નીડર સરદાર...અડગ સરદાર...


વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ.સૌ તેમને સરદાર તરીકે ઓળખે છે.તેમનો જન્મ ૩૧ મી ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ થયો હતો.આખા દેશને અખંડ બનાવનાર આ શિલ્પીએ ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ દેહ છોડ્યો.એક સરદારી યુગનો અંત આવ્યો.ગાંધીજી એ તેમને  સરદારનું બિરૂદ આપ્યું હતું.આ બિરૂદ તેમને ૧૯૨૮ મા મળ્યું.બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમણે આ બિરુદ અપાવ્યું.

માત્ર બિરૂદ મળવાથી કશું થતું નથી.ચોક્કસ વલણ કેળવાયેલું હોય તોજ કામ કરી  શકાય.વલ્લભભાઈ પટેલ નાના હતા ત્યારથી જ એક નોખા સ્વભાવના હતા.દરેક બાબતે તેમનું વલણ સ્પષ્ટ હતું.આવી અનેક બાબતો પૈકી કેટલીક વાતો આપણે અહીં  જોઈશું.

જતો રહું છું...

વલ્લભભાઈ ભણતા હતા તે સમયની આ વાત છે.ગણિતના શિક્ષક કોઈ દાખલો કરાવતા હતા.કોઈ રીતે આ દાખલાનો જવાબ બેસતો ન હતો.વલ્લભભાઈ એ ઊભા થઈને સાહેબને પૂછ્યું: ‘તમને આ દાખલો નથી આવડતો?’આ પ્રશ્ન સાંભળી શિક્ષક ચિડાયા.શિક્ષક કહે: ‘તને આવડતો હોય તો તું જ શીખવ ને...તું જ શિક્ષક થઇ જા.’

જરાપણ રાહ જોયા વગર વલ્લભભાઈ એ આ દાખલો બેસાડી દીધો.દાખલો કરી લીધા પછી પોતાની જગ્યાએ આવીને બેસવાને બદલે તે શિક્ષકની ખુરશી પર જઈને બેસી ગયા.શિક્ષક ખીજાયા.તેમણે હેડમાસ્તરને ફરિયાદ કરી.હેડમાસ્તરે વલ્લભભાઈ ને પૂછ્યું: ‘તે આવું કેમ કર્યું?’વલ્લભભાઈ કહે: ‘તેમણે કહ્યું એટલે મેં દાખલો કર્યો અને ખુરશી પર બેઠો.’

હેડમાસ્તર બધું સમજી ગયા.શિક્ષકની જ ભૂલ હતી.છતાં તેમણે વલ્લભભાઈ ને કહ્યું: ‘હવેથી તું આવું કરીશ તો....તને નિશાળમાંથી કાઢી મુકવામાં આવશે.’

વિદ્યાર્થી વલ્લભભાઈ કહે : ‘સાહેબ આપે મને કાઢી મુકવાની જરૂર નથી.હું જ આવી નિશાળમાંથી જતો રહું છું.’સરદાર મોટા ચમરબંધીને પણ પોતાની સાચીવાત જણાવી દેતા.વિદ્યાર્થી અવસ્થાથી જ પોતાની સાચી વાતને જણાવવામાં કોઈનો ડર તે રાખતા ન હતા.

શિક્ષક માફી માંગે...

એક દિવસની વાત છે.વલ્લભભાઈના શિક્ષક વર્ગમાં ભણાવવા આવ્યા જ નહિ.તે અન્ય સાથી શિક્ષક પાસે વાતો કરતા ઊભા હતા.વલ્લભભાઈની આગેવાનીમાં વર્ગના બાળકોએ ગાવાનું શરું કર્યું.છોકરાંનો ગાવાનો અવાજ સાંભળી શિક્ષક દોડતા દોડતા આવ્યા.તેમણે વિદ્યાર્થીઓને ધમકાવ્યા.
શિક્ષકની આ ધમકી વલ્લભભાઈને ઠીક ન લાગી.વલ્લભભાઈ કહે: ‘એક તો તમે વર્ગમાં ન આવ્યાં અને અમને ધમકાવો છો?તમે બહાર ગપ્પાં મારતા હતા એટલે અમે ગીત ગાયું.અમે ગીત ન ગાઈએ તો શું રાડો પડી ને રડીએ?’

શિક્ષક આ વિદ્યાર્થીના અવિવેકથી ખિજાયા.શિક્ષકે વલ્લભભાઈ ને વર્ગની બહાર જવાની સજા કરી.વલ્લભભાઈ શિક્ષકના કહેવાથી પુસ્તકો લઇ બહાર જવા ઊભા થયા.તેમની સાથે વર્ગના બધા જ વિદ્યાર્થી પણ બહાર નીકળી ગયા.શિક્ષકે હેડમાસ્તરને ફરિયાદ કરી.રજૂઆત કરી.હેડમાસ્તરે છોકરાં ને બોલાવી શિક્ષકની માફી માંગવા કહ્યું.

વલ્લભભાઈ કહે : ‘સાહેબ,આતો ચોર કોટવાલને દંડે તેવી વાત થઇ.અમારો વાંક નથી.વાંક આ માસ્તરનો છે.જો માફી માંગવાની જ હોય તો માફી માસ્તર માંગે.’હેડમાસ્તર સમજી ગયા.તેમણે આ વિદ્યાર્થીઓની સામે જ શિક્ષકને કડક શબ્દોમાં સૂચના આપી.તેમણે વિદ્યાર્થીઓને વર્ગમાં જવા કહ્યું.વલ્લભભાઈ સાથે બધા જ વિદ્યાર્થીઓ મલકાતા,ખૂશ થતાં પોતાના વર્ગમાં ગયા.સાચી બાબતમાં કોઈથી ન ડરવાની વાત નાનપણથી જ પોતાની સાથી તરીકે અપનાવી હતી.નિર્ભયતાનો ગુણ તેમનો સદાય સાથી હતો. 

ધીરજની કસોટી...

વલ્લભભાઈ વકીલાત કરતા હતા.પોતાની આગવી કુનેહથી તે વકીલાત કરતાં.આ કારણે તેમની  વકીલાત ખૂબ જ ચાલતી હતી.એક નામચીન વકીલ તરીકે તેમની ઓળખ થઇ ગઈ હતી.એક દિવસની વાત છે.વલ્લભભાઈ અદાલતમાં હતા.એક કેસનો મુકદમો ચાલતો હતો.જો જરાક પણ ભૂલ કે બેદરકારી રાખવામાં આવે તો કેસ હારી જવાય તેમ હતું.વલ્લભભાઈ અદાલતમાં દલીલો કરતાં હતા.સતત દલીલો કરતાં હતા એવામાં એક વ્યક્તિ તેમને તાર આપવા આવી.વલ્લભભાઈ એ તાર લીધો.વાંચીને તેને ખિસ્સામાં મૂકી દીધો.

અદાલતનું કામ પૂરું થયું.સાથી વકીલે પૂછ્યું : ‘શેનો તાર હતો?’વલ્લભભાઈ એ શાંત ચિત્તે કહ્યું: ‘મારી પત્નીના મૃત્યુના સમાચાર હતા.’સાથી વકીલ કહે : ‘આવા સમાચાર સાંભળી ને પણ તમે કેસ લડતા રહ્યા?’વલ્લભભાઈ કહે : ‘એમાં શું થઇ શકે? એ તો જતી જ  રહી.શું અસીલને પણ મરવા દઉં?’તેમના પત્નીનું અવસાન થયું ત્યારે વલ્લભભાઈની ઉંમર માત્ર ચોત્રીસ વર્ષની જ હતી.તેમણે સમાજ અને પરિવારના દબાણ છતાં ફરીથી લગ્ન ન જ કર્યા.

આવી ધીરજ અને કામ પ્રત્યેની નિષ્ઠા જ તેમણે વલ્લભ ઝવેરભાઈ પટેલમાંથી થી સરદાર બનાવી શકી.

ઇતિહાસમાં નોધાયું છે કે વલ્લભભાઈની ચાકરી મણીબેન કરતાં હતાં.મણીબેન તેમના દીકરી.સરદાર પટેલ દેશ માટે જીવતા હતા.મણીબેન સરદાર પટેલ માટે જીવતાં હતાં.મણીબેને લગ્ન કર્યા ન હતાં. તેમની સાડી ને તે થીંગડા મારી પહેરતા.એક વાર મહાવીર ત્યાગીએ પૂછ્યું : ‘મણીબેન તમે કેમ આવી ફાટેલી અને થીંગડા વાળી સાડી પહેરો છો?’આ વાત સાંભળી ને મણીબેન કહે:હું જાતે કાંતેલી સાડી જ પહેરું છું.મુલાકાતી અને અન્યો ને સાચવવામાં,બાપુજીનું કામ કરવામાંથી નવરાશ મળે ત્યારે રેટિયો કાંતિ શકું.હમણાંથી સમયને અભાવે રેટિયો કાંતિ શકાતો નથી એટલે આ થીંગડું મારીને પહેરી લીધું.

સરદારની સાદાઈ અને દેશ સેવાની  નિષ્ઠા તેમના પરિવારમાં પણ હતી.આવા સરદારને આજે અનેક ગુણો માટે યાદ કરવામાં આવે છે.પણ તેમનો સૌથી મોટો ગુણ એટલે નીડરતા.કહેવાય છે કે નીડરતા જ બધા ગુણોનો વિકાસ કરે છે.આવા નીડર અને અડગ સરદાર એ માત્ર ગુજરાતનું જ નહિ આખા દેશનું ગૌરવ છે.


31.09.2013

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી