સલમા ને કૃષ્ણ લઇ ગયાં.

 અદભૂત લોકો હતા,જે પતંગિયાં બનાવતા હતા.
દરિયા માટે પાછા જાતે, માછલી પણ ઘડતા હતા.
 
મારા ગામમાં ચારેક દરજી હતા.હવે એક જ છે.
જે કેટલાક નમાજી માટે ટોપીઓ બનાવતા હતા.
...........

સલમા અને કૃષ્ણ હવે સાથે થઈ ગયાં.
...........

સવારનો સમય.

આખા દેશનો તહેવાર.

બધે જ ઉજવણીનો માહોલ.

આ માહોલમાં શાળાના બાળકો.આ બાળકો એ માહોલ વધુ સુંદર બનાવ્યો હતો. આ વાત છે છવ્વીસ જાન્યુઆરીની. બે હજાર એકનું વર્ષ. સવારના સમયે અંજાર શહેરના બાળકો પ્રભાતફેરી માટે તૈયારી કરતાં હતાં. વંદે માતરમ અને ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર સાંભળતા હતા. 

જૂની બંધાણી ધરાવતું નાનું નગર અંજાર. અહીં ગામમાં પ્રભાત ફેરી માટે બાળકો કતારમાં ચાલતાં હતાં. છોકરાં ઉત્સાહથી આગળ વધતાં હતાં. કતારમાં સો એક છોકરાં હશે. મોટા ભાગના બાળકોના હાથમાં પ્લાસ્ટિકના તિરંગા હતા. અંજાર શહેરમાં પ્રભાતફેરી ફરવા એક જુના મકાન પાસેથી પસાર થવું પડે. બાળકો આ મકાન સુધી પહોંચ્યા હશે. એટલામાં તો...ધરતી જાણે ઉભી થઇ. પાણીમાં જેમ હોડી ડોલે એવું જ અહીં જમીનમાં અનુભવાયું. 

શાળાના બાળકો જૂની બંધણીના મકાન પાસે પહોંચ્યા હશે. અહીંથી પસાર થવા માટે એક તરફ ત્રણ અને બીજી તરફ બે માળનું મકાન. બન્ને મકાન વચ્ચે ચાર ફૂટની એક પઘવાટ. યોગે ચાલીને અહીંથી જઈ શકાય. આ ગલીમાંથી પસાર થવા બાળકો આગળ વધતાં હતાં. ભૂકંપને કારણે ગલીની આસપાસનાં મકાન પડ્યાં. એકદમ આફત આવી પડી.શરૂઆતમાં થયું કે અંજારમાં જ આવું હશે. થોડીવારમાં સમજાઈ ગયું કે ભૂકંપ આવ્યો છે. બધી બાજુ હોહા અને દોડધામ મચી ગઈ. અહીં બાળકો ફસાયાં હતાં. કેટલાંક બાળકો બચી ગયાં. થોડાંક બાળકોને મહેનત કરી બચાવી લેવાયાં.ઘણાંય છોકરાં ને વાગ્યું હતું.લગભગ પંદર એક બાળકો આ મકાન નીચે દટાયાં હશે.  આ તૂટેલા મકાનના કાટમાળમાં એક દીકરી ફસાઈ ગઈ. આ દીકરી બીજા ધોરણમાં અભ્યાસ કરે. તેનું નામ સલમા.

કાટમાળ તેની ઉપર પથરાયો હતો. આખું શરીર બહાર હતું પરંતુ તેનો હાથ કાટમાળમાં ફસાયેલ હતો. સલમાને બહાર કાઢવા કાટમાળ ખસેડવો જરૂરી હતો. સામાન્ય કહેવાય એવી આ વાત ત્યારે શક્ય ન બની. એક...બે...એમ કરતાં કરતાં ત્રણ દિવસ પસાર થયા. સલમાની તબિયત વધારે ખરાબ થતી જતી હતી. છેવટે આ દીકરીને બચાવવા તેનો ફસાયેલ હાથ કાપવાનું નક્કી થયું.

આ દીકરીનું અહીં જ ઓપરેશન થયું. હાથ કાપી લીધા પછી તે કાટમાળમાંથી બહાર આવી. વધુ સારવાર માટે તેને ભૂજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ચારેક દિવસ થયા. દીકરી સલમા ને રજા આપવામાં આવી. દીકરી ભાનમાં આવી. એને સીધી અંજાર લાવવામાં આવી. એ અંજાર આવી ત્યારથી જ એ એના હાથ માટે જીદ કરતી હતી. અત્યારે તેને માત્ર તેનો હાથ જ જોઈતો હતો. હવે એને એક હાથ નથી એની એ સલમાને ખબર હતી. હા, તેના માતાપિતા અને મોટા ભાઈનું ભૂકંપમાં જ અવસાન થયાનું તેને ખબર ન હતી. સલમા અંજાર આવી. પહેલાં ઘરે ગઈ. ઘરે કોઈ હોય? તેને જોઈ આસપાસના સૌ એને બોલાવતા હતા. તે કોઈની પાસે ન ગઈ. કદાચ તેને ખબર પડી ગઈ કે એના મમ્મી પપ્પા... અહીંથી તે દોડી. હાથ દટાયેલ હતો ત્યાં પહોંચી. જ્યાં તેનો હાથ દટાયેલો હતો ત્યાં આસપાસ દોડાદોડ કરી. થાકીને છેવટે  ઉભી રહી.

અહીં કાટમાળ હટાવવાનું કામ ચાલતું હતું. સલમા તેનો હાથ લેવા માટે ઉભી હતી. સલમા જોડે સ્થાનિક અધિકારીઓ હતા. શાળાના એક શિક્ષક અને દિલ્હીના વિશેષ તબીબી સલાહકાર ડૉ. કૃષ્ણ કલસી હાજર હતા. આ દીકરીનો હાથ કાપવાનું ઓપરેશન વખતથી તે જોડાયા હતા. 

દીકરી ડૉ. કલસીને કહે'સાહેબ,મને મારો હાથ જોઈએ છે.' 

ડોક્ટર એની સામે જોઈ રહ્યા. થોડીવાર પછી ડોક્ટરે એનો ડાબો હાથ પકડીને કીધું, 'જો આ તારો હાથ.' 

સલમા કહે: 'ના,મારે મારો જમણો હાથ જોઈએ છે.' સલમા જમણા હાથે લખતી હતી. એનો જમણો હાથ જ કાટમાળ નીચે દબાયેલો હતો.

 અહીં એક એક પથ્થર કે દીવાલો,છત કે ધાબાના ટૂકડા પડ્યા હતા. આસપાસના કુલ પાંચ માળ અહીં પડ્યા હતા. એક એક પથ્થર દૂર થતો જતો હતો. આ તરફ કૃષ્ણ કલસી સલમા સાથે વાત કરતા હતા. 'જો હું ડાબા હાથે લખું છું. તુંય બીજા હાથે લખી જ શકે.' આ સમજની  સલમા ઉપર કોઈ અસર થતી ન હતી. એ તેનો જમણો હાથ લેવા માટે જીદે ભરાઈ હતી.

મોટા મોટા મશીનો કાટમાળ હતાવતા હતા. એક છેલ્લો દિવાલનો ટૂકડો હટાવતાં જ સલમાનો હાથ દેખાઈ જાય એમ હતું. સલમા અને ડોકટર કલસી આ તરફ નજીક આવી ગયાં. હવે છેલ્લો ભાગ હટવામાં હતો.જેવો એ ભાગ જેસીબી એ દૂર કર્યો કે નીચે સલમાનો હાથ દેખાયો.

સલમાના કપાયેલા હાથમાં પ્લાસ્ટિકનો નાનો ધ્વજ પકડાયેલો  હતો. સલમા એનો કપાયેલો હાથ જોઈને રાજી થઈ. તે રડવા લાગી,જોડે જોડે એનો અડધો હાથ જોતાં જોતાં રડતી હતી. એ હશે છે કે રડે છે એ સમજી શકાયુ ન હતું. એણે એના ડાબા હાથેથી  કપાયેલો જમણાં હાથનો પંજો પકડી લીધો. ડૉ. કલસી આ જોઈ રહ્યા. એમને ખબર હતી. એ જાણતા હતા કે આ દીકરી હવે અનાથ છે. એમણે સલમા ને પકડી લીધી.

બે દિવસ સુધીતો સલમા કશું જ બોલતી ન હતી. ડૉ. કલસી એની સાથે જ રોકાયા. એમણે લગભગ એક સપ્તાહ સુધી એને હૂંફ આપી. ડૉ. કલસીએ તેને ડાબે હાથે લખવાની તાલીમ આપી. સલમા એકલી હતી. તે હવે રોજ દવાખાને જતી. સરકાર દ્વારા તાત્કાલિક સારવાર માટે આ દવાખાનું ઉભું કરાયું હતું. સલમા રોજ ડ્રેસિંગ કરાવવા જાય. ડૉ. કૃષ્ણ કલસી એની સાથે વાતો કરે,સવાલ કરે જવાબ સાંભળે અને સમય પસાર કરે. છેવટે કૃષ્ણ કલસીને દિલ્હી પરત જવાનો સમય આવ્યો. હવે સલમા માનસિક રીતે સ્વસ્થ્ય થતી જતી હતી. આ તરફ કૃષ્ણ કલસી માનસિક રીતે બેચેની અનુભવતા હતા. 

છેવટે....

ડૉ.કૃષ્ણ કલસી વધુ એક સપ્તાહ ગુજરાતમાં રોકાયા. દિલ્હીથી એમનાં ધર્મપત્ની પણ અંજાર ખાતે પહોંચ્યા.  સરકારી નિયમ મુજબની બધી જ પ્રક્રિયા કરી. કૃષ્ણ કલસી અને તેમનાં પત્નીએ સલમાને દત્તક લીધી. ડૉ. કલસી ભારત સરકારની સેવામાંથી નિવૃત્ત થયા. મુંબઈ પાસે નાનું શહેર બદલાપુર. ડૉ. કલસી છેવટે બદલાપુર સ્થિર થયા. એમણે  સલમા ને ભણાવી.ભારતીય તરીકે ઉછેર કર્યો. શૈક્ષણિક રીતે એને સોફ્ટવેર ઈજનેર બનાવી. આજે સલમા એના પતિ સાથે બેંગ્લોરમાં બે વર્ષના એના દિકરા ભારતનું માતા તરીકે ઘડતર કરે છે. સલમાના પતિ પેટ્રિક  કેરાલીયન છે. જન્મથી સલમા મહંમદ મન્સુરી. ભૂકંપ પછી  સલમા કૃષ્ણ કલસી અને લગ્ન પછી એ સલમા પેટ્રિક થોમસ તરીકે ઓળખાય છે. આજે સલમાં બેંગ્લોર ખાતે એક વિદેશી કંપનીમાં ફરજ બજાવે છે.

સલમા ને કૃષ્ણ લઈ ગયા. સાંભળવા ક્લિક કરો.


( ભૂકંપ પછી છોકરાંની 'મનો સામાજિક માવજત અભિયાન: 2001'ની ઘટના.)


Comments

ઘણા વર્ષો પછી 2001 ભુકંપના ચિત્રો આ સમયે તા દ્રશ્ય થયા ખૂબ જ મોટીવેશન આપતી વાર્તા સાંભળવા મળી ને હવા આવે તો કેટલી સાલમાં હશે કે જેને કૃષ્ણ મળ્યા હશે ભાવેશભાઈ આવી સરસ મજાની વાર્તાઓ ભાવિ પેઢી માટે લખતા રહો અને હંમેશા આજની નવી પેઢીને મોટીવેશન આપતા રહો.ખૂબ ખૂબ શુભેચ્છા ડોક્ટર છાયા મુલવાણી.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી