વિજ્ઞાન અને ધર્મ


આપણી આસપાસ અનેક બાબતો એવી છે,જે અંગે આપણે બધી જ બાબત જાણતા નથી.કેટલીક ધર્મ સાથે તો કેટલીક વિજ્ઞાન સાથે જોડાયેલ છે.કેટલીક બાબતો એવી છે કે આપણે તેને પરિવાર સાથે કે પરિવારના સિદ્ધાંત સાથે જોડી દઈએ છીએ. આવી કેટલીક બાબતો માટે આજનો આ લેખ જરૂર વાંચો.શક્ય છે કે આ પછી આપના અનેક વિચારો બદલાઈ જશે.

સાંજે કચરો ન કઢાય :

પહેલાના સમયમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. આજે સરકાર ગામડે વીજળી પહોંચાડી ને વિકાસ કર્યાનું કહે છે. તે સમયે સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું.આ સમયે બનતું એવું કે દિવસ દરમિયાન કામમાં અજાણતા કોઈ ચીજ-વસ્તુ હાથમાંથી પડી ગઈ હોય ને સંધ્યા ટાણે કચરો કાઢવામાં આવે ત્યારે મંદ અંધકારની સ્થિતિમાં એ વસ્તુ કચરા સાથે ઘરની બહાર જતી રહે. આજ કારણથી એ સમયના વડીલો કહેતા કે સંધ્યાકાળે કચરો કાઢવાથી લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આજે એ બાબત આપણે સ્વીકારેલી છે. લગભગ દરેક ઘરે આ વાત કહેવાય છે. આજે તો ઘર-ઘરમાં રાત્રે પૂરતો પ્રકાશ મળી રહે તેવી વ્યવસ્થા છે આ કારણે કોઈ વસ્તુ કચરા સાથે ઘર બહાર નિકળી જાય અને ધ્યાનમાં ન આવે એવું થતું નથી. છતાં દિવસ જેવો ઉજાસ તો આજેય ઉપલબ્ધ નથી જ. માટે રાત્રે કચરો વાળી શકાય પરંતુ ચોકસાઈ તો રાખવી જ પડે.

શનિવારે તેલ ન નખાય:

અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ  રવિવાર રજાનો દિવસ જાહેર થયો. કામ કાજ અને અન્ય રીતે જોવા જઈએ તો ત્યારે અને આજેય રવિવારે જ સમય મળતો. હવે માથામાં બહુ ચિકાશ ન હોય તો સરળતાથી માથાના વાળમાં રહેલો મેલ કાઢી શકાય. એ સમયે ચિકાશ કાઢવા માટે અદ્યતન સાબુ-શેમ્પૂ ઉપલબ્ધ ન હોઈ લોકો સમજીને શનિવારે માથુ કોરું રાખતા. જે આ વાત ન માને તેને  ધર્મનો ડર બતાવી કાબુમાં લેવાનું સરળ બનતું. આ માટે એવું કહેવાય છે  કે શનિવાર હનુમાનજીનો વાર હોવાથી માત્ર હનુમાનજીને તેલ ચઢે, આપણે માથામાંતેલ નાંખવાનું નહિ. આવું જ નખ કાપવા માટે, બુટ ખરીદવા માટે, દાઢી બનાવવા કે વાળ કપાવવા માટે રવિવારની રજા બહુ કામમાં આવતી. શનિવારે આ બધું ન થાય એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. રવિવારની રજાના દિવસે મોટા ભાગના લોકો વાળ કપાવવાનું તેમજ દાઢી સાફ કરાવવાનું રાખતા હોવાથી એ દિવસે વાળંદ રજા તો ન જ રાખી શકે ઉલ્ટાનું એને રવિવારે ઓવરટાઈમ કરવો પડે. આથી આગલા દિવસે શનિવારે એ રજા ભોગવી લે તો રવિવારે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકે. એક વ્યવસ્થા અને અન્ય સુવિધા ને માટે વાળંદ કે તેમના યુનિયન દ્વારા શનિવારે રજા નક્કી થઈ હોઈ શકે.

મુહૂર્ત જોવડાવવામાં આવે છે :

કૃષ્ણ મુહૂર્ત જોઈને દુર્યોધન સાથે વિષ્ટી (સંધિ) કરવા હસ્તિનાપુર ગયા હતા. છતાં એમણે કહ્યું હતું કે ‘હું જાઉં છું માટે જ વિષ્ટિ સફળ નહિ થાય. અલબત્ત મારા સઘન પ્રયાસો હશે જ વિષ્ટિને સફળ બનાવવા માટેના !’ ગૃહપ્રવેશ, રાજ્યાભિષેક ,લગ્ન વગેરે મુહૂર્ત જોવડાવીને થાય છે. એની પાછળનું રહસ્ય પ્રકૃતિનો સાથ લેવાનો આશય છે. આપણે ત્યાં વર્ષાઋતુમાં એક પણ લગ્નનું મુહૂર્ત હોતું નથી. કારણ શું ? વરસાદમાં બધાને અગવડ પડે છે. અરે, તીર્થયાત્રીઓ ચાર માસ સુધી પોતાની તીર્થયાત્રા અટકાવી દે છે. વસંતપંચમી તેમજ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત ગણાય છે કારણ કે એ સમયે પ્રકૃતિ સદાય સોળ કળાએ ખીલેલી હોય છે.

કોઈ પણ વ્યક્તિ ધન અને કીર્તિ કમાય એટલે એ માનસિક રીતે એટલો બધો નબળો થઈ જાય છે કે શુકન-અપશુકનના રવાડે ચઢી જ જાય છે. રાજકારણીઓ, રમતવીરો, ફિલ્મસર્જકો ,  હીરો-હીરોઈનો બધાને આ વાત એક સરખી લાગુ પડે છે. અમુક જગ્યાની મુલાકાત લેનાર મુખ્યમંત્રી પોતાનું પદ ગુમાવે છે, ફિલ્મના નામના સ્પેલિંગમાં અમુક અક્ષર બેવડાવવાથી ફિલ્મ સફળ થશે, ચોક્કો કે છક્કો વાગે એટલે તાવીજ ચુમવું, સદી વાગે એટલે જમીન ચુમવી, પોતાનું બેટ ન બદલવું, નંગની વીંટીઓ, ગળામાં પેંડંટ વગેરે મનોરોગની નિશાનીઓ છે. એમાંથી કોણ બચ્યું છે ? જ્યોતિર્વૈદ્યૌ નિરંતરૌ. એટલે કે જ્યોતિષી અને વૈદ્ય સદાય કમાવાના જ ! એમના ધંધામાં ક્યારેય મંદિ આવવાની જ નહિ ! કારણ કે હંમેશા શારીરિક અને માનસિક રીતે નબળા માણસો સમાજમાં હોવાના જ !

આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.

આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશ્વર ઉપરનો વિશ્વાસ આવશ્યક છે. માનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું જ સંભવ છે.આપ પણ વિજ્ઞાન સાથે ધર્મ અને ધર્મ જોડે વિજ્ઞાન ને અપનાવો.શાંતિ થી અને આત્મ વિશ્વાસ થકી જીવી શકશો.

@#@
જીવનમાં જ્યાં વિકાસ છે ત્યાં વિજ્ઞાન છે.વિજ્ઞાન સાબિતી માંગે છે જ્યારે જીવન ટકાવવા માટે સહકાર અને સ્વાસ્થય જરૂરી છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી