કાગડો અને...એક હતો કાગડો.કાગડો મોજીલો.કાગડો આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર કોપાયમાન થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી સૂચના ; ‘ જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારામાં ફેંકી આવો.રાજાના માણસોએ કાગડાને રાજાજીના હુકમ મુજબ ગારામાં ફેંકી દીધો. કાગડો તો ગારામાં પણ આનંદથી ગીત ગાતો હતો.

‘લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ... લપસણું કરતાં શીખીએ છીએ.’

રાજા અને તેના માણસો નવાઈ લાગી.આ કાગડો તો કેવો છે ? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે ?
રાજા તો લાલપીળો થઇ ગયો.રાજાએ બીજી સૂચના આપી.જાઓ; નાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.

માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા :

‘ કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ... કૂવામાં તરતાં શીખીએ છીએ.’

રાજા કહે : હવે તો આ કાગડાને આથી વધારે કડક સજા કરવી જોઈએ.
પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું :

‘ કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ... કૂંણા કાન વીંધાવીએ છીએ’

રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે ! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે.


પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવાનું શરું કરી દીધું.

‘ કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ... કોયલના ટહુકા સાંભળીએ છીએ.’

પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે

‘મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ... મીઠી ખીર ખાઈએ છીએ’

રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ સૂચના આપી : આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો.છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે :

‘હવે અમે આઝાદ છીએ ભાઈ.... હવે અમે આઝાદ છીએ.’

આટલું ગાઈ કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં ગયો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી