અથાણાને નજર લાગી

નાનું ગામ.
ગામનું નામ લોરવાડા. અહીં એક ડોશી રહે.
ડોશીનું નામ જમના.આખું ગામ ડોશી ને જમનાબા કહે.
ઉનાળાના દિવસો હતાં.ઉનાળામાં કેરી આવે. જેને  આવડે તે અથાણું બનાવે. જેણે ન ફાવે તે કોઈને પૂછે.આવા કામમાં બધાય મોટે ભાગે જમનાબાની જ સલાહ લે.
એક દિવસની વાત છે.જમનાબા ફરતાં ફરતાં ભાવનાભાભીના ઘરે પહોંચી ગયાં.અહીં ભાવાનાભાભી રઘવાયાં થઇને અથાણાંના ટુકડાને અહીં-તહીં ગોઠવતાં હતાં. જમનાબાએ જોતાં જ ભાવાનાભાભી કહે: ‘બા,આ વખતે મારું અથાણું બગડી ગયું.’
જમનાબા કહે: કેમ ! મેં તને શીખવેલું તોય?’
ભાવાનાભાભી કહે: ‘હા,તમે કહેલું તેમ જ મેં અથાણું બનાવવા મહેનત કરી.’
જમનાબા કહે :’ના,એવું ન બને...હું કહું તેમ અથાણું બનાવવામાં આવે તો એ બગડે જ નહિ.’
ભાવાનાભાભી કહે : ‘અથાણું બનાવવા મેં બરણી લીધી.બરણી ધોયા પછી કેરીના કટકા કરી તેમાં થોડું મીઠું –હળદર ભેળવી,ઢાંકીને ખૂણામાં મૂકી દીધી.’
જમનાબા કહે: ‘તેં  કેરીના કટકા કરતાં પહેલાં કેરી ધોઈ હતી?’
ભાવાનાભાભી કહે: ‘મારે ઉતાવળ હતી એટલે કેરી ન ધોઈ ’
જમનાબા કહે: ‘હં...એટલે જ....’
ભાવાનાભાભી કહે : ‘હું કેરીનું અથાણું કરતી હતી એ વખતે દાતણવાળી અને તેનું કૂતરું અહીં ઊભા હતાં.’તેની નજર લાગી  અને મારા અથાણાં ને ફૂગ વળી ગઈ.’
જમનાબા કહે: ‘ના,એમ કાંઇ અથાણાંને નજર ન લાગે.’
ભાવાનાભાભી કહે :’તો અથાણાં ને શું થયું?’
જમનાબા કહે: ‘પહેલાં બરણીને ધોવી પડે.તેણે તાપમાં તપાવવી પડે.બરણી ઠંડી પડે તે પહેલાં ધોઈને સાફ કરેલી કેરીના ટુકડાને મીઠા-હળદરમાં ભેળવી આ બરણી ભરવી પડે.’
ભાવાનાભાભી કહે: ‘બરણી સાફ હતી એટલે મેં ન ધોઈ.’
જમનાબા કહે: ‘ગાંડી રે ગાંડી...’તે બરણી ન ધોઈ એટલે એમાં નરીઆંખે ન દેખાય તેવા જીવડાં રહી ગયાં.જો તે બરણી તપાવી હોત તો આ જીવડા મારી ગયાં હોત.’
જમનાબા કહે: ‘કેરીને ધોયા વગર ઉપયોગમાં લીધી એટલે તેના જીવાણું પણ બરણીમાં બંધ થયા.આમ,કેરીનાં અને બરણીનાં જીવાણું ભેગાં થયાં એટલે તારી કેરીનું અથાણું બગડી ગયું.’
જમનાબા કેરીનો ટુકડો હાથમાં લઇ બોલતા હતાં.ભાવાનાભાભી સાંભળતા હતાં.બોખા મોઢાથી કેરીનો ટુકડો ચાખીને જમનાબા કહે: ‘જો આમાં મીઠું અને તેલ ઓછા હોય તો પણ બગડી જાય.તારા અથાણામાં મીઠું પણ ઓછું છે.’
ભાવાનાભાભી  કહે: ‘હં...હવે સમજાયું.મારા અથાણાંને નજર નથી લાગી.મારા મગજમાં કાટ લાગી ગયો છે.’
ભાવાનાભાભીની વાત સાંભળી જમનાબા કહે:’ હા,સાચી વાત છે.તારા મગજમાં કાટ છે.એમ કાંઈ અથાણાંને નજર લાગતી હશે...?’
જમનાબા અહીંથી વાત કરતાં પસાર થયાં અને ભાભી અથાણાં પાસે બેસી તેમને  જતાં જોતાં હતાં.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી