બાલમંદિરના આંગણમાં વાડીનાં ફૂલ


आज नन्हे हाथोको चांद सितारे छूने दो, दो चार किताबे पढकर वो भी हम जैसे बन जायेंगे !


અત્યારના જમાનાનું શિક્ષણ. કોઈ કહે ‘ મોંઘુ’. કોઈ કહે ‘ ગોખણીયું ‘. કોઈ કહે ‘ જરૂરી ‘.કેટલાંક કહે:’હવે બધા કરે તેમ કરવું જ પડે’.ક્યાંક કોઈના વાદે કે ક્યાંક જરૂરીયાત માની સૌ શિક્ષણને મહત્વ આપે છે.સાચી વિકાસની કલ્પના શિક્ષણ સાથે જ જોડાયેલી છે.ગામડું હોય કે શહેર સૌને શિક્ષણની સરખી જરૂર છે.સૌ શિક્ષણને પોતાની રીતે મહત્વ આપે જ છે.તે જરૂરી પણ છે. અને જરૂરી હોવું પણ ખૂબ જરૂરી છે.આજે શિક્ષણની ગંભીરતા પણ વધી છે.માંગ પણ વધી છે અને તેની અસરકારકતા પણ વધી છે.
 બાળકનો  ઘરમાં જન્મ થાય,સૌ ખુશ થાય.આટલી જ ખૂશી બાળકને બાલમંદિરમાં  પ્રવેશ મળે ત્યારે ઘરમાં સૌને થાય છે.  બાલમંદિર અને તેના સંચાલકો અનેક પ્રકારની જાહેરાતો કરી વાલીઓને પોતાની તરફ આકર્ષે છે.આવા ખરા કે ખોટા આકર્ષણો સાથે વાલીઓ પોતાના બાળકને જે તે બાલમંદિરમાં પ્રવેશ અપાવે છે. બાલમંદિરમાં પ્રવેશ મળ્યાં પછી બાળકોને કઈ રીતે શીખવવામાં આવે છે. નાના બાળકના વાલી ક્યારેક જોવા,જાણવા કે ન સમજાય સંસ્થા કે બાલમંદિરમાં પૂછવા જાય છે.
બાળક ફૂલ છે.શિક્ષક તેનો માળી છે.આ માળી કેવું ખાતર આપે છે?શું આપણે તે જાણીએ છીએ?હમણાં થોડા સમય પહેલાં બરોડાના એક મસમોટું નામ ધરાવતા બાલમંદિરમા વાલીઓ સાથે સંવાદ કરવા મને આમંત્રણ મળ્યું .હું ગયો. મારા વક્તવ્ય પછી પ્રશ્નોત્તરી હતી.એક બેન ઊભા થયા.તે મને કહે: ’સાહેબ મારી બેબી એક થી પાંચ લખે છે.હું તેને છ લખવાનું કહું ત્યારે તે મને કહે છે:’ મમ્મી છ એટલે ઉંધો બગાડો?’આ બેન આ મસમોટી ફી લેતા બરોડાના બાલમંદિરમાં ભણતી બેબીનાં મમ્મી હતાં.તેના ટીચરે ખૂલાસો કર્યો કે આ રીતે જ તેને યાદ રહે છે.એટલે મે આવું કર્યું.આ રીતે છ લખતા શીખવ્યું.
સવાલ એ નથી કે બાળકને કઈ રીતે યાદ રહે છે.સવાલ એ છે કે અહીં બાળક યાદ રાખવા આવતું જ નથી.બાલમંદિરના બાળકને તો માત્ર અનુભવો આપવાના કે પૂરા પડવાના હોય છે. રંગ,ગંધ,સ્વાદ,ગરમ,ઠંડું,લાંબ,ટૂકું.જાડુ કે પાતળું.અહીં મારે બાળ મંદિરના અભ્યાસક્રમ વિષે લખવાનું ન હોઈ હું વધારે લખતો નથી.
અહીં વાત છે બાલમંદિરના બાળકો સાથે કઈ રીતે કામ કરવું.મને ધ્યાન છે કે આ લેખ બાલમંદિરના શિક્ષકો નહિ પણ બાળકોના વાલીઓ વાંચશે. અરે! શૂન્યથી ત્રણ વર્ષના બાળકો સાથે શું કરી શકાય?કેવું કામ લઇ શકાય?તેમણે કેવા અને કઈ રીતે અનુભવો આપી શકાય?આ અને આવી અનેક બાબતો છે.આ બધી જ બાબતો ત્રણ થી છ વર્ષના બાળકો માટે પણ એટલીજ અલગ હોય છે.બાલમંદિરમાં બાળકોને સર્વાંગી વિકાસમાટેના અનુભવોઆપવાના હોય છે. પણ મોટાભાગના બાલમંદિરમાં બાળકોને ધોરણ એક કે તેના કરતાં વધારે શીખવવામાં આવે છે.માત્ર ગોખાવીને બાળકોને તૈયાર કરવામાં આવે છે.આ ઉંમરે બાળકોના ગમા અને અણગમા પ્રત્યે શિક્ષક ધ્યાન રાખવાનું હોય છે. બાલમંદિરના શિક્ષકે યોગ્ય વાતો અને વાતાવરણ મારફતે વ્યક્તિગત અણગમા તરફથી તે તરફ ગમતું વાતાવરણ આપવાનું હોય છે.અણગમા તરફથી બાળકને વ્યક્તિગત ગમવા તરફ લઇ જવાનું કામ બાલમંદિરમાં કરવાનું છે.શું આવું ત્યાં થાય છે?
બરોડાની દીકરીની વાત થઇ કે તે છ ને ઉધો બગાડો સમજે તો જ લખે છે.હવે વિચારો જો તેની આ સમજ પાકી થઇ જાય તો??? ટ અને ડ.હવે ઢ અને ઠ.અરે! દ અને ૩ (ત્રણ) આ બધી જ વાતો.એક તે ટીચર કઈ રીતે શીખવશે?આ ઉંમરના બાળકને એકલું રમવું,સમૂહમાં રમવું.પોતાના વિષે અને અન્ય વિષે વાતો કરવી.પોતાની વ્યક્તિગત વાતો અન્યને સંભળાવવી.રમકડાં સાથે રમવું તેનું સમારકામ કરવું.પઝલ્સ અને તેવા રમકડાંથી નવું બનાવવું.પોતાના સર્જન વિષે બધાને કહેવું.પોતાની સમજ મુજબ જ રહેવું.સ્વમાન જળવાય તે રીતે વર્તનની અપેક્ષા રાખવી.આ અને આવું તેને ગમે છે.તેને ફાવે છે.
શું આ બધું મોટી માસ ફી લેતા બાલમંદિરમાં કે સરકારી બાલમંદિરમાં થાય છે? આ ઉંમરના બાળકોને હાથ અને તેની આંગળીઓ કેળવાય તેવી પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે.આ વાત એનસીઈઆરટી ધ્વારા જાહેર કરેલ early child hood education  programme:2009 ના ડોક્યુમેન્ટમાં પણ છે.
બે મહિના પહેલાં પૂના ખાતે ફરગ્યુસન કોલેઝમા એક કાર્યશાળા સમ્પન થઇ.મારે બાળકોની પ્રવૃત્તિઓ વિષે બોલવાનું હતું.મારું વક્તવ્ય પૂર્ણ થયું.પછી રાજસ્થાનથી શ્રી રામસિંહ પાલ આવ્યાં.તેમણે એક સંશોધન પેપર રજુ કર્યું.તેની વિશેષતા એ હતી કે જે બાળકો શહેરમાં જીવે છે તેમના કરતાં ગામડામાં મોટા થયેલ બાળકોના અક્ષર સારા હોય છે.આ માટે તેમણે પાંચ હજાર શહેરી અને પાંચ હજાર ગામડાંના બાળકો ઉપર સંશોધન કર્યું હતું.આ સંશોધનમાં છોકરાઓ કરતાં છોકરીઓના અક્ષર વધારે સારા હોવાનું પણ તારણ હતું. આ વાતને ઠોસ કરવા તેમણે કહ્યું કે ‘ ગામડાના બાળકોના હાથ,આંગળા અને ટેરવા શહેરના બાળકો કરતાં વધારે કેળવાય છે.તે વધારે કામ કરે છે.છોકરા કરતાં છોકરીઓના અક્ષર બાબતે પણ આજ દલીલ તેમના સંશોધનમાં તેમણે આપી હતી. ’
બાલમંદિરનું બાળક આંગણાની વાડીનું ફૂલ છે.એ આંગણું આપણું ઘર છે.અહીં બાલમંદિરના સંચાલકો કે શિક્ષકો શું કરે છે તે વાત કરવાથી આપણે કોઈને સુધારી શકવાના નથી. હા,આપણા આંગણાના ફૂલ માટે આપણે શું કરી શકીએ તે અહીં ચોક્કસ લખી શકાય. આપણે આપણા આંગણાના ફૂલ માટે ઘરે શું કરી શકીએ તે વિષે મને અહીં લખવું ગમશે.
આટલું કરીએ....
ઘરે બાળકો સાથે વાત કરીએ.બલકે શાળામાં શું કર્યું તે ને બદલે આ ઉંમરના બાળકને ઘરે શું કરવું ગમે છે તે અંગે તેની સાથે વાત કરીએ.ઘરમાં શું વાપરીએ છીએ અને તે સુવિધા ન હોય તો શું અગવડ પડે તે અંગે વાત કરીએ.તેના કપડાં,રમકડાં,શાળાની સામગ્રી અને તેની બનાવટ વિષે વાત કરીએ.ઘરના નાના મોટા કામ તેની જોડે કરાવીએ.
જેમ કે...



*કપડાં વળવામાં બાળકની કાયમ  મદદ લઈએ.

*કપડાંના બટન બાળકને હાથે  ખોલબંધ કરાવીએ. 

*ઘરની સામગ્રીની બાળક પાસે ગોઠવણ કરાવીએ.

*દર્પણની સામે બાળકને ઊભા રાખી વાત કરાવીએ.

*શાકભાજી અને ફળને ધોવાની જવાબદારી આપીએ. 

*રસોડાની વિવિધ સામગ્રીનો તેને પરિચય કરાવીએ.

*ઘરે મહેમાન આવે ત્યારે સ્વાગતમાં બાળકને જોડીએ.

*શીખેલ મુદ્દાને ઘરમાં પ્રવૃત્તિ અને  ચર્ચાથી ચકાસીએ. 

*બાળક ઘરે આવે ત્યારે તેની બહારની વિગતો જાણીએ.

*વાર્તાને આધારે વાર્તાને અંતે બાળકને ટૂંકા પ્રશ્નો કરીએ. 

*બાળકને અડધી વાર્તા કહી તેનો અંત બાળક પાસેથી જાણીએ . 

*બાળકોના મિત્રો અને તેને ગમતી બાબતોથી પરિચિત થઈએ. 

*ઘરના વિવિધ કામમાં બાળક પાસે કાયમ અવલોકન કરાવીએ.બાળકને વાર્તા કહીએ.

*આવા વિવિધ મુદ્દાઓ સાથે બાળકોને જાણ ન થાય તે રીતે તેને પ્રોત્સાહન આપીએ. 

*બાળકો સાથે દરેક વખતે માત્ર ભણાવવાની કે તેને શીખવી દેવાની વાતો ન કરીએ.



બાળક ઘરમાં જે જુએ છે તે જ પ્રમાણે તે બહાર વર્તન કરે છે.આપણું બાળક તો  ઘરના આંગણાનું ફૂલ છે.આપણે ઘરના આ ફૂલના માળી તરીકે જરૂર પૂરતું જ ખાતર(માર્ગદર્શન) પાણી (સુવિધા)અને જાળવણી (ટકોર કે દેખરેખ) રાખીએ.આપણું બાળક હોય.બાલમંદિરમાં જતું હોય અને પરત આવે એટલે આપણે તેને ફરી પાછા ભણાવવા કે તેના જેવા જ અન્ય કામ માટે મંડી પડીએ તો આ ફૂલછોડ ખીલવાને બદલે કરમાઈ જ જાય. સુકાઈ જાય કે વિકાસ ન પામે તે માટે મફત થી લઇ લખો રૂપિયા ફી લેતી શાળા કે બાલમંદિર નહિ આપણે જ જવાબદાર ઠરીએ.

શાળાઓ તો માતા પિતાની વધારે પડતી અપેક્ષાઓને સામે ધરીને વાત કરે છે.કામ કરે છે.કદાચ આ દલીલ પણ ખોટી હોય.અહીં આપણે શું કરી શકીએ તે મહત્વનું છે.

અહીં આ લખાણને અંતે એટલુતો ચોક્કસ લખીશ કે બાળક ભૂલ કરે કે તેનું કામ  ભૂલ ભરેલું હોય.તેને આ ભૂલ માટે ટોકવાને બદલે.ઠપકો આપવાને બદલે કે સજા કરવાને બદલે ઘરના આ છોડને વહાલથી,પ્રેમથી કે બાળકને ગમે તે રીતે સમજાવવાનું રાખીએ.એ ન સમજવું કે આજે તમે વિશાળ ઝાડ છો. તમે ફળ આપો છો. છાંયડો આપો છો.

આ બધું જ આપનું બાળક પણ કરશે.ફરક માત્ર એટલો છે કે આજે આ છોડ છે.તેને ઝડપી વિકાસ કરવાના સ્વપ્નોને બદલે ધીરેધીરે યોગ્ય ગતિએ,પોતાની ઝડપે વધવાનું વાતાવરણ આપીએ.બાળકને યોગ્ય રીતે વિકસવાની તક આપીએ.


એક વાત :બાળકને શીખવો નહિ પણ તે જાતે શીખવા પ્રેરાય તેવું વાતાવરણ પેદા કરો.






Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી