નવરાત્રીમાં આ કામનું...
ગરબો અને ગરબી આ બેઉ શબ્દ કેવી રીતે અમલી થયાં.
અત્યારે નવરાત્રીનું પર્વ ચાલે છે. કોરોના મહામરીને કારણે કેટલાક નિયમો ને આધીન નવરાત્રીમાં જોઈએ એવો ઉત્સાહ જોવા મળતો નથી. આ નાગે વાત કરતાં કલાજીવ અને સર્જક અનિકેત ઠાકર પાસેથી મળેલ વિગત મુજબ જેના ગર્ભમાં દીવો છે, એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ', તેમાંથી થયો ‘દીપગર્ભો', પછી ‘ગરભો' અને અંતે ‘ગરબો' શબ્દ અમલી બન્યો છે. આ ગરબાને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો' જ કહેવાયું. આ વિગત ને આગળ જણાવતાં તેઓએ જણાવ્યું કે સરળ અને સૌમ્ય નૃત્યલાલિત્યને ‘લાસ્ય' કહેવાય છે.જેનો ધબકાર સીધો ગરબામાં ઝિલાય છે.
ગરબા સાથે જોડાયેલ વાતને સમજતા એ કહી શકાય કે
સદીઓ પૂર્વે રચાયેલા ગ્રંથ ‘હરિવંશ'માં કૃષ્ણને રાસેશ્વર કહેવામાં આવ્યા છે. સ્ત્રી-પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે ‘રાસ', તાળી સાથે સ્ત્રીઓ રમે તે ‘ગરબો' અને પુરુષો રમે તે ‘ગરબી'.આ અંગે વધુ વિગત જણાવતાં પાલનપુરના સંગીત કલાકાર અને ગરબા આયોજક શ્રી રાકેશ આચાર્યના જણાવ્યા મુજબ પુરુષો અને સ્ત્રીઓ હાથે તાળીઓ પાડી ગરબો લે તેને ‘હીંચ લેવી' કહેવાય, પણ માત્ર સ્ત્રીઓ જમણા પગનો પંજો ધરતી સાથે અથડાવી ગરબો લે તેને ‘હમચી ખૂંદવી' કહેવાય. આવા અનેક પ્રકાર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે હવેલી સંગીતનાં ગીતો-રાસડાઓના સર્જક વલ્લભ મેવાડા શ્રીનાથજીનાં દર્શન માટે ગયા હતા. ત્યારે પૂજારીએ તેમને ‘ શ્રીનાથજીના દર્શન બંધ થઇ ગયા એવો જવાબ આપી પાછા વળાવ્યા. ભગ્નહૃદયથી વલ્લભ મેવાડાએ વિચાર્યું કે, ‘જે કૃષ્ણ પોતાનાં ભક્તોને દર્શન ન આપે તેની સ્તુતિ કરવા કરતાં હું સદાય સુલભ એવી મમતામયી મા અંબિકાના સ્તવનો શા માટે ન લખું ? અને આવા વિચારો પછી દયારામના પુરોગામી તરીકે તેમણે આજે પણ પ્રચલિત એવા લોકપ્રિય ગરબાઓ રચ્યા. આજે ‘સ્ટેજ શો'માં ફેરવાઇ ગયેલા ગરબાઓ ગુજરાતની ગલી ગલીમાં ઘોળાઇ ગયા.ગરબાનુંખોળિયું બદલતા ગયા. મહાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો, સારંગ વગેરે રાગ અને ખેમટો, કેરવો કે દીપચંદી તાલમાં ગવાતો ગરબો આજે લેસર સિન્થેસાઇઝરના ડ્રમ-બીટ્સના ડિજીટલ ફયુઝન મ્યુઝિકમાં ફેરવાઈ ગયો છે.
‘ભાવપ્રકાશ' નામના અતિ પ્રાચીન ગ્રંથમાં રાસના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે. ‘તાલરાસક' એટલે તાળી-રાસ, ‘દંડ-રાસક' એટલે દાંડિયા-રાસ અને ત્રીજા પ્રકારના છે ‘લતા રાસક', એટલે સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પર ગૂંથાઇને જેમ લતા વૃક્ષ ફરતી વીંટળાઇ વળે એવો ગરબો. એકબીજામાં સમરસ થઇને રમે તેવો રાસ. રોજ ગરબે ઘૂમીને આવવાનો થાક ઉતારતા ખેલૈયાઓને જણાવતાં સાહિત્યકાર નલિન શર્મા જણાવે છે કે, ભાણદાસ રચિત ‘ગગનમંડળ ગુણ ગરબી રે...નો ગરબો ક્યારેક ચાંદાનાં અજવાળે વાંચજો. તેમાં પૃથ્વી એ કોડિયું છે, સમુદ્રરૂપી તેલ છે, પર્વતરૂપી વાટ અને સૂર્યરૂપી દીવો છે, શેષનાગની ગણતરી અહીં ગરબાની ઇંઢોણી તરીકે થાય છે.
આધુનિક સમયમાં ગરબા અને તેના પ્રકાર બદલાતા જાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે દરેક તહેવારની જેમ નવરાત્રી પણ કાયદા અને તેની જોગવાઈ મુજબ યોજાઈ રહ્યા છે. આ કારણે આ વર્ષે માતાજીની ઉપાસના ખૂબ વધવા પામી છે.ત્યારે આ ગરબા અંગેની વાત સૌને ઉપયોગી થશે તેવી આશા સાથે હું આપ સૌને આ પાવન પર્વની શુભકામના પાઠવે છે.
Comments