ગરીબ છતાં અમીર

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા.
બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને પાસે બોલાવ્યો.
મજુરની આધેડ ઉંમર, છેક ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી.મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા.

આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા. 

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.

રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો.પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા.પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી