રાષ્ટ્રપતિ ચૂંટણી: મતનું મૂલ્ય
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે. આપણા વર્તમાન રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખરજીએ 25 જુલાઇ 2012થી પદ સંભાળ્યુ હતુ એટલે 24 જુલાઇ 2017ના રોજ એમનો કાર્યકાળ પુરો થાય છે. આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે એ ભારતના નાગરીક તરીકે આપણે જાણી-સમજી શકીએ એ માટે અટપટ્ટી પ્રક્રિયાને સરળ ભાષામાં આપ સૌ મિત્રો સાથે શેર કરુ છું.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકોએ ચૂંટેલા ધારાસભ્યો અને સંસદસભ્યો લોકોના પ્રતિનિધી તરીકે ભાગ લે છે અને મતદાન કરે છે. આ ચૂંટણીમાં સૌ પ્રથમ ધારાસભ્યના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ માટે જે તે રાજ્યની કૂલ વસ્તીને તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી તેને 1000 વડે ભાગવામાં આવે છે. (આ ગણતરી માટે 1971ની વસ્તીગણતરી મુજબની વસ્તી ધ્યાનમાં લેવાય છે. 2026 સુધી એ મુજબ જ ગણતરી થશે)
જો આપણે ગુજરાતની વાત કરીએ તો 1971માં ગુજરાતની કુલ વસ્તી 2,66,97.488 હતી એને ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા 182 વડે ભાગતા 1,46,690 આવે. આ સંખ્યાને ફરીથી 1000 વડે ભાગતા 147 આવે. આમ ગુજરાતના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 147 થાય. ગુજરાતના કૂલ ધારાસભ્યોના મતોનું મૂલ્ય 182 * 147 એટલે 26,754 થાય. આવી રીતે દેશના તમામ રાજ્યોના ધારાસભ્યોના મતોનું મૂલ્ય તે રાજયની 1971ની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યાના આધારે નક્કી થાય. વર્તમાન સમયે દેશના કૂલ 4120 ધારાસભ્યોના મતોનું મૂલ્ય 5,49,490 થાય છે.
ધારાસભ્યોના મતોના મૂલ્યના આધારે સંસદસભ્યોના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. લોકસભાના કુલ 545 સભ્યો છે એ પૈકી 543 ચૂંટાયેલા સભ્યો છે અને 2 એંગ્લો ઇન્ડીયન સભ્યોને રાષ્ટ્રપતિએ નોમીનેટ કરેલા હોય છે. રાજ્યસભાના સભ્યોની કૂલ સંખ્યા 245 છે જેમાં 233 સભ્યો ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિએ કરેલી હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનનો અધિકાર માત્ર ચૂંટાયેલા સભ્યોને જ મળે એટલે લોકસભાના 543 અને રાજ્યસભાના 233 મળીને કૂલ 776 સંસદસભ્યો મતદાન કરી શકે. એમના મતોનું મૂલ્ય નક્કી કરવા માટે આખાદેશના કૂલ 4120 ધારાસભ્યોના 5,49,490 મતોને સંસદસભ્યોની સંખ્યા એટલે કે 776 વડે ભાગવામાં આવે છે. આમ કરવાથી પ્રત્યેક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 થાય છે. દેશના કૂલ 776 સંસદસભ્યોના મતોનું મૂલ્ય 776 * 708 એટલે કે 5,49,408 થાય છે.
ધારાસભ્યોના મતોનુ કૂલ મૂલ્ય અને સંસદસભ્યોના મતોનું કૂલ મૂલ્ય લગભગ સરખુ જ થાય છે. જે થોડો તફાવત આવે છે એ ભાગાકાર વખતે અપૂર્ણાંકને પૂર્ણાંકમાં ફેરવવાને કારણે આવે છે. આગામી ચૂંટણીમાં ધારાસભ્યો અને સંસદસભ્યોના મતોનું કૂલ મૂલ્ય 10,98,898 (5,49,490 + 5,49,408) છે. ભાજપ અને સાથી પક્ષો પાસે અત્યારે કૂલ 5,34,058 મતો છે અને કોંગ્રેસ તથા સાથી પક્ષો પાસે 2,54,651 મતો છે જ્યારે બાકીના મતો અન્ય પક્ષો પાસે છે. જીતવા માટે કૂલ મત પૈકી 50%થી વધુ મતો મળવા જોઇએ.
રાષ્ટ્રપતિની ચૂંટણી, આપણી સામાન્ય ચૂંટણી કરતા બીજી એક રીતે પણ જુદી પડે છે જેની બહુ ઓછા લોકોને ખબર છે. આપણી સામાન્ય ચૂંટણીમાં જેને સૌથી વધુ મત મળે એ ઉમેદવાર વિજેતા થાય જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા થવા માટે 50% કરતા વધુ મત મળવા જોઇએ. આ ગણતરી કેવી રીતે થાય છે એ ખુબ રસપ્રદ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્ય અને સંસદસભ્ય કોઇ એક ઉમેદવારને જ પોતાનો મત આપે એવુ ના હોય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જેટલા ઉમેદવાર ઉભા હોય એ તમામ ઉમેદવારને મત આપવાનો હોય છે. તમને થશે કે એ કેવી રીતે શક્ય બને ? મત આપનાર ધારાસભ્ય કે સંસદસભ્ય રાષ્ટ્રપતિ પદના તમામ ઉમેદવારને પસંદગી ક્રમ આપે છે. જેમ કે ત્રણ વ્યક્તિ A, B અને C ચૂંટણીમાં ઉભા હોય તો તમારે ત્રણેને ક્રમ આપવાના હોય જેમ કે મારે B ને મત આપવો હોય તો એને પ્રથમ ક્રમ આપુ પછી બાકીના બે ઉમેદવારો A અને Cને મારી મરજી મુજબ બીજો અને ત્રીજો ક્રમ આપુ.
આ રીતે મતદાન થયા પછી માની લો કે કુલ મતોમાંથી A ને 40% B ને 35% અને Cને 25% મત મળ્યા તો Aને સૌથી વધુ મત મળેલા હોવા છતા વિજેતા ન ગણાય કારણકે એને 50%થી વધુ મત નથી મળ્યા. આવુ બને એટલે જેને સૌથી ઓછા મત મળ્યા હોય એનું નામ રદ કરી દેવામાં આવે અને એ ઉમેદવારના તમામ મત મતદાન કરનારાઓએ જે ઉમેદવારને બીજો ક્રમ આપ્યો હોય તે ઉમેદવારને જતા રહે. અહીંયા C ને મળેલા 25% મત હવે A અને B વચ્ચે વહેંચાય જાય. માની લો કે આ 25% મત પૈકી A ને 7% મળે અને B ને 18% મળે તો Aના કુલ મત 40 + 7 = 47% થયા અને Bના કુલ મત 35 + 18 = 53% થયા એટલે B વિજેતા ગણાશે કારણકે એને 50%થી વધુ મતો મળી ગયા. પ્રથમ ગણતરી વખતે A ને સૌથી વધુ મત મળેલા હતા આમ છતા એ હારી ગયા કારણકે એ 50%થી વધુ મત પ્રાપ્ત ન કરી શક્યા.
ખરેખર આપણા બંધારણમાં રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભૂત અને અનોખી છે.
Comments