ફરી ફરી યાદ કરજો





આપણા ગુજરાતી દૈનિક અખબારો જે વિસ્તારને સિયાચીન તરીકે ઓળખાવે છે એનું ખરું નામ સિયાચીન નથી પણ સિઆચેન છે. સિઆ એટલે ગુલાબ અને ચેન એટલે પ્રદેશ. એક જમાનામાં અહીં ગુલાબો થતાં એટલે આ વિસ્તારને સિઆચેન તરીકે ઓળખવામાં આવતો. મહારાજા હરિસિંહના કાશ્મીર પ્રદેશનો એ કારાકોરમ ઘાટમાં આવેલો ઉત્તરીય વિસ્તાર છે. આ પ્રદેશ લગભગ ત્રેવીસ-ચોવીસ હજાર ફૂટની ઊંચાઈ ઉપર આવેલો, બારેય મહિના હિમથી ઢંકાયેલો રહે છે. એનું ઉષ્ણતામાન બારેય મહિના ઓછામાં ઓછું માઈનસ દશ ડિગ્રી વધુમાં વધુ માઈનસ પચાસ ડિગ્રી થઈ જાય છે. આ પ્રદેશ  વિશ્વનું સહુથી વધુ ઊંચાઈવાળું યુદ્ધ ક્ષેત્ર છે. આ પ્રદેશમાં ભારતીય સૈનિકો પ્રત્યેક શિખરની ટોચ ઉપર ચોકી ધરાવે છે અને જ્યાં કોઈ પશુપંખી કે વનસ્પતિનો છોડ સુધ્ધાં નજરે નથી પડતો ત્યાં ચોવીસે કલાક તેઓ શસ્ત્રો તાકીને બેઠા છે. એમને નિયમિત ખોરાક નથી મળતો. જે મળે એનાથી ચલાવવું પડે છે. હાથપગના આંગળા હિમડંખથી સડી જાય છે અને પછી એને કાપી નાખવા પડે છે. જવાનોનો પરિવાર સાથેનો સંપર્ક ક્યારેક થાય છે, ક્યારેક નથી થતો. આ યુદ્ધ ક્ષેત્રની મુલાકાતે હેલિકોપ્ટર મારફતે કુતૂહલવશ પત્રકારો જાય છે ખરાં પણ પગપાળાં ચાલીને આ હિમપ્રદેશમાં અગિયાર દિવસ સુધી અમદાવાદના એક ગુજરાતી પત્રકાર ફરે છે. સૈનિકોને અને અફસરોને મળે છે. તેઓની સાથે બરફની દીવાલો ઉપર કુહાડીની મદદથી ચડીને મૃત્યુ સાથે સ્પર્ધા કરે છે. આવા એ પત્રકારનું નામ છે હર્ષલ પુષ્કર્ણા ઉં. વ. ૪૧. આ પત્રકારે પોતાની આ અગિયાર દિવસની યાત્રાનું વાંચતા વાંચતા આપણા રૂંવાડા ઊભા થઈ જાય એવું વર્ણન, શબ્દો કરતાંય અદકેરાં ચિત્રો અને નકશાઓ સાથે એક પુસ્તક આપણને આપ્યું છે. પુસ્તકનું નામ છે-‘આ છે સિઆચેન’. આ પુસ્તકની મૂળ કિંમત જે હોય તે, પણ એનું ખરું મૂલ્ય તો જાનનું જોખમ જ છે. 

આ એવો દુર્ગમ અને કપરો વિસ્તાર છે કે જ્યાં ભારત પાકિસ્તાનની કાશ્મીર વિસ્તારની અંકુશ રેખા ચોક્કસ રીતે આંકી શકાય નથી. વરસો સુધી આ માનવ પગરવ વિનાના વિસ્તારમાં આવેલાં શિખરો ઉપર આરોહણ કરવા માંગતા પર્વતારોહકોને પાકિસ્તાન રજા ચિઠ્ઠી આપતું હતું. પાકિસ્તાન, જાપાન અને ચીનના પર્વતારોહકોને નોતરતું હતું અને આ શિખરો ઉપર એ જાણે પોતાનો પ્રદેશ હોય એમ રજા ચિઠ્ઠી ફાડતું હતું. વરસો સુધી આ વાતની આપણને ખબર જ નહોતી. પાકિસ્તાને પર્વતારોહકોની આ યાત્રાની તસવીરો આંતરરાષ્ટ્રીય અખબારો અને સામયિકોમાં પ્રગટ પણ કરાવી એટલે સ્વાભાવિક રીતે પાકિસ્તાની પ્રદેશ તરીકે એની છાપ વિદેશી નકશાઓમાં પેદા થઈ. જ્યારે આપણને અચાનક આ વાતની જાણ થઈ ત્યારે આપણે આ પ્રદેશમાં વાપરી શકાય એવાં શસ્ત્રોની ખરીદી કરવા લંડન ગયા ત્યારે આ શસ્ત્રોના ઉત્પાદકોએ આપણા લશ્કરી વડાઓને માહિતી આપી કે એમની પાસેથી આવાં શસ્ત્રો પાકિસ્તાન અગાઉથી જ ખરીદી ચૂક્યું છે. 

હર્ષલ પુષ્કર્ણાએ એમના આ પુસ્તકમાં આવી રોમાંચક માહિતી એકઠી કરી છે. ચારેય બાજુ બરફ છવાયેલો હોય. ન જમીન દેખાય ન આકાશ, કશુંય નજરે જ ન પડે આવી પરિસ્થિતિને વાઈટ આઉટ કહેવાય. રોજ બેઝ કેમ્પથી શિખર ઉપરની ચોકીઓેને હેલિકોપ્ટર મારફતે ખોરાકથી માંડીને દવાઓ સુધી બધું પેકેટો ફેંકીને પહોંચાડવામાં આવે અને જ્યારે વાઈટ આઉટ થાય ત્યારે હેલિકોપ્ટર અટકી જાય અને કાગના ડોળે જોઈ રહેલા સૈનિકો મોં ફાડીને ઊભા રહે. કશું ન કરી શકે. 

રેલવે કંપાર્ટમેન્ટના ટોઈલેટ જેવડી બરફની દીવાલોવાળી કેબિનમાં બે જવાનો સતત ચોવીસ કલાક હાથમાં શસ્ત્રધારીને દુશ્મનની હિલચાલ ઉપર નજર નાખતા ઊભા રહે. એક ચોકીથી બીજી ચોકી હિમ નદી ઉપર ચાલતા જતા આ જવાનો પરસ્પરથી દોરડા વડે બંધાયેલા, આમાં એકાદ જવાનના પગ નીચેની હિમ નદી સરકી જાય ત્યારે એ આખોને આખો ઊંડી કોતરમાં ઊતરી જાય. એના સાથી સૈનિકો એને બહાર ખેંચી કાઢવા મથે તો ખરાં પણ મોટાભાગે સફળ ન થાય. ઊંડો ઊતરી ગયેલો સૈનિક એ નદીના તળિયે જ ક્યાંક અલોપ થઈ જાય. જ્યારે આપણે એરકંડિશન્ડ બેડરૂમમાં ઘસઘાટ ઊંઘતા હોઈએ અથવા હોળી, દિવાળી કે મકરસંક્રાંતિ જેવા પર્વો ઉજવતા હોઈએ ત્યારે આ સૈનિકો પોતાના જાનના જોખમે આપણી સુરક્ષા કરતા હોય છે. એનું જાણે આપણને સ્મરણ જ નથી આવતું.

ઓમપ્રકાશ નામનો એક સૈનિક એકલા હાથે ચોકીનું રક્ષણ કરવામાં સફળ તો થયો પણ પછી બરફના તોફાનોમાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો. એનો મૃતદેહ પણ મળ્યો નહીં. વીસ હજાર ફૂટની ઊંચાઈએ એના સાથીઓએ આ ઓપીબાબાનું મંદિર બનાવ્યું. આ ઓપીબાબાને રોજ પ્રસાદ ધરાય, એની પૂજા થાય. આવતા જતા સૈનિકો એની માનતા માને. એટલું જ નહીં, લશ્કરના હાજરી પત્રકમાં એની હાજરી પણ પુરાય. એનો પગાર વધારો અને પ્રમોશનનાં નાણાં ચૂકતે ગણીને એના પરિવારને મોકલાય. સિઆચેનની કોઈ પણ ચોકી ઉપરના તમામ સૈનિકો આ ઓપીબાબાની આણનો સ્વીકાર કરે છે. 

આમ તો આ જવાનોને દહીં, પરોઠા, ડ્રાયફ્રૂટ, જ્યુસ, ચોકલેટ્સ આવો પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવે છે, પણ વીસ હજાર ફૂટ કરતાં વધુ ઊંચાઈ પર ઓક્સિજનનો પુરવઠો ભારે મર્યાદિત હોય એટલે આ જવાનોની ભૂખ મરી જતી હોય છે. લેખકે આ અનુભવ લીધો. સ્વાદ કોષોની સંવેદનશીલતા ઘટી જતી હોવાથી મોંમાં મૂકેલા કોળિયાનો સ્વાદ ખાસ પરખાતો નથી. સ્વાદ વિના ખાવાની ઈચ્છા શી રીતે થાય?

‘ઐસી કોઈ ચીજ હૈ જીસે ખાને સે ટેસ્ટ કા અનુભવ હો?’ લેખકે જવાનોના જૂથને એક પ્રશ્ર્ન પૂછ્યો. 

‘હરી મિર્ચ’ બે ત્રણ જુવાનો એક સાથે બોલી ઊઠ્યા. ‘જીસ દિન હરી મિર્ચ ખાને કો મિલે, સમજો પાર્ટી હો ગઈ. ઈસકે અલાવા જબ ચોકી પે લડ્ડુ ઔર જલેબી આ જાતે હૈ તબ હમ ખુશી મનાતે હૈ.’ આટલું કહેતી વખતે આ જવાનો આ ઊંચા બર્ફિલા પહાડો વચ્ચે લાડુ, જલેબી અને લીલા મરચાં માટે કેવા તલસ્યા હશે તેમના ચહેરના અણસારની તો આપણને કલ્પના પણ નહીં આવે.’

આવી અંતરિયાળ અને અત્યંત દુર્ગમ પહાડીઓ વચ્ચે કપરું જીવન જીવતા હોવા છતાં આ જવાનોનું મનોબળ ભારે ઊંચું હોવાનું લેખકે નોંધ્યું છે. લેખકે એમને માટે હિમપ્રહરી જેવો સરસ શબ્દ પ્રયોજ્યો છે. આ હિમપ્રહરીઓ સાથે લેખકે અગિયાર દિવસ રાતવાસો કર્યો. રાત્રે સ્લિપિંગ બેગમાં ભરાઈને ઈજિપ્તના મમી જોવો પોઝ ધારણ કરી લેવાનો. પછી શારીરિક હલનચલનની કોઈ જોગવાઈ નહીં. રાતભર એક જ સ્થિતિમાં સૂઈ રહેવાનું. 

કમાન્ડો તાલીમ એ લશ્કરી દળોમાં સહુથી કપરી અને સહુથી મોંઘી તાલીમ ગણાય છે. ચોવીસ પચ્ચીસ વરસનો એક જુવાન આ તાલીમ સફળતાપૂર્વક પાર પાડીને સિઆચેનમાં આવ્યો. માઈનસ ત્રીસ, ચાળીસ ડિગ્રીના ઉષ્ણતામાન વચ્ચે એના હાથ પગના આંગળા હિમડંખથી પીડિત થયા. એને સારવાર માટે બેઝ કેમ્પ પર લાવવો પડે અને અહીં જરૂરી સારવાર થાય. હિમડંખ એવા જલદ હતા કે દિલ્હી સારવાર માટે લઈ ગયા વગર છૂટકો નહોતો. પણ હવામાન બગડ્યું. કેટલાય દિવસ સુધી બરફના તોફાનો વચ્ચે વિમાની અવરજવર અટકી ગઈ. આ દર્દીને જ્યારે દિલ્હીની હોસ્પિટલમાં પહોંચતો કરવામાં આવ્યો ત્યારે રોગ અત્યંત વકરી ગયો હતો. એના બંને હાથ અને બંને પગ કાપી નાખવા પડ્યા. આવી ભયાનક પરિસ્થિતિમાં આપણે શું કરીએ? હતાશ થઈને બેસી જઈએ, પણ આ કમાન્ડોએ એમ ન કર્યું. પુણે ખાતે આવેલી કમાન્ડોની તાલીમ શાળામાં એ વ્હીલચેરથી પહોંચ્યો. આજેય આ કમાન્ડો પુણેની આ તાલીમ શાળામાં નવા ભરતી થયેલા કમાન્ડોને તાલીમ આપે છે. 

ગુજરાતના યુવાનોમાં આવું લશ્કરી મનોબળ નથી. આ પુસ્તકમાં જે કથાનકો અને તસવીરો આપવામાં આવ્યાં છે એનો વિશેષ કાર્યક્રમ લેખક પોતે કરી રહ્યા હતા. આ કાર્યક્રમ જોયા પછી સહેજ પણ સંકોચ વિના અને આગ્રહપૂર્વક ગુજરાતી કોલેજોને એવું કહેવાનું મન થાય છે કે તમારા વિદ્યાર્થીઓ સમક્ષ એક વાર આ કાર્યક્રમ પ્રસ્તુત કરો. 

ફિલ્ડ માર્શલ સામ માણેકશા એક વાર અમદાવાદ આવ્યા ત્યારે શ્રોતાઓ સમક્ષ એમણે અંગ્રેજીમાં પોતાની વાત કહેવા માંડી. શ્રોતાઓએ ગુજરાતીમાં બોલવાનો એમને આગ્રહ કર્યો ત્યારે માણેકશાએ મર્માળુ, હસીને કહ્યું- ‘આપણા લશ્કરમાં પંજાબીઓ છે, મરાઠાઓ છે, તામિલો છે અને હિંદી ભાષીઓ પણ છે. આ બધાના સંપર્કને કારણે હું એમની ભાષા શીખી ગયો છું, પણ કોઈ ગુજરાતી નથી એટલે હું ગુજરાતી શીખ્યો નથી. હું આશા રાખું છું કે હવે પછી હું જ્યારે અમદાવાદ આવું ત્યારે તમારી સાથે ગુજરાતીમાં વાત કરી શકું પણ એ માટે તમારે આ પૂર્વ ભૂમિકા પૂરી પાડવી પડશે'.

આ કામ ક્યારે થાય? જ્યારે આ પુસ્તક બધા ગુજરાતીઓ વાંચે અને ગુજરાતના યુવા ધન સમક્ષ ભાઈ હર્ષલનો બે કલાકનો આ જીવંત કાર્યક્રમ એમના વડીલો પ્રસ્તુત કરે અને સહુ એ જુએ, સમજે અને માણે. 

વિશ્ર્વના આ સહુથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં પગપાળા યાત્રા કરનારો આ ગુજરાતી પત્રકાર સહુથી પહેલો પત્રકાર છે. અમાનવીય સંજોગોમાં લેખક સતત સરહદોનું રક્ષણ કરનાર આ હિમપ્રહરીઓ ગમે એવા સંજોગોમાં જીવે છે, કોઈ ફરિયાદ કરતા નથી. ભાઈ હર્ષલ પુષ્કર્ણાએ આ જવાનો વતી આપણને જે સંદેશો આપ્યો છે એ આટલો જ છે-એમને કોઈ ફરિયાદ નથી. માત્ર આટલું જ યાદ રાખજો, અમને ફરી ફરી યાદ કરજો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી