એવું જ હોય...દેશની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે સોમવારે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળી લીધો. મહારાષ્ટ્રના ઉલ્લાહસનગરની પ્રાંજલે 2016માં પ્રથમ પ્રયાસે જ યુપીએસસી ક્વાલિફાય કરી લીધું હતું. તેમનો 773મો રેન્ક હતો. તેમને રેલવે એકાઉન્ટ વિભાગ (આઇઆરએએસ)માં નોકરી ફાળવવામાં આવી હતી. પરંતુ રેલવેએ દૃષ્ટિહીનતાને કારણે તેમને નોકરી આપવાનો ઇનકાર કરી દીધો. બીજા વર્ષે પ્રાંજલે 124મો રેન્ક પ્રાપ્ત કર્યો. પ્રાંજલે કહ્યું કે ‘આપણે ક્યારે ય હાર માનવી જોઇએ નહીં. કારણ કે આપણા કરાયેલા પ્રયાસ જ આપણને સફળ બનાવે છે.’
6 વર્ષની વયે સાથી વિદ્યાર્થીએ આંખમાં પેન્સિલ મારી દીધી હતી, બ્રેઈલ લિપિથી અભ્યાસ કર્યો
પ્રાંજલની કહાની સાબિત કરે છે કે હિંમત, જુસ્સો અને ઇચ્છા હોય તો કોઇ પણ અક્ષમતા સફળતા અટકાવી શકતી નથી. પ્રાંજલ જ્યારે 6 વર્ષની હતી, ત્યારે તેમના એક સાથી વિદ્યાર્થીએ તેમની આંખમાં પેન્સિલ મારી ઇજા પહોંચાડી હતી. ત્યાર પછી બંને આંખની દૃષ્ટિ જતી રહી. માતા-પિતાએ પ્રાંજલને મુંબઇની દાદર ખાતેની કમલા મહેતા સ્કૂલમાં દાખલ કરાવી હતી. આ સ્કૂલ પ્રાંજલ જેવા ખાસ વિદ્યાર્થીઓ માટેની છે. અભ્યાસ બ્રેલ લિપિમાં થાય છે. અહીંથી 10મા સુધી અભ્યાસ કર્યો. ચંદ્રાબાઇ કોલેજથી આર્ટ્સમાં 12મુ કર્યું, જેમાં પ્રાંજલના 85 ટકા આવ્યા હતા. બીએ કરવા માટે પ્રાંજલે મુંબઇની સેન્ટ ઝેવિયર કોલેજમાં પ્રવેશ કર્યો. ગ્રેજ્યુએશન પુરું કર્યા બાદ પ્રાંજલ દિલ્હી આવી ગયાં. જેએનયુથી એમએ કર્યું.
પ્રાંજલે કોચિંગ વિના યુપીએસસી ક્વાલિફાય કર્યું 
પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પ્રાંજલ સામે પોતાનો મૂળ લક્ષ્ય યુપીએસસી પરિક્ષાની તૈયારીનો હતો. વર્ષ 2015માં તૈયાર શરૂ કરી દીધી. દરમિયાન પ્રાંજલના લગ્ન કેબલ ઓપરેટર કોમલ સિંહ પાટિલ સાથે થયા. લગ્ન પહેલાં તેમણે અભ્યાસ નહીં છોડવાની શરત મૂકી હતી. પ્રાંજલે કોચિંગ વિના યુપીએસસી ક્વાલિફાય કર્યું છે. જાપાનના બૌદ્ધ દાર્શનિક ડાઇસાકૂ ઇગેડાને વાંચી પ્રાંજલ દિવસની શરૂઆત કરે છે. તેનાથી તેમને પ્રેરણા મળે છે કે કાંઇ પણ અસંભવ નથી. પ્રાંજલે કહ્યું કે ‘સફળતા મને પ્રેરણા આપતી નથી. પણ સફળતા માટે કરાયેલા સંઘર્ષથી પ્રેરણા મળે છે. તેમ છતાં  સફળતા જરૂરી છે, કારણ કે તો જ દુનિયા તમારા સંઘર્ષને મહત્વ આપશે.’

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી