્કૃતમાં પણ અભ્યાસ કર્યો.

         ત્યારબાદ એલ્ફિસ્ટન હાઈસ્કુલમાં અભ્યાસ માટે જોડાયા.ઈ.સ.૧૮૭૪માં તેઓ દયાનંદ સરસ્વતીના શિષ્ય બન્યા.તેમની શિક્ષા દીક્ષાથી શ્યામજી કૃષ્ણવર્મામાં ક્રાંતિના બીજ રોપાયા.શ્યામજી કરસનજી ત્યારપછી શ્યામજી કૃષ્ણવર્મા તરીકે જાણીતા બન્યા.સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા.આર્ય સમાજના પ્રચાર માટે તેમણે મુંબઈ,અમદાવાદ,સુરત,બનારસ,નાસિક વગેરે સ્થળોએ સભાઓ ભરી પ્રવચન આપ્યા.૧૮૭૫માં તેમના લગ્ન શ્રીમંત ઉદ્યોગપતિની પુત્રી અને તેમના શાળા સમયના મિત્ર રામદાસની બહેન ભાનુમતી સાથે થયાં. તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભાવિત થઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે ૧૮૭૭માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફોર્ડ બોલાવ્યા. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ ગયાં.જ્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જ બલીયોલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને બી.એ. થયાં.ઉપરાંત કાયદાનો અભ્યાસ કરી બેરિસ્ટર થયા.

         ૧૮૫૫માં ભારત પરત આવી મુંબઈ હાઈકોર્ટના વકીલ તરીકે નોંધણી કરાવી.ત્યારબાદ તેમણે રતલામ રાજ્યના દિવાનનો હોદ્દો સંભાળ્યો પરંતુ તબિયતના કારણોસર આ હોદ્દો છોડવો પડ્યો.મુંબઈ ખાતેના ટૂંકા વસવાટ બાદ તેઓ અજમેર સ્થાયી થયાં જ્યાં તેમણે વકીલાત શરુ કરી.ઉદયપુર રાજ્ય અને ત્યારબાદ જૂનાગઢ રાજ્યના દિવાનનો હોદ્દો પણ સંભાળ્યો.પરંતુ જુનાગઢના દિવાનપદ દરમિયાન અંગ્રેજ અધિકારીઓ સાથેની ખટપટ અને કડવા અનુભવ થતાં તેઓ હંમેશ માટે ભારત છોડી ઇંગ્લેન્ડ સ્થાયી થયાં.

          વર્ષ ૧૯૦૫માં ‘ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ’ નામનું માસિક શરુ કર્યું.ભારતની સ્વરાજ્યની સાધના માટે ૧૮ ફેબ્રુઆરી ૧૯૦૫માં ભીખાઈજી કામા,દાદાભાઈ નવરોજી અને સરદારસિંહ રાણાની મદદથી લંડન ખાતે ‘ધ ઇન્ડિયન હોમરુલ સોસાયટી’ની સ્થાપના કરી.

          ઇન્ડિયન હોમરુલ સોસાયટીનું પોતાનું લેખિત બંધારણ હતું.સોસાયટીનો મુખ્ય હેતુ ભારત માટે સુરક્ષિત સ્વરાજ મેળવવું અને ઈંગ્લેન્ડમાં સ્વરાજ પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર કરવાનો હતો. શ્યામજીએ લંડનમાં હાઈગેટમાં ઇંગ્લેન્ડ જતા ભારતીય વિદ્યાર્થી માટે એક વિશાળ મકાન ખરીદ્યું હતું.જે સમય જતા ભારતીય સ્વરાજ ચળવળના નેતાઓની મહત્વની બેઠકોનું કેન્દ્ર બન્યું.૧ જુલાઈ ૧૯૦૫ના રોજ આ મકાનને ‘ઇન્ડિયા હાઉસ’ તરીકે ખુલ્લું મુકવામાં આવ્યું. ઇન્ડિયન સોશિયોલોજીસ્ટમાં શ્યામજીએ લખેલા કેટલાક ક્રાંતિકારી લેખોને કારણે ઈંગ્લેન્ડના ન્યાયાધીશોએ તેમની બેરિસ્ટર તરીકેની સનદ પાછી લઇ લીધી હતી. સરદારસિંહ રાણા અને ભીખાઈજી કામાના સહયોગથી ‘વંદે માતરમ્’ અને ‘ઇન્ડિયન સોશિયોલોજીસ્ટર’ નામના મુખપત્રો શરુ કર્યા.

         તેમણે ભારતમાં કેટલાક મિત્રોને રિવોલ્વરો અને બોમ્બ બનાવાની રીતો દર્શાવતી પુસ્તિકાઓ મોકલાવી.શ્યામજીના માસિકની નકલો મોટી સંખ્યામાં ભારત આવતા.શ્યામજીએ જાહેર કરેલી શિષ્યવૃત્તિઓના પરિપાકરૂપે વિનાયક દામોદર સાવરકર,મદનલાલ ધીંગરા,લાલા હરદયાળ વગેરે ભારતીય ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતાઓ તરીકે આગળ આવ્યાં.મદનલાલ ધિંગરાએ બ્રિટિશ અધિકારી સર કર્ઝન વાઈલીની લંડનમાં હત્યા કરી જેમાં થયેલા વિવાદને પગલે તેઓ તેમના જુના સાથીઓથી વિખુટા પડી ગયા.સાવરકરની ધરપકડ અને સજાને પગલે પેરિસમાં તેમની પ્રવૃતિઓ નરમ પડતી ગઈ.૧૯૧૪માં તેઓ પેરિસ છોડી જીનિવા જતા રહ્યા.

         આવા મહાન દેશપ્રેમી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા જીનિવા ખાતે ૩૦મી માર્ચ ૧૯૩૦ના રોજ અવસાન પામ્યા.તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી.જે ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા.દેશના મહાન ક્રાંતિકારી,રાષ્ટ્રરત્ન અને ગુજરાતના ગૌરવવંતા પુત્ર શ્યામજી કૃષ્ણવર્મા ઈ.સ.૧૮૫૭ના બળવા પછી ક્રાંતિની મશાલની જ્યોત જલતી રાખવામાં આપણા ક્રાંતિકારીઓનો ફાળો અગ્રીમ રહ્યો છે.

         ભાનુમતીના ભંડોળમાંથી ૧૯૫૨માં બે લાખ રૂપિયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનિટી હોસ્પીટલ માટે આપવામાં આવ્યું હતું,એ ઉપરાંત મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.માંડવી અને ભુજમાં શ્યામજીના બાવલા છે.માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે.

          વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કચ્છમાં આવી ભુજના ખાસ સમારોહમાં આનંદીબેન પટેલને કચ્છના ક્રાંતિવીરની ‘સનદ’ ભારતની ધરતી પર લાવી ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેનને સુપ્રત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ ઓગસ્ટ-૨૦૦૩ના રોજ સ્વયં સ્વિત્ઝરલેન્ડથી શ્યામજી કૃષ્ણવર્મા અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું.૪ ઓક્ટોબર,૨૦૦૯ના રોજ આનંદીબેન પટેલે ‘ક્રાંતિતીર્થ’નો પાયોનો પથ્થર મુક્યો અને ૧૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ ભૂમિપૂજન કરી પર એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારક દેશને સમર્પિત કર્યું.જેમાં હાઈગેટ લંડન ખાતેના ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણવર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મુકવામાં આવી છે.

          ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં ૪ ઓકટોબર ૧૯૮૯ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.

          ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી,વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપનાર મહાપુરુષને કોટી કોટી વંદન.

શ્યામજી કૃષ્ણવર્મામાં ક્રાંતિના બીજ રોપાયા.શ્યામજી કરસનજી ત્યારપછી શ્યામજી કૃષ્ણવર્મા તરીકે જાણીતા બન્યા. સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા.આર્ય સમાજના પ્રચાર માટે તેમણે મુંબઈ,અમદાવાદ,સુરત,બનારસ,નાસિક વગેરે સ્થળોએ સભાઓ ભરી પ્રવચન આપ્યા.૧૮૭૫માં તેમના લગ્ન શ્રીમંત ઉદ્યોગપતિની પુત્રી અને તેમના શાળા સમયના મિત્ર રામદાસની બહેન ભાનુમતી સાથે થયાં.તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભાવિત થઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે ૧૮૭૭માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફોર્ડ બોલાવ્યા.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી