જંગલી નહિ એવો જંગલનો માણસ.


 

કુદરતને પરેશાન કરીએ તો કુદરત કોપાયમાન થાય.
એક જ માણસ પર્યાવરણ બચાવવાના સિદ્ધાંત સાથે શું કરી શકે?

"દેશમાં એક ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખ ધરાવનારની અલગ ઓળખ થઈ શકી છે."
આધુનિક જમાનામાં પર્યાવરણનું જતન થઈ શકતું નથી. વિકાસના મોડલમાં સો વર્ષ જૂનું વૃક્ષ કાપી નાના નાના 30 કે 40  છોડ ઉછેરી પર્યાવરણની બચાવવાની જવાબદારી નિભાયાનું દર્શાવવામાં આવે છે. આવા લેભાગુ પર્યાવરણપ્રેમી મોટું નુકસાન કરી નાની સુવિધા આપીને જાય છે. કોરોના વખતે ઓક્સિજન લેવાનું થયું ત્યારે સમજાયું કે કુદરતી ઓક્સિજન ઓછો થતો જાય છે.આવા અનેક દ્રશ્યો પછી કેટલાક લોકો વૃક્ષ કે વનસ્પતિનું સંવર્ધન અને સંરક્ષણ કરતા હોય છે. એ નાના રોપા મોટા થાય અને વિશાલ વટવૃક્ષ બને ત્યાં સુધી આયોજકો બીજે વિકાસને નામે ઝાડ કાપી, નાના રોપાઓ રોપી નીકળી જાય છે.

આધુનિકતાના કારણે પહેલાં તો જંગલ કાપી દીધા. હવે એજ જંગલોને બચાવવા માટે સેમિનારમાં લાંબા લાંબા ભાષણો આપતા હોય છે.  ખરેખરમાં જંગલોને બચાવવા માટે આપણે કે સમાજે કર્યું છે શું? કાંઇ નહિ. પણ એક વ્યક્તિ, જે ખરેખર પર્યાવરણ બચાવવા અને તેના સંવર્ધન માટે કાર્ય કરે છે. એ વૃક્ષો ઉછેરે છે અને બનતા જતા જંગલનું સંવર્ધન કરે છે. એમણે જંગલો બચાવવા માટે કંઇક અભિનવ કાર્ય કર્યું છે. કોઈની પણ રાહ કે સહયોગ મેળવવાની આશા વગર એકલા એ જ જંગલો બચાવવા કામ કર્યું છે. આ વ્યક્તિ એકલો જ નીકળી પડ્યો. ઉદ્દેશ માત્ર જંગલ અને તેમનાં પ્રાણીઓ બચાવવા માટે રહ્યો. આપણે લોકો ઘરની બહાર બગીચા બનાવીને સંતુષ્ટ છીએ. આપણો પ્રકૃતિ વિશેનો પ્રેમ આપણા ઘરની બાલ્કનીમાં છોડવાં સુધી જ રહી ગયો છે.  રજાઓના સમયમાં લોકો જંગલોમાં ફરવા જતા હોય છે, સારા ફોટા માટે,સારા વાતાવરણને માણવા માટે જંગલોમાં જતા હોય છે. પરંતુ સારા ફોટા પડાવીને અને આનંદ માણીને પાછા આવતાં રહીએ છીએ. જ્યારે આ પર્યાવરણ પ્રેમી તો એકલો જ છે. તેને પ્રેમ છે. જંગલથી તેને પ્રેમ છે જંગલથી અને તેમાં વસતા જીવોથી. તે સતત વિચારે છે નાનાં છોડવા માટે. એ પાગલ છે છોડવાં વાવવા માટે. તે પાગલ છે જંગલને વિકસાવવા માટે. તેમણે 35 વર્ષના જીવનકાળમાં એક જંગલ બનાવી જ લીધું છે. આ મહાન વ્યક્તિનું નામ છે ‘જાદવ મોલાઈ’.

      જાદવ મોલાઈ અસમના એક જોરહટ નામના ગામમાં રહે છે. તેમના ગામની પાસે વિશાળ બ્રહ્મપુત્રી નદી વહે છે. જાદવ મોલાઈ જંગલમાં જ રહેવાનું પસંદ કરે છે. જાદવને નાનપણથી જ પ્રકૃતિથી અને જંગલમાં વસતા પ્રાણીઓથી પણ બહુ જ પ્રેમ હતો. એક વખત જાદવજીને લાગ્યું કે તેમની ગામની આસપાસ પશુ-પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે, ત્યારે તેઓને ચિંતા થઇ કે કેમ આવું થતું હશે. કારણ જાણવા માટે તેમને ગામના વડીલોને પૂછ્યું તો તેમને જાણવા મળ્યું કે જંગલોના અભાવે પશુ-પક્ષીઓ મરણ પામે છે. એક વખત તેઓએ જોયું કે બ્રહ્મપુત્રી નદીના બાજુમાં એક ટાપુ છે, ત્યાં ઘણા બધા સાપો મરેલા પડ્યા છે, ટાપુ પર કોઈ જ ઝાડ ન હોવાના કારણે સેંકડો સાપ પોતાનો જીવ ના બચાવી શક્યા. આ દ્રશ્ય જોઇને જાદવને બહુ જ દુઃખ થયું, તેમને તરત જ વન-વિભાગને જાણ કરી કે તમેં આ જગ્યાએ થોડા ઝાડ ઉગાડી દો. ઝાડ ન હોવાના કારણે જાનવરો મારી રહ્યા છે. પરંતુ વન-વિભાગે કીધું કે આ જમીન પર કોઈ જ ઝાડ નથી ઉગતું. પણ તમે ઈચ્છો તો ત્યાં વાંસના છોડ ઉગાડી શકો છો. જાદવજીએ વિચાર્યું કે માણસોને રહેવા માટે જંગલો કાપી શકાય છે તો જાનવરો માટે કેમ એક જંગલ ન બનાવી શકાય. આમ જંગલ બનાવાનો એમણે સંકલ્પ કર્યો.

     
 
ત્યારબાદ તેઓએ ટાપુ પર વાંસના છોડ ઉગાડવાનું શરુ કરી દીધું. જાદવે છોડ વાવવાની શરૂઆત ૧૯૭૯માં માર્જુલી આઈલેન્ડ પર કરી હતી. તેમની ખુબ મહેનતના પરિણામે આઈલેન્ડ પર જંગલ બનાવી દીધું. આજ સુધીમાં જાદવજીના દિવસની શરૂઆત ટાપુ પર છોડવા વાવીને કરે છે.  આવી રીતે જાદવે પોતાના જીવનમાં છોડ વાવવાનું ચાલુ જ રાખ્યું. એક વ્યક્તિને જંગલમાં બધા જ છોડવાઓને પાણી પીવડાવવું સહેલું હતું નહિ.જાદવજીએ તેનો પણ ઉપાય શોધી દીધો તેઓએ દરેક છોડવાની બાજુમાં વાંસ ઉભો કરીને ત્યાં એક પાણી ભરવાનું માટલું રાખી દેતા. તે માટલામાં બારીક કાણું હોંવાથી છોડવાને ધીમે-ધીમે પાણી મળી રહેતુ હતું. આ જંગલનું નામ જાદવજીના નામ પર જ રાખવામાં આવ્યું છે
, “મોલાઈ ફોરેસ્ટ”. આ જંગલ લગભગ ૧૩૬૦ એકરમાં ફેલાયેલું છે. આજે પણ જાદવજી સવારે ૩ વાગે ઉઠીને જંગલમાં જઈને છોડવાઓને પાણી પાઈને પાંચ વાગે તેઓ મજુરી કરવા જાય છે. હવે આ જંગલમાં બેંગાલ ટાઈગર્સ, ભારતીય ગેંડા, સો થી પણ વધારેની સંખ્યામાં હરણો, સસલાઓ, અને ઘણી જ પ્રકારના પશુ-પક્ષીઓ વસે છે. આ જંગલમાં હવે તો હાથીઓનું ટોળું પણ આંટો ફેરો કરતુ જાય છે. આ જંગલમાં ઘણા જ પ્રકારના ઝાડ જોવા મળે છે. જાદવજી આજ સુધીમાં ઘણા જ એવોર્ડ્સ જીતી ચુક્યા છે. પણ જાદવજીનું કહેવું છે કે એટલા બધા એવોર્ડ્સ જીતીને મારે શું કામ આવશે? કલામ સાહેબના હસ્તે પણ જાદવજીને સન્માન મળ્યું છે. જાદવજીનું એમ કહેવું છે જેને કાંઇક કરવું છે તે બીજા કોઈની રાહ નથી જોતો. ભારત સરકારે એમને દેશના સર્વોચ્ચ ચોથા ક્રમનું રાષ્ટ્રીય સન્માન આપ્યું.પદ્મશ્રી મેળવતી વખતે એમણે કહેલું કે મારે આનું શું કામ! હું જંગલમાં જ રહું છું. આ એવોર્ડ ક્યાં લગાવીશ. છેવટે એમનો પદ્મશ્રી મેડલ સ્થાનિક જિલ્લા તંત્ર પાસે સુરક્ષિત છે. વ્યક્તિગત સ્વાર્થ છોડી માત્ર ગામ જ નહીં પ્રદેશ અને દેશના લોકોને પર્યાવરણ થકી બચાવવાના મિશનમાં જોડાયેલ આ મહામાનવને સલામ.                                      


 

Comments

jagruti pandya said…
Best આર્ટિકલ
Geeta said…
Very informative. Thanks for sharing.
Unknown said…
Save nature save life should be a moto of one's

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર