જવાબદાર કોણ?


હું પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલ છું.હમણાં એવું વધારે સંભળવા મળે છે કે શિક્ષણનું સ્તર બગડ્યું છે.આ ચર્ચા બધાં કરે છે.શિક્ષણ સાથે જોડાયેલ ફરિયાદ કરે છે.વાલીઓ એક ઉપભોક્તા તરીકે વિચાર વ્યક્ત કરતાંગુસ્સો આચારે છે.અરે!ચોરે ને ચૌટે આવું જ સાંભળવામળે છે.
 પરંતુ આ માટે મોટા ભાગના લોકો શિક્ષકને દોષિત ગણે છે. જે ખોટું છે. શિક્ષણનું સ્તર નીચું જવા પાછળ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પાસું જવાબદાર નથી. તેના ઘણાં કારણો છે, પરંતુ દોષનો ટોપલો માત્ર શિક્ષક પર જ ઢોળવામાં આવે છે. ચારે બાજુથી ક્યારેક શિક્ષકને ધમકાવવામાં આવે છે તો ક્યારેક તેને સલાહ પણ આપવામાં આવે છે. વર્ષભર યોજાતી તાલીમો તેનું ઉદાહરણ છે. હમણાં જ ગાંધીનગરમાં એક દિવસીય ચિંતન શિબિર શિક્ષકો માટે યોજાઈ ગઈ. શિબિર કે તાલીમ પછી સાચા અભિપ્રાય ક્યારેય મેળવ્યા નથી. શિક્ષકોને શું જોઈએ છે ? તેમને શેની જરૂર છે તે જાણવાના પ્રયત્ન સિવાય જ તાલીમો કે શિબિરો ગોઠવાય છે. કેટલાક લોકો કહે છે કે એમાં શિક્ષકોને પૂછવામાં આવતું નથી.અરે...શિક્ષકોના સુચનથી જ આ તાલીમનું આયોજન,મોડ્યુલ અને અન્ય વિગતો તૈયાર થાય છે.અમલી બને છે.


સરકારી આંકડા બતાવે છે અને આપણે જાણીએ જ છીએ કે છેલ્લા કેટલાંક વર્ષોથી શાળાઓમાં પ્રવેશીકરણ વધ્યું છે, અપવ્યય અને સ્થગિતતામાં ઘટાડો થયો છે. તો શું આમ બનવા પાછળ શિક્ષકોનો ફાળો નથી ? જો સારું થાય તો પોતે જશ લે અને ખરાબ થાય ત્યાં શિક્ષકોનો દોષ. આ ક્યાંનો ન્યાય કે તારણ ? આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા શિક્ષકોને શિક્ષણ સિવાયના ઘણાં કામ સોંપવામાં આવે છે, કારણ કે સરકારને શિક્ષક પર વિશ્વાસ છે કે, તે કામ કરશે અને ખોટું નહીં જ કરે. ત્યારે પ્રશ્ન થાય કે, જો શિક્ષક શિક્ષણ સિવાયના બહારના કામ પૂરી નિષ્ઠાથી કરતો હોય તો શું તે વર્ગખંડમાં ભણાવવાનું કામ ના કરે ? શા માટે તેની પર દોષ ઢોળીએ છીએ ?

જે કારણો શિક્ષણની ગુણવત્તા માટે અવરોધક છે તેવા કારણો દૂર કરવા માટે જરૂરી તમામ મદદ કરવી જોઈએ. આપણે તો એનાથી ઊંધું કરીએ છીએ. નબળી શાળાને જરૂર છે તેટલું આપતાં નથી, ઉપરથી શિક્ષા કરીએ છીએ. જ્યારે સારી શાળા કે જેને જરૂર નથી તેને ના માગે તો પણ આપે જઈએ છીએ. ભાઈ, જરૂર નબળાને હોય, સબળાને નહીં, પણ શિક્ષામાં માનનારા આપણે આપણી જાતને ખરા અર્થમાં સુધારાવાદી માની બેઠા છીએ.

ગુણોત્સવ પૂર્વે કેટલાક શિક્ષકો સાથે ચર્ચા થયેલ. જાણવા મળેલું કે કેટલાક શિક્ષકો રાત દિવસ એક કરીને પોતાના ગજવામાંથી પૈસા કાઢીને કામ કરતા હતા ! ગુણોત્સવ વાસી ઉત્તરાયણના બીજા દિવસે હતો. એ દિવસોમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળે તે સ્વાભાવિક છે. ત્યારે શિક્ષકોએ પોતાના પૈસે પતંગ-દોરી લાવીને વિદ્યાર્થીઓને વાસી ઉત્તરાયણ શાળામાં જ કરવી હતી. જેથી બીજા દિવસે હાજરી પૂરેપૂરી રહે ! પણ આવી અપેક્ષા બારે માસ શિક્ષકો પાસે રાખવી યોગ્ય નથી અને જો રાખવી જ હોય તો સરકાર અને સમાજે શિક્ષકોને સગવડતા અને પ્રોત્સાહન પૂરા પાડવા જોઈએ.

હા, સમાજમાં વ્યાપેલી બદીઓની અસર કેટલાક શિક્ષકોને થઈ છે, પણ એના માટે શિક્ષક આલમને દોષિત ગણવી યોગ્ય નથી. રાજકારણમાં કોઈ ભ્રષ્ટાચાર કે ગુંડાગર્દી કરે તેનો અર્થ એવો નથી કે બધા જ રાજકારણી ખરાબ છે. કોઈ ડોક્ટર દર્દીને છેતરીને પૈસા કમાય તો તેનો અર્થ એવો નથી કે બધા ડોક્ટર ખરાબ છે. પોલીસ સ્ટેશનમાં બળાત્કાર થાય તો તેનો અર્થ એવો નથી કે બધા જ પોલીસ સ્ટેશનમાં એવું થાય છે. તો શિક્ષકોમાં પણ અપવાદરૂપ ઘટનાને કારણે તમામ શિક્ષકોને દોષિત ગણીને કાર્યક્રમો કે પગલાં લેવા તે પણ યોગ્ય નથી.

શિક્ષણનું સ્તર નીચું જવા પાછળ શિક્ષકો ઉપરાંત સરકાર, સમાજ, વાલી, અધિકારીઓ, સંચાલકો કે કેળવણી મંડળો વગેરે પણ એટલા જ જવાબદાર છે. કોઈ એક પાસાંને ટાર્ગેટ કરીને શિક્ષણ સુધારણાના કાર્યક્રમો કરીશું તો તે થીગડાં માર્યા બરાબર થશે. જેમાં અંતે નિષ્ફળતા જ મળશે. સરકાર અને સમાજના સહિયારા પુરુષાર્થની જરૂર છે. જેમાં શિક્ષકોને સહભાગી બનાવી તેમના સલાહ-સૂચનો લઈને જ આગળ વધવું પડે. બાકી ઓફિસોમાં બેસીને નિર્ણયો લેવાથી સમય, સત્તા અને સંપત્તિનો બગાડ જ થશે.ગુજરાતમાં અનેક એવા શિક્ષકો છે.જેમણે પોતાની હાલાકી કે સમસ્યા સામે સફળતા પૂર્વક કામ પાર પાડ્યું અને પરિણામ મેળવ્યું છે.ખાનગી શાળાઓને હંફાવનાર શિક્ષકોની શાળામાં શું ચૂંટણીની કામગીરી નહિ આવતી હોય?કેટલીય શાળામાં,અરે!સરકારી શાળામાં બાળકો કક્ષા મુજબ વાંચે છે.શું એમને કોઈ પ્રશ્નો નહિ હોય?વૈશ્વિક કે રાષ્ટ્રીય એવી અનિયમિતતા માટેય સફળ ઇનોવેશન થયાં છે.સવાલ છે કાર્ય કરવાનો.જવાબદારી નક્કી કરનાર પહેલાં જાણકાર હોય તે જરૂરી છે.બાકી...જય શિક્ષણ...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી