એક અનોખી શાળા


બનાસકાંઠા જીલ્લાનો ડીસા તાલુકો.ડીસા રાધનપુર રોડ ઉપર આવેલ નાનું ગામ લોરવાડા.આ ગામમાં એક નાનો કસબો.ગઢવીપુરા.અહીં નેશનલ હાઈ વે ની બંને તરફ શાળા.એક તરફ લોરવાડા અને બીજી તરફ ગઢવીપુરા.ત્રણ શિક્ષક અને  વિદ્યાર્થી સાથે ધોરણ પાંચની એક શાળા.અહીંથી બાળકો ધોરણ છ ભણવા માટે લોરવાડા જાય.લોરવાડા પ્રાથમિક શાળા મોટી શાળા તરીકે ઓળખાય.
        કેટલાક વર્ષો પહેલાની વાત છે.અહી શ્રી અશોકભાઈ પ્રજાપતિ શિક્ષક તરીકે જોડાયા.તેઓ આશાલામાં જોડાયા ત્યારે કુલ સાહીઠ કરતાં વધુ વિદ્યાર્થી હતા. શાળાના અન્ય શિક્ષકો શ્રી હરેશભાઈ ઠક્કર અને રવીન્દ્ર પટેલ સાથે આચાર્ય તરીકે શ્રી અશોકભાઈ એ ચોક્કસ આયોજન સાથે કામ કરવાનું શરુ કર્યું.શાળાના શિક્ષકો એ એક સાથે ભેગા મળી આયોજન કર્યું અને શાળાના વિકાસ ,માટે કામ કરવાનું શરુ કર્યું.દરેકે પોતાની આવડત અને જરૂરીયાત સમજી વર્ગ વિભાજન કર્યું.શાળાના વિદ્યાર્થીઓ સાથે વર્ગ વિભાજન કર્યું.આ વિભાજન ને આધારે સૌ પ્રથમ તો એમને બધા જ વિદ્યાર્થીઓ કક્ષા અનુસાર વાચન કરી શકે તે માટે ખાસ પ્લાન કર્યો.આ પ્લાન ને આધારે તેમણે શાળાના બધા જ વિદ્યાર્થીઓ ને વિવિધ જૂથમાં વિભાજન કર્યું.આ સમયે એમણે એવું ધ્યાન રાખ્યું કે દરેક જૂથમાં દરેક ધોરણ અને સમાજ શક્તિ ધરાવતા વિદ્યાર્થીઓ હોય.આ કરવા માટે તેમણે વાચન,ગણન અને લેખન નાં તાલીમ મોડ્યુલ નો ખાસ ઉપયોગ કર્યોં.
        દરેક વિદ્યાર્થી ની કક્ષા આધારે તેને જરૂરીયાત મુજબ કામ આપવાની અને નવા અનુભવો પુરા પડવાનું શરુ કર્યું. વિદ્યાર્થીઓ સાથે વાચન અને લેખન માટે સૌ પ્રથમ કામ કરવાનું શરુ કર્યું.દૈનિકપત્રો,મુખપત્રો કે બાળ સાહિત્યની મદદ વડે તેમણે વાચન માટે ખાસ મહાવરો આપવાનું શરુ કર્યું.વિદ્યાર્થીઓ સહપાઠી પાસેથી શીખી શકે તેવી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કર્યું.એક વિદ્યાર્થી ને જે શબ્દ શોધવા માટે છાપું આપ્યું હોય,એ જ છાપાની મદદ વડે બીજો વિદ્યાર્થી તે મૂળાક્ષરથી બનતા શબ્દો લખે તે મુજબ કામ શરુ થયું. અનુલેખન કરી શકતા વિદ્યાર્થીઓ પરસ્પર એક બીજાને શબ્દોનું લેખન કરાવે અને જાતે ચકાસે. આ રીતે વિદ્યાર્થી ને વિદ્યાર્થી શીખવવામાં સહાયક થાય તેવું આયોજન કર્યું. ભાષામાં વિદ્યાર્થી કક્ષા અનુસાર કામ કરતો થાય એટલે તેની જોડે ગણિતનું કામ કરવાનું શરુ કર્યું. ગણિતના ઉપચાર કાર્ય માટે એમણે દરેક વિદ્યાર્થી ને ધોરણ એક થી અનુભવ આપવાનું શરુ કર્યું.જે વિદ્યાર્થી તેની કક્ષા અનુસાર કામ કરતાં ન હતાં આવા વિદ્યાર્થીઓ માટે રમતાં રમતાં શીખવી શકાય તેવી વિવિધ પ્રવૃત્તિઓ શોધવાની શરુ કરી.આ માટે તેમણે ગ્રામજનોનો સહયોગ લીધો.ગામમાંથી કે ઘરેથી એકથી કરી શકાય તેવી વધારાબની સામગ્રી એકથી કરી.
        વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી શાળા માટે સામગ્રી લાવતા હતા.આ સામગ્રી તેમના ઘર કે આડોશ પડોશથી આવેલી હોય વિદ્યાર્થીઓ ને તે પોતીકી લગતી હતી.ગણન અને તેની સમાજ માટે સ્થાનિક સુથાર ધ્વારા અનેક સામગ્રી બનાવી આપી.શાળાના શિક્ષકો એ આ સામગ્રી ને રંગ વડે સુશોભિત કરી.ગણિત માટેની આ સામગ્રી ખૂબ જ ઉપયોગી થઇ.અશોકભાઈ એ કેટલાક એવા નમુના ને રમતો બનાવી કે વિદ્યાર્થી જાતે મહાવરો કરી શકે સાથોસાથ તેની ખરાઈ કરી શકે કે ચકાસી શકે. શીખવા કે શીખવવા માટે આ તરફ શીખવવા માટેની સામગ્રી ગ્રામજનોના સહાકારથી ઊભી કરી.ઘરમાં એવી કોઈ સામગ્રી હોય તો તે માટે ગઢવીઓ શાળામાં આવી પૂછતાં અને શાળાને શૈક્ષણિક રીતે ઉપયોગમાં આવે એવી કેટલીય સામગ્રી આપતા હતા.
        ગ્રામજનો તરફથી સહકાર મળતો થયો.વાત છે વર્ષ ૨૦૧૪ની. શાળામાં એ સમયે ત્રણ ઓરડા અને વરંડો જ ભૌતિક સુવિધામાં જોવા મળે.આ શાળાને રંગરોગાન કરાવવા અને અન્ય મરામત માટે ખાસ આયોજનની જરૂર હતી. ગ્રામજનો શાળામાં નાની મોટી સુવિધા માટે સહયોગ આપતા હતા.શાળાના શિક્ષકો એ ગ્રામજનોને ભેગા કર્યા.દિવસ હતો ૧૫ ઓગસ્ટ ૨૦૧૫.ગ્રામજનો સામે શાળા પરિવારના વડા  તરીકે કેટલીક સુવિધાઓ એકથી કરવા માટેની વાત કરી.સુવિધાઓ પણ એવી કે જે સરકાર ધ્વારા ન મળી શકે એમ હોય. આવી ખાસ સુવિધાઓમાં રંગરોગાન,હિંચકા,લપસણી અને બાગ બગીચાનું નિર્માણ કરવાનું પ્રાથમિક તબક્કે નક્કી થયું.
આસપાસના અનેક વાલીઓ નિયમિત શાળામાં આવતા થયા.શાળામાં એક સૂત્ર લખ્યું હતું.શાળા ગામનું મંદિર છે.આ વાંચી એક વખત એવું બન્યું કે ગામના લોકો કોઈ કામથી શાળામાં આવ્યા હતા.અહીં મંદિર બનાવવાની વાત થઇ. શાળામાં કયા ભગવાનનું મંદિર બનાવવું. એ ચર્ચાનો મુદ્દો હતો.શાળાના શિક્ષકો અને શાળાપરીવારના સભ્યો સાથે મળી શાળામાં સરસ્વતીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. આ માટે ગ્રામજનો એ સહકાર આપવાની શરૂઆત કરી. એક પછી એક દાતાઓ મળતા ગયા અને શાળામાં મંદિર માટે ફાળો એકઠો થતો ગયો.આજે આ શાળામાં સુંદર છતાં પ્રભાવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ મંદિરની અંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.આ દિવસે જાને આખા ગામનો મહોત્સવ હતો.આસપાસના ગામની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ દિવસે ગઢવીપુરાના મહેમાન હતાં.લગભગ એક લાખ રૂપિયાના ખર્ચ વડે ગામનો ઉત્સવ સંપન થયો.
આ શાળાની એક ખાસિયત એ છે કે અહી બધા જ ધોરણના વિદ્યાર્થીઓ ને બધું જ આવડે છે.કોઈ પણ લર્નિગ આઉટકમ બાળકો સિદ્ધિ ધરાવતાં જ હોય.આવું કામ કરવા અને ચોક્કસ પરિણામ મેળવવા માટે શું આયોજન કરી શકાય? આ સવાલના જવાબમાં શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ પ્રજાપતિ એ જણાવ્યું કે પાંચ ધોરણ અને ત્રણ શિક્ષક હોવા છતા અમે વિવિધ જૂથ કાર્ય અને સમૂહકાર્ય ધ્વારા કેટલુક પ્રારંભિક કામ કરાવી ચોક્કસ પરિણામ સુધી પહોંચવા માટે તૈયારી કરવામાં આવે છે.શિક્ષક આવૃત્તિ અને અન્ય સંદર્ભ સાહિત્યના ઉપયોગ ધ્વારા શિક્ષણ કાર્ય કરાવતાં ચોક્કસ પરિણામ મળ્યાનું કબુલતા તેઓએ જણાવ્યું કે ગ્રામજનોનાં સહકારથી શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે ઝડપથી પરિણામ સુધી પહોંચી શકાય છે.
        આ શાળા એક સમયે ખેત વિસ્તારની શાળા તરીકે ઓળખાતી હતી.આજે ગ્રામજનોના સહકારથી અને ચોક્કસ આયોજન વડે આ શાળાએ સમગ્ર જીલ્લામાં ચોક્કસ ઓળખ ઊભી કરી છે.વિસ્તૃત આયોજન અને સૌના સહકારથી સફળતા મળી છે.આ સફળતા જળવાઈ રહે એ માટે શાળા પરિવાર સતત આગળ ધપી રહી છે. ચોક્કસ પ્રકારના અને કાયમી આયોજન ને લીધે આ શાળા ગુણવત્તા માટેના તમામ મુદ્દા પૂર્ણ કરતી હોવાનું જોવા મળે છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી