અનોખો જાદુગર

 


વોટર ઓફ ઇન્ડિયા દ્વારા દેશને ઓળખ આપનાર જાદુગર કેલાલ. સમગ્ર દુનિયાના જાદુગરના જાણે આજીવન માર્ગદર્શક. વોટર ઓફ ઇન્ડિયા ને બદલે વોટર ઓફ દુબઈ ન કહીને ત્યાના રાજાનું ઇનામ ઠુકરાવ્યું. જાદુકલા દ્વારા જાહેરાતો ન કરી કરોડો રૂપિયાની આવક જતી કરી.આવા અદના ગુજરાતી અને મેજીશીયન ઓફ યુનિવર્સ એટલે આપણા લાડીલા કેલાલ.


આપણો દેશ.

આઝાદી સમયે દુનિયામાં એક અચરજ વાળો દેશ.

ભારત એટલે જાદુગરોનો દેશ. ભારત એટલે  મદારીનો દેશ. આપણા દેશમાં અનેક જાદુગર થયા. આમ છતાં આપણાં એક જાદુગર અલગ જ થયા.જેમણે ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યું. વાણિયાનો દીકરો પાછો જાદુગર બને. જાદુગર એવો કે દુનિયા એને ઓળખે. આવું સાંભળીએ ત્યારે ક્યારેક એવું બોલી જવાય કે એવું જ હોય. ગુજરાતના આ જાદુગર એટલે કે લાલ.એમનું સાચુ નામ કાંતિલાલ વોરા. તેઓ દુનિયાના મહાન જાદુગર તરીકે આજેય અજેય છે. તેઓ ગુજરાતી હોઈ આપણું ગૌરવ કહેવાય. આ અનોખા ગુજરાતી કે.લાલનો  જન્મ સત્તર જાન્યુઆરી 1924ના રોજ થયો હતો. તેમનું સાચું નામ કાંતિલાલ.તેમના પિતા ગીરધરલાલ અને માતા  મુળીબેન.

 

અમરેલી જિલ્લાનું એક ગામ.

ગામનું નામ બગસરા. આ ગામ આજે ધાતુના દાગીના માટે પ્રખ્યાત છે. કે.લાલના દાદા બગસરામાં નગરશેઠ હતા. નગર શેઠ હોઈ બહારના કલાકારો અને વિદ્વાનો સતત તેમના ઘરે આવતા. કહી શકાય કે તેઓનો પરિવાર પહેલેથી જ કલાના પૂજારી તરીકે ઓળખતો. વ્યવસાય માટે કે.લાલના દાદા 1932ની આસપાસ કલકત્તા ગયા. અહીં તેમણે કપડાનો વ્યવસાય કર્યો. કલકત્તા આપણા દેશનું જાદુકલાનું પાટનગર.જાદુ માટેનું પાટનગર હોઈ કેલાલ અહીં જાદુ શીખવા લાગ્યા. તેઓ જન્મ આપનાર માતા પિતા જેટલું જ મહત્વ જાદુ શીખવનાર ગુરુજી સન્માન આપતા. કેલાલ એક વખત કહ્યું હતું કે તેઓ નાનપણથી “મહંમદ છેલ” ની જાદુની વાતો સાંભળીને જાદુ તરફ આકર્ષાયા હતા. તેમણે  વર્ષ ૧૯૩૮માં માઈટી ચેન્ગ નામના જાદુગરનો ખેલ જોયો. તેમણે આ જોઈને જ જાદુગર બનવાનું મન બનાવી લીધું.નાના નાના જાદુ કરતાં કરતાં તેમની મુલાકાત એક જાદુગર સાથે  થઈ. આ મહાન જાદુગરનું નામ જાદુગર ગણપતી ચક્રવતી. તેઓ એ સમયે દેશના અગ્રણી જાદુગર હતા. તેમણે કાંતિલાલ નામના આ યુવાનને  શિષ્ય તરીકે સ્વીકાર્યા.

 

 જાદુના ખેલ જોઇને ,પોતે પણ જાદુગર બનાવાનો નિર્ણય કર્યો. એક તરફ એ નાના નાના જાદુ શીખીને સૌને બતાવતા હતા. આ સમયે કોઈ લગ્ન પ્રસંગે જાનમાં જતાં તેમણે અડધો કલાક જાદુનો પ્રયોગો કર્યા. જોનાર તો અચરજમાં જ હતા. સૌને આ જાદુનો ખેલ ગમ્યો.  એ સમયે સમાજના લોકોએ નવી નવી વાતો શરૂ કરી. સૌની અલગ અલગ વાતોનો અર્થ એ હતો કે ‘શેઠનો કાંતિ કાળો જાદુ અને મેલી વિદ્યા શીખી લાવ્યો છે.' વાતો સાંભળીને બેસી રહેવાના બદલે કેલાલ વધુ આગળ વધવા મહેનત કરતા રહ્યા. આ ગાળામાં  ગીતાકુમાર નામના એક જાદુગર પાસેથી જાદુના લાઈવ શૉ કરવાનું શીખ્યા.

 

કલકત્તામાં તો આખા દેશના જાદુગરો આવે. આવું જ એક સંમેલન કલકત્તામાં યોજાયું હતું. એ સમયે યુવાન કેલાલ આ અધિવેશનમાં ગયા. ત્યારે તેમની ઉંમર અંદાજે અઢાર વર્ષ. ગુજરાતી વ્યક્તિ જાદુગર બને એવું ત્યારે શક્ય ન હતું. આ કારણે મોટા ભાગના જાદુગરોએ તેમનું અપમાન કર્યું. જાદુગરોના અધિવેશનમાં કેલાલ કહ્યું કે 'તમે મને ગુજરાતી હોવા માટે મહેણાં મારો છો. પણ, લખી રાખો કે, એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મુકે છે તેમાં સર્વોપરી બને છે.અને આ વાત હું સાબિત કરી ને બતાવીશ.' આ દિવસ પછી પોતાનું જીવન તેમણે જાદુને સમર્પિત કરી દીધું.

 

કેલાલ જાદુના ભારતીયકરણ કરનાર વિશ્વના પહેલા જાદુગર બન્યા હતા. વૉટર ઓફ ઇન્ડિયા. એમની એક એવી આઈટમ જેમાં એક લોટમાંથી પાણી આવે જ જાય. ગમે તેટલી વખત પાણી ભરેલો લોટો ખાલી કરીએ. ફરી ભરાઈ જાય. એકાદ બે આઈટમ પછી આ પાણીનો લોટો ફરી ખાલી કરી દર્શાવે.દુબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ત્યાંના રાજાએ કેલાલને વોટર ઓફ દુબઈ બોલવા માટે જે જોઈ તે આપવા ઓફર કરી હતી. વિવેક સાથે કેલાલ દ્વારા આ ઓફરનો અસ્વીકાર કરવામાં આવ્યો. 

 

તેમની છ દાયકા કરતાં વધુ વર્ષ ની કારકિર્દી રહી. આ સમય દરમિયાન તેમણે સમગ્ર વિશ્વમાં બાવીસ હજાર કરતાં વધારે  મેજિક શૉ કરી વિશ્વ વિક્રમ નોંધાવ્યો. કેલાલ પોતાની કારકિર્દીમાં અનેક સન્માનો મેળવ્યા હતા. તેમને જાપાન સરકારનો સર્વોચ્ય ગણાતો  ‘સાકી’ ખિતાબ મેળવ્યો હતો. અને ઈ.સ.1968માં અમેરિકામાં ‘ઇન્ટરનેસનલ બ્યુરો ઓફ મેજીશીયન્સ’ તરફથી દુનિયાના સૌથી મહાન અને ઝડપી જાદુગર તરીકેનો એવોર્ડ મેળવ્યો. જુદાજુદા દેશના પચીસથી વધુ એવોર્ડ કે બહુમાન તેમને મળ્યા હતા. 

 

વૈશ્વિક જાદુગર કેલાલના પુત્ર પણ એમના પાછળ જાદુગર તરીકે કામ કરવા લાગ્યા. કેલાલના પુત્રનું નામ હસુભાઈ. તેઓ જુનિયર કેલાલના નામથી પ્રસિધ્ધ થયાં. કેલાલ પાસે જાદૂકલાના દસ હજારથી વધુ પુસ્તકોનું અંગત પુસ્તકાલય હતું . જાદુગર કેલાલ એક માત્ર એવા જાદુગર બન્યા જેમણે ત્રણ પેઢીના દર્શકોને જાદુથી જીતી લીધા.કેલાલના જાદુમાં સંમોહન, હાથસફાઈ,ટેકનીક અને વિજ્ઞાન બધું જ સામેલ હોય છે.

 

તેઓ જયારે સ્ટેજ ઉપર જાદુ કરતા હોય ત્યારે અભિનય,નૃત્ય અને અવાજથી દિલધડક સાહસના મિલનરૂપ દ્રશ્યો સર્જાતા જોઇને દર્શકોના રુંવાટા ઉભા થઈ જતાં. મૂલ્યો માટે તેમણે ગુટખા બનાવતી એક કંપનીની લાખો રૂપિયાની ઓફર ઠુકરાવી જાહેરાત કરવાની ના પાડી દીધી. કેલાલ નીતિમત્તા,પવિત્ર સિધ્ધાંતો અને ઉમદા આદર્શોથી શુદ્ધ અને સાત્વિક જીવન જીવતા રહ્યા.

 

વિશ્વના  જાપાન , યુરોપ,અમેરિકા,ચીન,આફ્રિકા , દુબઈ ,મસ્કત જેવા અનેક દેશોમાં જાદુગર તરીકે પ્રેક્ષકો ઉપર જાદુ કરવામાં સફળ રહ્યા હતા. ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સહિત અનેક રાજદ્વારીઓ, ફિલ્મ અભિનેતાઓ ધર્મગુરુઓ,રાજ્કીયનેતાઓ,વ્યવસાયિકો અને વિવિધ ક્ષેત્રના મહાનુભવો એમની જાદુ કળાના ચાહક રહી ચૂક્યા છે. આજે પણ તેમના ચાહકો જોવા સાંભળવા મળે છે. અમેરિકન જાદુગર જ્હોન કાર્લવટઁ કેલાલ માટે  ‘ રીઅલી ધ વંડરફૂલ મેન ઓફ ધ ઇસ્ટેસ્ટ વર્લ્ડ ’ જેવું વિધાન કરતા હતા. ગુજરાતના આ સપૂતને ગૌરવ સાથે યાદ જેમણે જીવન મૂલ્યો સામે ક્યારેય પૈસાને મહત્વ ન આપ્યું. કલાને જ બધુ અર્પણ કર્યું હતું.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી