વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ


આજે આખી દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સૌ સાથે જોડાય છે.અને તેની ઉજવણી કરે છે.કેટલાય મિત્રોને તે અંગેની ચોક્કસ બાબતો અંગેની જાણકારી નહિ હોય.વાત છે વર્ષ ૧૯૭૨ની પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને "વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
આ બેઠકનો હેતુ પણ સ્પષ્ટ હતો.આ બેઠકને જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તારીખ ૫મી જૂને વિશ્વ ભરમાં વિશ્વ પર્યાવરણ દિન'ની ઊજવણી કરવામાં આવે છે.  લક્ષ્યાંકો નિયત કરવામાંઆવે છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે તે માટે પ્રારંભિક રીતે આયોજન થયું હતું..વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.આ ઉપરાંત વિશ્વની દરેક ધર્મ કે સંસ્કૃતિમાં આ માટે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવેલું છે.


પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો હતો.અને આજે પણ તે સૌથી મોટી ચિંતાનો વિષય છે.. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે. એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપત્તિ જાળવવાની સંધિ, વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે સ્થળ પુરતી રહેતી નથી. તેની અસર ધણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે લાંબાગાળાની હોય છે.આ માટે ધીરજ પૂર્વક અને મિશન મોડમાં કામ કરવું જરૂરી થઇ પડે છે.

આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેનું ગૌરવ અનુભવીએ છીએ તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહફાળો છે. દેશનો લાંબામાં લાંબો દરિયાકાંઠો ધરાવતાં રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની બાબતે વિચારીશું તો જોઇ શકાય કે લાંબા દરિયાકાંઠાના કારણે જ રાજ્યના દરિયાકાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે. ખારો રણ પ્રદેશ, ધાંસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારો એ ઉભા કરેલ વિવિધ પરિસર તંત્રો, રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે. ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતી મહી અને તાપી જેવી નદીઓના કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કંઇ નાનોસૂનો નથી. નર્મદાના જળ થકી જ આજે ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.

દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ધાસિયા મેદાનો, અરવલ્લી-સહયાદ્રી-સાતપુડાની ગિરિમાળાઓ, ચેરના વનો જેવા વૈવિધ્ય સભર રાજ્યના પરિસરતંત્રોના પરિણામે રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા સિંહ, ધુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે રાજ્યની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહેલ છે ત્યારે તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.

ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. તદ્‍ઉપરાંત કર્કવૃત્ત આપણા રાજ્યમાંથી પસાર થતું હોઇ સૌર ઊર્જા વિપુલ માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ સૌર ઊર્જાના મોટામાં મોટા સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વિજળી પ્રાપ્ત કરવાના લક્ષને આપણે પ્રાથમિકતા આપી છે. ચાલુ વર્ષે વિશ્વની સૌથી પ્રથમ સોલર સીટી પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલર એનર્જી હબ બનવાની દિશામાં અગ્રેસર રહેલ છે. પ્રદૂષણ મુક્ત ઊર્જા મેળવવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ. પરંતુ વધારેમાં વધારે પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત નંબર-૧ બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય. 

લાકડાનો બાંધકામ અને ફર્નીચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ થાય છે ત્યાં અનેક નવતર વિચારો અને પ્રક્રિયાઓ અમલી બનાવવામાં આવે છે.પર્યાવરણને નુકશાન થાય તેવા અનેક કર્યો આપણે કરીએ છીએ.દીવાસળી એક જ વખત બાળીને તેને ફેંકી દઈએ છીએ.આ દીવાસળી લાકડામાંથી જ બને છે.શું આ લાકડાને બદલે આપણે બીજું કશું ન વિચારી શકીએ?અનેક કર્યો ય્હાયા છે.હજુ વધુ જાગૃતિ કેળવાય તે માટે પ્રયત્નો કરવા જરૂરી છે.માત્ર ઉજવણી કરવાને બદલે તે અંગે ખરેખરી જાગૃતિ કેળવાય તે માટેના આપણે સૌએ પ્રયત્નો કરવા રહ્યા.

લખ્યા તારીખ:૫ જૂન 
('પર્યાવરણ વિચાર' માસિક માટે લખાયેલ લેખની વિગત )

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર