અને બન્યા સરદાર ...કરમસદના એક ખેડૂત.ઝવેરભાઈ પટેલ તેમનું નામ. લાડબાઈ અને ઝવેરભાઈનો ચોથો પુત્ર વલ્લભ. વલ્લભનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો. ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫.આ દિવસે આ ચોથા દીકરાનો જન્મ થયો.ભારતના ઇતિહાસમાં આ તારીખને વલ્લભભાઈ  પટેલની જન્મ તારીખ તરીકે ઉજવવામાં આવે છે. આ વલ્લભ ઝવેરભાઈ પટેલ.અખંડ ભારતના સર્જક.ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન.આપણા સૌના સરદાર. ભાગ્યે જ કોઇને ખબર હશે કે સરદારનો આ ખોટો જન્મદિવસ છે!! 
સરદારના મોટાભાઇ એટલે કે વિઠ્ઠલભાઇ પટેલ સાત વર્ષના હતા અને શાળામા દાખલ થઇ ગયેલા. સરદારને નવ વરસ સુધી શાળા નસીબ નહોતી થઇ!! શાળામા જ્યારે પહેલવહેલી જન્મદિવસની જરૂર ઉભી થઇ ત્યાં સુધી સરદારને પણ ખબર ન હતી કે મારો જન્મદિવસ કયો છે! જ્યારે ફોર્મ ભરવા માટે શિક્ષકે પૂછ્યુ ત્યારે  ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ તારીખ મનમાં આવી.આજ વલ્લભ ઝવેરભાઈ  પટેલે લખાવી દીધી...!આવું  હાજર જવાબી પણું સરદારને જ સૂઝે.આવું હાજરજવાબી પણું તેમના જીવનમાં આજીવન ચાલ્યુ. આજે પણ આપણે એ જ તારીખ ઉજવીએ છીએ! સત્ય હમેશા આંચકો આપે છે.સત્ય એ છે કે વલ્લભભાઈ પટેલના  જન્મ અંગે કોઇ જ નોંધ નથી. એમના પરિવારે પણ બાકીના ભાઇબહેનોની વિગત રાખી છે, વલ્લભભાઈની નહી.!! એમની સાથે અન્યાય જાણે કે જન્મથી જ શરુ થઇ ગયેલો. જે જાહેર જીવનમાં અને અનેક જગ્યાએ જોવા મળ્યો  છે.

વલ્લભભાઈ પટેલનો સમાજ છ ગામનો ગોળ.આ ગોળ વિસ્તારમાં  સૌથી વધુ મોભાદાર ગણાતો.. કરમસદ, સોજિત્રા, નડિયાદ, ધર્મજ, વસો, અને ભાદરણ.આ છ ગામમાં જ લગ્ન થઇ જાય  એ પરિવાર પ્રતિષ્ઠિત ગણાય.પરંતુ સરદારના લગ્ન ગાના નામના ગામમા થયેલા! વાહ રે ઇતિહાસ વાહ...આખા જિલ્લાની આગેવાની કરવા માટે ગાંધીજી એ લાખો કાર્યકરોની ફોજમાંથી જે વલ્લભભાઈ પટેલ પસંદગી કરેલી.આ જ જીલ્લાના પાંચ ગામોએ એમને કન્યા ન આપી!?!
આવા અનેક પ્રસંગો એવા છે કે જે આપણને વલ્લભભાઈ પટેલની વાત કહી જાય.એક રાજનેતા અને લોક પુરુષ સાથે લોહ પુરૂષ એટલે સરદાર.સરદાર એટલે સાચા સરદાર.વલ્લભભાઈ પટેલને સરદારનું બિરૂદ મળ્યું તે લડતની અહીં વાત છે.
અસહકારના અંદોલન વખતે બારડોલી મુખ્ય કેન્દ્ર બન્યું હતું. બારડોલીના ખેડૂતોને ગોરી સરકાર આર્થિક રીતે તોડી નાખવા માગતી હતી.આ કારણે આ વિસ્તારના ખેડૂતોનું વીસ ટકા મહેસૂલ વધારી દીધું.લોકોમાં વિરોધ જાગ્યો.સરદારે આખા કેસની તપાસ કરી.ગાંધીજીને વાત કરી.બાપુએ સહમતી આપી.આખી લડત માટે અન્ય સાથીદારોની  પણ તેમણે પસંદગી  કરી.આ સાથીઓ સાથે વાત કરતાં સરદારે તેમણે ચેતવણી આપી ‘જોખમ છે,જે જોખમ ઉપાડી શકે તે જ મારી સાથે આવે.આ લડત હારવાથી સહુનું ભવિષ્ય બગડશે.’
સહુ સાથે તૈયાર થયા.પ્રતિજ્ઞા લેવાઈ.સરકાર સાથે ચર્ચા કરી.છેવટે ૧૨ મી ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે એક અનોખું અંદોલન શરું થયું.એક ખેડૂત સેના તૈયાર થઇ.એક પણ પાઈ મહેસૂલ ને નામે ન આપવાનો ઠરાવ થયો.એક બાજુ પજવણી  કરતી સરકાર અને એક તરફ ખેડૂતસેના. શિસ્ત,દ્રઢતા,નમ્રતા અને વલ્લભભાઈ પટેલમાં શ્રધા.ખરાખારીનો જંગ જામ્યો.
સરકારી દમન ચાલ્યું.સરકારે કોરડો ઉગામ્યો.સરકાર લૂંટફાટ કરતી હતી.સરકારે ખેડૂતોના ઘરને આગ લગાડી.મિલકતોની  હરાજી કરાવી.સરકારની  કનડગત સામે પ્રજા વલ્લભભાઈ પટેલમાં વિશ્વાસ રાખી અડગ રહી.સરકારે માણસોની સાથે ભેંસોને પણ જેલમાં પૂરી.સરકાર અરે! આખી ગોરી સલ્તનત હવે બેબાકળી બની  હતી.

લડત ચાલતી...
સભાઓ યોજાતી...
વલ્લભભાઈની  વાત જીલાતી...

આ આંદોલન સરદારની આગેવાનીમાં હતું.તે સભાઓ ભરતા અને લોકોને સાથે જોડતા.લોકોને મજબૂત કરતા.એક વખત વાલોડ ખાતે સભા ભરાઈ હતી. વલ્લભભાઈ પટેલ સભામાં ભાષાણ કરતાં હતા.પોલીસ થાણાની સામે જ સભાનું આયોજન હતું.વલ્લભભાઈનું ભાષાણ પૂરું થયું. સરદાર બેસવા જતા હતા.જેલમાં પૂરેલી ભેસો ભાંભરી. સરદાર કહે : ‘સાંભળો આ ભેંસોની રાડો.પત્રકારો લખજો કે હવે તો ભેંસો પણ રડો પડી ને સરકારની સામે બોલે છે.’

આવી હળવાશની સાથે ....લોકોની  વાતે લડત ચાલી.લોકોનો જુસ્સો વધતો હતો.સરકાર નરમ પડતી હતી.આવી અદભૂત લડત જોવા કનૈયાલાલ મુનશી બારડોલી આવ્યા.તેમણે બધું જોયું.મુંબઈ સરકારને લેખિત બયાન મોકલ્યું.તેમાં લખ્યું હતું; ‘એસી હાજરના કુલ જથ્થામાં બાળકો,મહિલાઓ અને પુરૂષો અડગ છે. અરે ! એવો વિરોધ કે જપ્તી અમલદારો ને હજામત કરાવવા માટે પણ માઈલો સુધી જવું પડે છે.’ કનૈયાલાલ મુનશી એ નોધ્યું હતું કે રેલવે સ્ટેશને સાધન નથી.કોઈ દુકાન ખુલ્લી નથી.આવું અનેક દિવસોથી ચાલે છે. પોતાની આ લડતમાં કોઈ દિલગીર નથી.વલ્લભભાઈ જ્યાં જતા ત્યાં સૌ નાનાં મોટા તેમનું સ્વાગત કરતાં.પોતાની પાસે હોય તે બધું જ આપવા માટે તૈયાર સૌ વલ્લભભાઈની જોળીમાં કશુક ને કશુંક આપતા.’

આવું સચોટ અને સ્પષ્ટ બયાન સરકારને લખી કનૈયાલાલ મુનશીએ મોકલાવ્યું. કનૈયાલાલ મુનશીએ  સરકારને લખ્યું કે સરકારી અહેવાલ મુજબ આ ચળવળ થોપી દીધી છે પણ તે સરકારનું જુઠ્ઠાણું છે.
આ પત્રની અસર થઇ.સરકાર ઉપર આ પત્રનો પ્રભાવ પડ્યો.સરકારે વાટાઘાટો ની તૈયારી બતાવી.ગાંધીજી એ પણ બારડોલીની મુલાકાત લીધી.કેટલાંક ખેડૂતો બાપુને મળ્યા.સરકારની બંદુક સામે લડવા અને મારવા તૈયાર આ પ્રજા વલ્લભભાઈ ને છોડવા કે આ લડત છોડવા તૈયાર ન હતી.
વલ્લભભાઈના  આ અનોખા અંદોલન સામે સરકારે નમવું પડ્યું.મહેસુલના વીસ ટકા વધારાની ફેર વિચારણા માટે તપાસનો હુકમ થયો.જપ્ત કરેલી મિલકતો પરત કરવાનો હુકમ થયો.સરકારે છુટા કરેલા મુખી અને તલાટી ને નોકરીએ લેવાયા.એક અનોખી અને ગજબનાક સિધ્ધી વલ્લભભાઈને મળી.આ બારડોલી સત્યાગ્રહ સફળ થયો.એક જાહેર સમારંભમાં ગાંધીજીએ વલ્લભભાઈ ને પ્રજાના સાચા રાહબર અને ‘સરદાર’ કહ્યા.વલ્લભભાઈ ઝવેરભાઈ  પટેલને સરદારનું બિરુદ મળ્યું.ગુજરાતના વલ્લભભાઈ હવે આખા ભારતના ‘સરદાર’બન્યા. 

ડૉ.સંજય ત્રિવેદી

અમદાવાદ
(એક લેખમાંથી)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી