વરસાદ...
આવરે વરસાદ...તમે નાના હતા ત્યારે આ ગીત ગાયું જ હશે.વરસાદ આવે ત્યારે આ ગીત યાદ આવે.કોઈને વરસાદ ન ગમે એવું ન હોય. ચોમાસામાં વરસાદ પડે છે.સાહિત્યમાં વરસાદને અનેક રીતે રજૂ કરેલ છે. સાહિત્યના દરેક પ્રકારમાં વરસાદ અંગેની વિગતો જોવા મળે છે.આજે આપણે વરસાદના પ્રકાર અંગે વાત કરીશું.
સાહિત્યમાં મહત્વનો પ્રકાર લોકસાહિત્ય. આ અનોખા સાહિત્યમાં વરસાદના મુખ્ય બાર પ્રકાર આપવામાં આવેલ છે.કેટલાક પ્રકાર અંગે આપણે આજે જ જાણીશું.
આ બાર પ્રકારમાં...
ફર ફર:માત્ર રૂંવાડાં ભીના કરે એવો વરસાદ.
છાંટા:પાણીના છાંટા ટપક્વા માંડે એવો વરસાદ.
ફોરાં:મોટા મોટા છાંટા તૂટી પડે એવો વરસાદ.
કરા:જ્યારે છાંટા મોટુ સ્વરૂપ લઈ આપણને મોંઢા ઉપર તડાતડ વાગવા લાગે એવો વરસાદ.
પચેડિયો:માથા ઉપર પચેડિનું રક્ષણ લઈને ભાગવું પડે એવો વરસાદ.
નેવાધાર: ઘર ના નળીયા સંતૃપ્ત થયા પછી નેવાની નીચે બાલ્દી મૂકી શકો એવી ધાર થાય એવો વરસાદ.
મોલિયો:ખેતરમા ઊભા પાક ને જીવનદાન આપે એવો વરસાદ.
અનરાધાર:છાંટા, ફોરાં, કરા બધાય ભેળા મળી રીતસર પાણીની ધારો વરસતી હોય એવો વરસાદ.
મુશળધાર:બધી ધારાઓ ભેગી મળી જાણે સૂપડે સૂપડે પાણી પડતું હોય એવો વરસાદ.
ઢેફા ભાંગ:ખેતરોની માટીઓના ઢેફા પણ ભાંગી નાખે એવો વરસાદ.
સાંબેલાધાર:ખેતરોના કયારાઓ ભરાય જાય અને કૂવાની સપાટીઓ ઉપર આવી જાય એવો વરસાદ.
હેલી:સાંબેલાધાર વરસાદ પણ જો સતત અઠવાડિયા સુધી વરસ્યા કરે તો હેલી આવી એમ કેહવાય.
અહીં જણાવેલ તમામ પ્રકારના વરસાદો જ્યારે એકી સાથે ટુટી પડે ત્યારે બારેય મેઘ ખાંગા થયા એમ કેહવાય.વરસાદ...આવે એટલે ગમે.હવે જ્યારે વરસાદ પડે ત્યારે નક્કી કરવાનું કે આ ક્યા પ્રકારનો વરસાદ છે.
Comments