સરહદી સંવેદના જગાડતી એક શાળા



આજે વાત કરીશું રાજસ્થાન રાજ્યની સરહદે આવેલી એક છેવાડાની શાળાની. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ખોડા પગાર કેન્દ્ર શાળા. જિલ્લાના મુખ્યમથક પાલનપુરથી ૧૩૫ કી.મિ. અને તાલુકામથક થરાદથી ૩૫ કી.મિ. ના અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૮ પર રાજસ્થાન રાજ્યની સરહદથી એકાદ કિલોમીટર અંદર ગુજરાત રાજ્યની આ છેલ્લી શાળા આવેલી છે. શાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૮ પર ખોડા ગામના સ્ટેશનથી પૂર્વ દિશામાં માત્ર ૩૫૦ મીટરના અંતરે ગામની ઉત્તર-પૂર્વ દિશામાં આર. સી. સી. રોડથી જોડાયેલી છે. શાળામાં અત્યારે ધોરણ ૧ થી ૮ માં ૫૮૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમાં ૩૪ વિદ્યાર્થીઓ પાડોશી રાજ્ય રાજસ્થાનથી આવીને પણ શિક્ષણ મેળવી રહ્યા છે. શાળામાં અત્યારે કુલ ૧૬ શિક્ષકોનું મહેકમ છે. જેની સામે હાલમાં ૧૪ શિક્ષકો તથા આચાર્યશ્રી મળી કુલ ૧૫ કર્મચારીઓ કાર્યરત છે.
                   સરહદી વિસ્તાર, સંપૂર્ણ મારવાડી બોલી ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ. તેમની આ બોલીમાં તમામ સ્ટાફ જાણે આ જ ગામનો મૂળનિવાસી હોય એવી જ રીતે બાળકોની માતૃભાષામાં જ પાયાનું શિક્ષણ આપે છે અને સાથે-સાથે માન્ય ગુજરાતી ભાષામાં ઉપલા ધોરણોનું શિક્ષણકાર્ય ખરેખર અદ્ભૂત સામંજસ્યના દર્શન થાય. માનનીય રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સર્વ શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓ આ છેવાડાની શાળા સુધી પહોંચી છે. એના દર્શન આ શાળામાં પ્રવેશતાં જ ઊડીને આંખે વળગે.
                   આ ગામ શિક્ષણપ્રેમીઓનું જણાઈ આવે કારણકે શાળામાં ગામના દાનવીરો દ્વારા જે ભૌતિક સુવિધા ઊભી કરવામાં આવી છે, તે પણ અદ્ભૂત છે. જેમાં શાળાનો બુલંદ દરવાજો કે જે ગામના બે દાતાશ્રીઓ શ્રી જગશીભાઇ હેમાભાઈ પટેલ અને શ્રી પ્રાગજીભાઈ મઘાભાઈના સહયોગથી ૨૨૨૦૦૦/- ના ખર્ચે બનાવવામાં આવેલ છે.
                  શાળામાં એસ. એસ. સી. બોર્ડનું પરીક્ષા કેન્દ્ર હોઈ શરૂઆતના પહેલા વર્ષે બોર્ડ દ્વારા ટેબલેટ થકી પરીક્ષા સંચાલનની વ્યવસ્થા કરેલ પરંતુ તરત જ બીજા વર્ષે દાતાઓ તરફથી ૨,૭૦,૦૦૦ રૂપિયાના ખર્ચે IP ટેકનોલોજી ધરાવતા કેમેરા અને દરેક વર્ગમાં સ્પીકરની વ્યવસ્થા કરી આપી છે. બાળકોને સવારમાં પ્રાર્થના કરવા અને બપોરે મધ્યાહન ભોજન જમવામાં અગવડ ન પડે તે માટે પટેલ મગનભાઈ અમરાભાઈ તરફથી ૪૫૦૦૦૦/- ના ખર્ચે લગભગ ૭૦૦ બાળકો બેસી શકે તેવો વિશાળ પ્રાર્થનાશેડ પણ બનાવવામાં આવેલ છે. શાળામાં પીવાનું પાણી હંમેશા મળી રહે તે માટે સ્વ. લક્ષમણગીરી ચમનગીરી ગૌસ્વામી તરફથી ૩૫૦૦૦/- ના ખર્ચે ટ્યુબવેલ બનાવી આપેલ છે. આ ઉપરાંત શાળામાં પંખા, તિજોરી, કમ્પુટર, ટેબલ વગેરે પણ દાનમાં મળેલ છે.


                   શાળામાં નર્મદાની પાઈપલાઈનનું મીઠું પાણી અને રેઇન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ પણ કાર્યરત છે. શાળામાં ૩૦ ચો. ફૂટના ત્રણ પ્લોટ બનાવી શિક્ષકમિત્રો દ્વારા સુંદર બગીચાનું નિર્માણ કરેલ છે. જેમાં તુલસી, કુવારપાઠું, સરગવો જેવી ઔષધિઓ અને અન્ય ફૂલછોડ રણમાં લીલી વીરડી જેવું લાગે અને તેના માટે પણ ફુવારા પદ્ધતિથી પિયત વ્યવસ્થા ખરેખર અદ્ભૂત. શાળામાં જિલ્લા આયોજન મંડળ તરફથી એક અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા પંદર વર્ગખંડોનું નિર્માણ થયેલ છે. દરેક વર્ગખંડ સંપૂર્ણ હવા ઉજાશ, સ્વચ્છતા અને સુરક્ષિત વીજવ્યવસ્થાથી સજ્જ છે. ATVT યોજના અંતર્ગત શાળાના સંપૂર્ણ પટાંગણમાં પેવરબ્લોક લગાવવામાં આવ્યા છે. એક પીપળી તથા ચાર લીમડાના ઝાડ બાળકોને પોતાના છાંયે કિલકિલાટ કરતાં જોઈ જાણે લચી પડતાં હોય એવું લાગે.

                    શાળામાં સ્વચ્છતા જળવાય તે માટે દરેક વર્ગખંડની અંદર અને બહાર કચરાપેટી, શૌચાલયમાં હાથ ધોવા માટે સાબુ અને રૂમાલ, મધ્યાહ્ન ભોજન પહેલા અને પછી હાથ ધોવા માટે વ્યવસ્થા,એક મોટા કદનો અરીસો, નેઈલકટર, કાંસકા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. શાળામાં સફાઈ કામદારની પણ વ્યવસ્થા છે. જે દરરોજ શૌચાલય અને પ્રાર્થનાશેડ વગેરેની સફાઈની જવાબદારી નિભાવે છે. દરેક બાળક આરામથી પાણી પીવે તે માટે ઊંચાઈ પ્રમાણે ૨૩ નળની પણ સગવડ છે. શાળામાં કુમાર માટે ૨ અને કન્યાઓ માટે ૧ અલગ-અલગ શૌચાલયની સુવીધા પણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા ઊભી કરવામાં આવેલ છે.
                        આ શાળાનો પ્રાર્થના કાર્યક્રમ પણ માણવા જેવો છે. સમગ્ર પ્રાર્થનાસભાનું સંચાલન શાળાની પ્રાર્થના સમિતિ દ્વારા જ થાય. બાળકો જાતે જ ઉદ્ઘોષક, વાજિંત્રોનું વાદન, ગાયન અને વિવિધ સહાભ્યાસિક કૃતિઓ રજૂ કરે અને સાથે-સાથે પ્રાર્થના સંચાલક શિક્ષકશ્રી મનહરભાઈ મકવાણા દ્વારા બુલેટીન બોર્ડ પર આગલા દિવસે લખાયેલા એક વિચારપ્રેરક પ્રશ્નની ચર્ચા પણ થાય. ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં પ્રર્થાનાગીતો, કાવ્યગાન, ઘડીયાગાન, જાણવા જેવું અને વિવિધ પ્રવૃત્તિઓ બાળકો રજૂ કરે. શાળાના ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓની નોટબુકોમાં શિક્ષકમિત્રો દરરોજ બાળકોએ શું ગૃહકાર્ય કરવું? તે લાલ બોલપેનથી લખી આપે અને બીજા દિવસે તેની ચકાસણી. બીજા ધોરણના બાળકો પોતાના પર્યાવરણની મોટાભાગની વસ્તુઓના નામ અંગ્રેજીમાં પણ જાણે. વર્ષાઋતુ ૨૦૧૫માં આવેલ પૂરના કારણે શાળાની કમ્પ્યુટર લેબ નાશ પામેલ છે પરંતુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માં સરકારશ્રીની યોજના અંતર્ગત આ શાળાના પણ બે વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યરત છે. જેના માધ્યમથી બાળકો જાતે ટેકનોલોજીનો ઉપયોગ કરતાં થયાં છે તથા આ સાધનોનું સ્વયં સંચાલન પણ કરે છે. આ વર્ગખંડોમાં ધોરણવાર અલગ-અલગ દિવસોમાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ અને જ્ઞાનકુંજ સોફટવેરની મદદથી આદ્યુનિક યુગ સાથે કદમ મિલાવવા સજ્જ થઇ રહ્યા છે. આ ઉપરાંત શાળામાં દર મંગળવાર અને શુક્રવારના રોજ મીના રેડિયો કાર્યક્રમનું પણ શ્રવણ કરાવવામાં આવે છે તથા દૂરવર્તી શિક્ષણ મળી રહે તે માટે વંદે ગુજરાતની ચેનલનું પ્રસારણ પણ બતાવવામાં આવે છે.
                     શાળામાં બાળકોની શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે માટે એકમ કસોટી, વિવિધ સહાભ્યાસિક પ્રવ્રીત્તિઓ, ક્વીઝ વગેરેનું આયોજન થાય છે અને દિન વિશેષની પણ ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી શાળાના ત્રણ વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય, પાંચ બાળકો એકલવ્ય મોડેલ સ્કુલમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા છે. શાળાના ૧૫ બાળકો NMMS અને અન્ય પરીક્ષાઓમાં સફળ થઇ ઉજ્જવળ કારકિર્દીના પંથે આગળ વધ્યા છે. આ પરીક્ષાઓ માટે શાળાના આચાર્યશ્રી ચાંગાભાઈ કાગ પોતે રજાના દિવસે અને શાળા સમયબાદ બાળકોને વિવિધ મુદ્દાઓનું શૈક્ષણિક માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત માટીકામ, પ્રોજેક્ટ વર્ક, મુલાકાત, મૂર્ત વસ્તુઓ અને સ્થાનિક સંસાધનોનો પણ શિક્ષકમિત્રો દ્વારા તેમના શિક્ષણકાર્યમાં ભરપૂર ઉપયોગ કરે છે. 
                   પર્યાવરણ પ્રત્યે બાળકોમાં સંવેદના જાગે તે માટે બાગબાની, પક્ષીઓના માળા બનાવવા વગેરે જેવી પ્રવૃતિઓ થાય છે. અહિયાં અક્ષયપાત્ર માટે કોઈ બાળક પાસે અનાજ મંગાવવાની જરૂર નથી કારણકે ગામના ધરતીપુત્રો શાળામાં ૧૦૦ કિલોગ્રામની બાજરીની ગૂણ આચાર્યશ્રીનો સંદેશ મળે ત્યારે જાતે આવીને ઉતારી જાય છે અને તેમાંથી બાળકોની પર્યાવરણ સમિતિ દરરોજ પક્ષીઓને ચણ નાખવાનું કાર્ય કરે છે. પક્ષી અને કૂતરા, વાંદરા વગેરેને હંમેશા પીવાનું પાણી મળી રહે તે માટે શાળાના શિક્ષકશ્રી વર્ધાભાઈ પટેલ દ્વારા ટ્રેકટરના પાછળના ટાયરના નકામા ખોખામાંથી શાળાબાગની મધ્યમાં સુંદર જલકુંડનું પણ નિર્માણ કરવામાં આવેલ છે.
                      શાળામાં દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લગભગ ૮ થી ૧૦ હજાર જેટલા નાણા વાલીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ તરીકે મળે છે. આ કાર્યક્રમમાં શાળાના મોટાભાગના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો જોડાય છે. રમત-ગમતમાં પણ શાળાના શિક્ષકશ્રી કમલેશકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખુબજ સારી તાલીમ આપવામાં આવે છે. જેના થકી છેલ્લા આઠ વર્ષથી સતત કબડ્ડી, ખો-ખો, એથલેટીક્સ વગેરે વિભાગોમાં શાળાના રમતવીરો રાજ્યકક્ષા સુધી પોતાનું કૌવત દાખવી ચુક્યા છે અને ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં સારી એવી નાણાકીય રાશી પણ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત શાળામાં ઉતરાયણ, રક્ષાબંધન, ધૂળેટી વગેરે જેવા તહેવારોની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

                      શાળામાં શિક્ષણની સાથે –સાથે ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી કન્યાઓને ભરતકામ, મોતીકામ વગેરે જેવી પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવે છે. શાળાની શિક્ષિકા બહેનો દ્વારા  આરોગ્ય કાર્યકર, આંગણવાડીની બહેનો વગેરેનો સહયોગ મેળવી કન્યાઓને વ્યાવસાયિક અને આરોગ્ય તથા સબળાશિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ધોરણ ૬ થી ૮ અને ગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં ૯ થી ૧૨ ધોરણના બાળકોને શૈક્ષણિક, વ્યાવસાયિક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે તથા ગામના યુવાનોને કારકિર્દી માર્ગદર્શન આપવાના કાર્યક્રમોનું આયોજન પણ શાળા દ્વારા કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રોજગારીની તકો તથા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની સમાજને વોટ્સએપના માધ્યમથી જાણકારી આપવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ બહારની દુનિયાથી પરિચિત થાય તે માટે દર વર્ષે શાળા દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને સ્થાનિક સ્થળોનો શૈક્ષણિક પ્રવાસ થકી અવસર પ્રદાન કરવામાં આવે છે.
                        આમ, શાળાની બાળસમિતિઓ, શાળા પંચાયત, શાળા વ્યવસ્થાપન સમિતિ, સમગ્ર શિક્ષકગણ અને દાતાઓના સહયોગથી શાળા સફળતાના નીતનવા સોપાનો સર કરી રહી છે. બાળકોની ભણવાની ધગશ, ગામલોકોનો સહયોગ અને શિક્ષકોની કર્તવ્યનિષ્ઠાના સુભગ સમન્વય થકી છેવાડાના સરહદી ગામડામાં પણ ગુજરાત રાજ્યના વિકાસની ગાથાના હકીકતમાં દર્શન થઇ રહ્યા છે.


ચાંગાભાઈ કાગ
ખોડા પગાર કેન્દ્ર શાળા
થરાદ,બનાસકાંઠા
૦૯૪૨૮૯૮૦૨૨૫ 





Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર