લંકેશ તરીકે એક ગુજરાતીની વાત

 


 સો પાંચસો માણસ આવવાની વાત હોય. અહીં પચાસ હજાર માણસો એકઠા થાય. લાખો હાથ એક સાથે તાલમાં શિવ તાંડવ સાથે તાલીઓ પાડે. ભારેખમ અવાજના માલિક લંકેશ શિવ તાંડવ ગાય.લોકોમાં અનેરી ઉર્જા આવે. ત્યારે ભાજપમાંથી રાવણ અરવિંદ ત્રિવેદી અને વડોદરામાંથી દીપિકા ચિખલીયા એટલે કે રામાયણનાં સીતાજી સંસદ સભ્ય હતાં.

જેને ભગવાન માની પૂજા કરવાની હોય. એને જ ખરાબ ભાષામાં બોલવું પડે. આ સંવાદ સાંભળી લોકો વાહ વાહ કરે અને ભગવાનને ખરાબ બોલનારને વધાવી લે. આવું જ થયું આપણા ગુજરાતના ગૌરવ સમાન અભિનેતા અરવિંદ ત્રિવેદીની સાથે. ગુજરાતી ફિલ્મ અને નાટ્ય અભિનેતા અરવિંદ ત્રિવેદી હવે રહ્યા નથી. તેઓએ મુંબઈમાં જ તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા.

એક જ પરિવારમાં બે ભાઈ. બંને ગુજરાતી ફિલ્મ જગતમાં આગવી ઓળખ સાથે સમગ્ર દેશમાં ક્લાકાર તરીકે ઓળખાય. બંને ભાઈ રાજકારણમાં એટલા જ સક્રિય. અરવિંદ ત્રિવેદીના નાના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી. ગુજરાત સરકારમાં મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે આગવી ઓળખ. અરવિંદ ત્રિવેદી પણ બે વખત સાબરકાઠા બેઠકના સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા.

આ કોલમના નામ ‘એવું જ હોય’ મુજબ અરવિંદ ત્રિવેદી રામાયણ સીરીયલમાં નાવિકના રોલ માટે ઓડીશન આપવા ગયેલા. અહી સુધી પહોંચતા પહેલાંની એક વાત છે. પ્રભાવી કલાકાર,સ્ટેજના મહારથી અને ગુજરાતી નાટક ને વૈશ્વિક ઓળખ અપાવનાર પરેશ રાવલ. તેઓ મહારથી નાટકમાં કામ કરતા હતા, સાથે અરવિંદ ત્રિવેદી પણ જોડાયા હતા.આ નાટક ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું.દેશ વિદેશમાં એમના શો થતાં હતા. આવી વ્યસ્તતાને કારણે રાવણનો રોલ સ્વીકારવાની અરવિંદ ત્રિવેદીએ ના પાડી. પરેશ રાવલના સમજાવવાથી તેઓ રાવણનો રોલ કરવા તૈયાર થયા. છેવટે અરવિંદ ત્રિવેદીની રામાનંદ સાગરે રાવણના રોલ માટે પસંદગી કરી.

રામાયણની શરૂઆતથી જ એ સૌને પસંદ પડી.રાવણનો અભિનય શરુ થયો.પછીતો  રામાયણ આવેએ સમયે આખા દેશમાં જાણે સ્વયં કરફ્યું લાગી જતો હતો.  અરવિંદ ત્રિવેદી કર્મે અને જન્મે બ્રાહ્મણ હોઈ શિવના ભક્ત. શિવસ્તુતિ માટે રચેલા શ્લોકો ટીવી શ્રેણી માટે અરવિંદ ત્રિવેદી એ મોઢે કરી લીધા . અરવિંદ ત્રિવેદી ભગવાન શ્રી રામના પરમ ભક્ત. ‘રામાયણમાં રાવણ રામને ‘વનવાસી, તૃચ્છ માનવ, વનમેં ભટકને વાલા ભિખારી, વાનરો કા ભગવાન કહેતા. આ સમયે મનમાં ભારે દુઃખ થતું હતું . રાવણ એટલે આવું તો બોલવું જ પડે. આ કારણે શુટિંગ માટે જતા પહેલાં તેઓ રામની માફી માગીને ઘરેથી નીકળતા. .

અરવિંદ ત્રિવેદી શિવના ભક્ત હતા. જે હવે શિવની કાયદેસર ઉપાસના કરતાં થયા. શુટીગ ન હોય તે સમયે તેઓ સેટ ઉપર શિવ સ્મરણ કરતા. રાવણ તરીકે અપ્રતિમ સફળતા પછીની આ વાત છે. તેમણે એક સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ અનુસાર ઈડર પાસે ‘અન્નપુર્ણા’ ભવનનું નિર્માણ કર્યું. પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ ૨૦૦૧માં અહીં પ્રતિષ્ઠા કરી. અહી શ્રી રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઇ.વર્ષ: ૧૯૯૫થી અવસાન સુધીમાં રામનવમીએ પરિવાર સાથે ભવ્ય પૂજા કરતા. અહી સાંજે સાંજે સુંદરકાંડ પણ થતો. . અંબાજી પગપાળા સંઘ માટે અહી કાયમી સેવા કેમ્પ રહેતો. અરવિંદ ત્રિવેદી ના રાવણના રોલ ઉપરાંત તેમના સગી બહેનના દીકરા સંજય જાનીએ શ્રવણ જયારે તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ કેવટ તરીકે અભિનય કર્યો હતો.

કેટલાય લોકોને થતું હશે કે રાવણના રોલમાં ગુજરાતી અભિનેતા કેમ પસંદ થયા. અહી એક વાત એ જરૂર જણાવી જોઈએ રામાયણમાં અનેક કલાકારો ગુજરાતના હતા. રામાનંદ સાગરે રામાયણ બનાવી. આ પહેલાં તેઓ અનેક સીરીયલો બનાવી ચુક્યા હતા. આ પૈકી વિક્રમ વેતાલ સીરીયલ અધિક લોકપ્રિય થઇ. વિક્રમ વેતાલના અનેક કલાકારો રામાયણમાં જોડાયા. આપ યુ ટ્યુબ ઉપર વિક્રમ વેતાલ જોઈ શકશો. આજે પણ એ કથાઓ ગમે એવી છે. અરવિંદ ત્રિવેદી પણ વિક્રમ વેતાલમાં મહત્વનો રોલ કરતા હતા. ૮ નવેમ્બર,૧૯૩૮ના રોજ ઇન્દોર ખાતે જન્મ.એમનું ગામ કુકડિયા. સાબરકાંઠા જીલ્લાના ઇડરનું આ ગામ. ગુજરાતી ફિલ્મ ‘દાદા દેશ રે જોયા પરદેશ રે જોયા’માં દાદાજીનો રોલ કર્યો. આ ફિલ્મએ અનેક રેકોડ્સ કર્યા. બસો જેટલી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું. તેમની જાણીતી ગુજરાતી ફિલ્મોમાં સંતુ રંગીલી,ઢોલી જોગીદાસ ખુમાણ,કુંવરબાઈનું મામેરું, હોથલ પદમણી અને જેસલ તોરલ જેવા અનેક હીટ ફિલ્મો ગણાય છે.

જાહેર સભા ભરાય ત્યારે અરવિંદ ત્રિવેદીનું શિવ તાંડવ સંભાળવા લોકો આવે. બસો પાંચસોની ગણતરી હોય ને પચાસ હજાર લોકો આવે. ત્યારે ભાજ્પનું અત્યાર જેવું ન હતું. આપ જે સમજો એ પણ, એ સમયે એક જાહેર સભામાં શિવતાંડવ સાથે લગભગ લાખ એક માણસો ને તાલબદ્ધ તાળીઓ વગાડતા મેં સાંભળ્યા છે. જોયા છે. આ જાહેર સભા પતાવી તેઓ મારા ઘરે મહેમાન બન્યા. આ મેઘરજ મારા વતનના ગામની વાત છે. કોઈએ કહ્યું:આ છોકરો હારમોનિયમ સરસ વગાડે છે. ભજન પણ સારાં ગાય છે. એમણે મને કહ્યું: ‘ શું તું શિવ તાંડવ ગઈ શકે? ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની. મેં ના પાડી. મને કહે જ્યારે તને આવડી જાય તે પછી રામ નવમીએ ઇડર આવજે. હું પછીની પહેલી જ રામ નવમીએ ઇડર પહોંચી ગયો. આજેય હું બ્રાહ્મણ અને શિવ ભક્ત અને ગાયક તરીકે શીવ તાંડવ ગાઉં છું. મને શિવ તાંડવ શીખવનાર આજે નથી. જેમના કારણે તેઓ મારા ઘરે આવ્યા એ જાદુગર અને મારા પપ્પા પણ આજે હયાત નથી.

મારી નવી જ શરુ થતી કોલમ ‘એવું જ હોય...’ના પ્રથમ લેખમાં હું મારા બાપુજી જાદુગર પંડ્યાજી અને અરવિંદ ત્રિવેદી જેવા મહા માનવને અંજલી આપી આપણી સાથે નિયમિત જોડાવાની આ તબક્કે શરૂઆત કરું છું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી