સ્વાતિ રાવલ: ભારતનું ગૌરવ
Add caption |
ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે.
મૂળ ભાવનગરના વતની સ્વાતિ રાવલ અત્યારે એર ઈંડિયામાં પાઇલોટ તરીકે એમની સેવાઓ આપે છે. એ એર કમાંડકર તરીકે ફરજ બજાવે છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ થયા છે એવા ઇટાલીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાના હતા.
ઇટાલીમાં અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ છે ત્યારે પોતાનો કે પરિવારનો વિચાર કર્યા વગર બે સંતાનોની માતા એવા સ્વાતિબેન એર ઈંડિયાના બોઇંગ 777 દ્વારા ઇટાલીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાના કામમાં જોડાયા. પાઇલોટ તરીકે બોઇંગ 777 લઈને ઇટાલી ગયા અને 263 વિદ્યાર્થીઓ તથા ભારતીય નાગરિકોને સહી સલામત ભારત લાવ્યા.
ભારત આવ્યા બાદ ગુજરાતની આ દીકરીએ પરિવાર અને રાષ્ટ્ માટે એક અદભૂત કામ કર્યું. સ્વાતિ રાવલ 14 દિવસ માટે આઇસોલેશનમાં જતા રહ્યા. દિલ્હીના એના જ ઘરમાં અલગ રૂમમાં એકલા જ રહે છે. એમને કાંઈ નથી થયું આમ છતાં તકેદારીના ભાગ તરીકે ઘરમાં જ રહેતા સંતાન કે અન્ય સભ્યોને એ મળતા નથી. એની જમવાની થાળી પણ એના રૂમમાં જાય છે એ જમવા માટે પરિવારના સભ્યો સાથે બેસતા પણ નથી.
મિત્રો, ગુજરાતની આ દીકરી એના વર્તન દ્વારા આપણને સૌને એક મહત્વનો સંદેશ આપે છે. આપ આપના પરિવાર અને દેશને આબાદ રાખવા માંગતા હોય તો મહેરબાની કરીને ઘરની બહાર ન નીકળો. આપણા માટે આ તબક્કો સૌથી મહત્વનો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જો થોડા દિવસનો આ તબક્કો પસાર કરી દઈએ તો આપણે મહદઅંશે કોરોના સામેની લડાઈમાં સફળતા મેળવીશું.
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે. માતાજીને પ્રસન્ન કરવા અને માના રાજીપા માટે જાત જાતના વ્રત કરતા હોઈએ છીએ. આ ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ ઘરમાં રહેવાનું વ્રત કરીએ. અઘરું છે પણ અશક્ય નથી. આપણી થોડી ગાફલાઈ કરોડો લોકોના સમર્પણ પર પાણી ફેરવી દેશે.
પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ ઘરમાં રહો અને બીજાને ઘરમાં રાખો તેમજ આરોગ્ય વિભાગ અને પોલીસની સુચનાઓનું પાલન કરો.
જીતશું આ જંગ,
હશે પ્રજાનો સંગ.
Comments