આમ કેમ?

ક્યાંક થાય દિવાળીના દીવા,એ દીવે થાય ક્યાંક હોળી.ચાલો શીખવવાનું સાચું લઈએ સૌ ખોળી.


આજકાલ શિક્ષણ સો ટકા નફો કરતો વ્યવસાય છે.શિક્ષણની દરેકને જરૂર છે.જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે.કોઈ એક વિચારકે લખ્યું છે,‘કે જો આપને આજનું શિક્ષણ મોઘું લાગે છે તો નિરક્ષરતા અપનાવી જુઓ.’એક વખતમાં વાંચવાથી ગમી જાય તેવી આ વાત છે.સૌને લાગે કે જમાના સાથે ચાલવા માટે આ ખૂબ જરૂરી છે.આવક વધી છે.બજાર વૈશ્વિક થયા છે.ચીન કે જાપાનના રમકડાં ભારતના ગામે ગામ છે.હવે તો ખર્ચ કરવો જ  પડે.ભણતર વગર કેમ ચાલે?
શિક્ષણમાં ભારત પછાત.અહીં મેકોલેના પ્રભાવ.શિક્ષણમાં એક ધારી પ્રક્રિયા.યાદ રાખવાની અને ગોખવાની હરીફાઈ. માત્ર કારકુન તૈયાર કરવાની શિક્ષણ પ્રણાલી.એકધાર્યું અને એક સરખું શીખનાર અને શીખવનારનું માળખું.એકસરખો અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ.અહીં શીખનાર અને શીખવનાર વચ્ચે ‘વ’ જાણે વધારાનો છે.આ વચ્ચેના ‘વ’ની સાચી ઓળખ થઇ.નવી શિક્ષણ નીતિથી તેની સાચી ઓળખ થવી શરું થઇ.યશપાલ સમિતિની ભલામણોથી ‘ભાર વગરનું  ભણતર’ અમલી બન્યું.ગુજરાતે એક દસકા પહેલાં શરૂઆત કરી.આખા દેશમાં ગુજરાતે ‘ભાર વગરનું  ભણતર’ ને પ્રથમ અમલી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.આ સમયે અપર એજ્યુકેશનમાં ‘પ્રોજેક્ટ બેઇઝ લર્નિગ’નો વિચાર આવ્યો.અમલ થયો. આજે ‘રાઇટ ટૂ એજ્યુકેશન:૨૦૦૯’ને આધારે બંધારણમાં ભણવાના અધિકારનું સ્થાન છે.આઝાદીના આટલા વર્ષો પછી  પણ બંધારણમાં સુધારો કરી કશુંક નવું કર્યાનો સરકારે આનંદ લીધો. ‘ભાર વગરનું  ભણતર’ અને ‘રાઇટ ટૂ એજ્યુકેશન:૨૦૦૯’નું મિશ્રણ એટલે જાણે ગુજરાતનું શૈક્ષણિક માળખું.સેમેસ્ટર પધ્ધતિ.આજે આ પદ્ધતિ અને તેની આડ અસરો વિષે લખીશું.એ પહેલાં ‘અ’ અને ‘બ’ પ્રસંગ જોઈએ.
પ્રસંગ:અ  
એક છોકરો પ્રાથમિક શાળામાં ભણે.ખૂબ હોંશિયાર.લેખિત પરીક્ષામાં તેને સૌથી વધારે માર્ક્સ આવે.પણ શાળાના વાર્ષિક પરિણામમાં તે ક્યારેય અવ્વલ ન હોય.આ છોકરો સાતમા ધોરણમાં આવ્યો.હવે તો તેને મોટી શાળામાં ભણવા જવાનું હતું.આઠમું ધોરણ ત્યારે હાઇસ્કૂલમાં હતું.છોકરાએ ખૂબ મહેનત કરી.પરિણામ આવ્યું.છોકરો આ વખતે પણ બીજાં નંબરે પાસ થયો.તેને લાગી આવ્યું.છોકરો ઘરે પરત ન ફર્યો.સતત બે દિવસ શોધ કરી.છોકરો ગામની નદીમાં ડૂબ્યો હતો.આ નાના છોકરાએ આત્મહત્યા કરી હતી.પ્રથમ નંબરે આવનાર છોકરાને મરણ પામનાર છોકરાં કરતાં લેખિતમાં ચાલીસ માર્ક્સ ઓછા હતા.સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્યમાં આ છોકરાના માર્ક્સ વધ્યા અને પેલો નદીમાં જઈ ડૂબી માર્યો.
તે વખતે સમાજ ઉપયોગી ઉત્પાદન ને નામે શાળા વિદ્યાર્થીને વર્ષને પ્રવૃત્તિને આધારે માર્ક્સ આપતી હતી.આચાર્ય સાહેબના છોકરાને પહેલો નંબર આપવા એક ખેડૂતના છોકરાને સતત સાત વર્ષ અન્યાય થયો.સમાજને ઉપયોગી છોકરો મરણ પામ્યો.આજે આચાર્ય સાહેબનો છોકરો પાનાનો ગલ્લો ચલાવે છે.
                                                 ***
આજે હાયર એજ્યુકેશનમાં આવી જ  વ્યવસ્થા છે.દસમા ધોરણની જ વાત લઈએ.સો માર્ક્સનું પેપર લખવાનું.સો ગુણ માંથી પ્રાપ્ત થયેલ ગુણના સિત્તેર ટકા ગણવાના.બાકીના ત્રીસ ટકા ગુણ જે તે શાળાએ આપવાના.
                                              ***
પ્રસંગ:બ
બે છોકારીઓં દસમા ધોરણમાં ભણે.એક વેણું અને બીજી ચાર્મી.બંને ભણવામાં હોશિયાર.એક હજારમાંથી માર્ક્સ મેળવવાના.સાતસો લેખિત અને ત્રણસો સંસ્થા આપે.વેણુંને સતાસોમાંથી છસો અને ચાર્મીને છસો ચાલીસ.બોર્ડની માર્કશીટમાં બાકીના ત્રણસોમાંથી  વેણુંને બસો પંચોતેર.ચાર્મીને બસો.હવે કુલ જોવા જઈએ તો વેણુંને એક હજારમાંથી આઠસો પંચોતેર.ચાર્મીને આઠસો ચાલીસ.પરિણામ પછી શહેરમાં કોચિંગ ક્લાસના બોર્ડમાં વેણુંનો ફોટો.નીચે લખ્યું  હતું.૮૭.૫ ટકા સાથે સમગ્ર શહેરમાં પ્રથમ.વેણું આ કોચિંગ ક્લાસના સંચાલકની દીકરી,ભાણી કે ભત્રીજી હોઈ શકે.
                                              ***
આજે હાયર એજ્યુકેશનમાં આવા એક્સ્ટર્નલની બોલબાલા છે.મોટા શહેરો.મોટા હોર્ડિંગ અને મોટી જાહેરાતો માટે શાળા સંચાલકો,શિક્ષકો અને શાળાઓ બધુજ  કરે છે.આવું કરેલું ક્યાંક પ્રસંગ:અ જેવું પરિણામ લાવે છે.એક તરફ બંધારણમાં ભણતરનો ભાર હળવો  કરી બાળકો,વિદ્યાર્થીઓ તનાવ વગર જીવે તેવી વ્યવસ્થા થાય છે.બીજી તરફ આ વિચારને અયોગ્ય રીતે ખૂબ જ સિફતથી વાપરનાર છે.વાહવાહી મેળવે છે.ને તગડી   ફી વસુલ કરે છે.
હજુ સુધી કોઈએ માહિતી અધિકારની મદદથી એવી વિગતો માંગી નથીકે લાખોની ફી વસુલતી કેટલી શાળામાં પચ્ચીસ ટકા બાળકો મફત ભણે છે?અરે હોટલમાં કપરકાબી સાફ કરનાર એકાદને શાળામાં આવવાનુંજ નથી તેવી શરતે તેનું એલસી શાળામાં નોંધાય તેવું બનતું હશે.કદાચ કોઈ સંચાલક આવી હિંમત કરે તો વાલીઓ આવા ગરીબ,સરકારી શાળામાં ભણેલા કે એવા કોઈપણ કારણથી વિરોધ કરે.આમેય આજે વિરોધ કરનાર તુરંત મળે.સહયોગ કરનાર કેટલા?
આજના જમાનામાં કેટલા ગુણ તેનું જ મહત્વ છે.કઈ રીતે આવ્યાં તે કોઈ જોતું નથી.સેમેસ્ટર અમલી બન્યું શિક્ષણનો ભાર હળવો કરવા.પણ આજે હાયર એજ્યુકેશનમાં આ પ્રક્રિયાને જુદી જ રીતે જોવાય છે.અમલી કરાય છે.ખાસ કરીને સમાજ ઉપર હાવી થયેલ ખાનગી શાળાઓ ને આ વધુ લાગુ પડે છે.સરકારી શાળામાં ભણતા બાળકો તો પાસ થાય એ માટે આ ત્રીસ માર્ક્સનો ઉપયોગ કરી ગુરૂજીઓ સંતોષ માનતા હોવાનું જોવા જ મળે છે.જોઈએ આ ઉધઈ કેવું અને કેટલું નુકશાન કરશે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી