આઈસ્ક્રીમની અનોખી વાતો

મમ્મી અને પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવે,વધુ પડતો આઈસ્ક્રીમ દવાખાને પહોચાવે.


આ ગરમી તો ભાઈ તોબા.આવી ગરમી તો ક્યારેય પડી નથી.કેમ આટલી બધી ગરમી પડતી હશે?આવી વાતો અને સંવાદો આપણે દર વર્ષે સાંભળીએ છીએ.આ જ વાતો અને આવા જ  વિધાનો.ગરમી  આવે એટલે સૌને સંભાળવા મળે છે. આ વખતે એ.સી. અને એરકુલર ની જાહેરાતો શરું થાય છે.સૌથી ઓછા વીજ વપરાશની  સાથે સૌથી વધુ ઠંડક આપવાની વાતો અને જાહેરાતો સૌ જુએ અને સંભાળે છે.હું મારા વાચકોને આવી વાતો કરવાનો નથી. અહીં  આજે આપણે એક એવી ખાદ્ય સામગ્રીની વાત કરીએ છીએ જે મોટેરાની  સાથે નાના બાળકોને પણ એટલીજ ગમે છે.

ઇતિહાસમાં નજર કરતાં જણાય કે આઇસક્રીમનું વલણ અને ચલણ વર્ષોથી વધતું રહ્યું છે.દિવસે દિવસે આઈસ્ક્રીમની માંગ વધતી જાય છે.આઈસ્ક્રીમના માર્કેટમાં ખૂબ મોટા પરિવર્તનો પણ આવે છે.પોતાની પ્રોડક્ટને વધુમાં વધુ  લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ કંપનીઓ અવનવા પેતરા કરે છે.દુનિયામાં આઈસ્ક્રીમની સૌથી જૂની કંપની બસ્કીન રોબીન્સ જેવા ઉત્પાદકો આઈસ્ક્રીમ ખાવાની  સ્પર્ધા રાખે છે.જે વ્યક્તિ ઓછા સમયમાં વધુ  આઈસ્ક્રીમ ખાય તે વિજેતા બને છે.અહીં સ્પર્ધકોને મફત આઈસ્ક્રીમ આપવામાં આવે છે.આવી અનોખી સ્પર્ધા અને તેની સફળતા જોઈ અનેક ઉત્પાદકો પણ આવી સ્પર્ધાઓ રાખે છે.

આજે આપણે અહીં આઈસ્ક્રીમ સાથે જોડાયેલી વાતો જોઈશું.તબીબો કહે છે કે આઈસ્ક્રીમ વધારે પ્રમાણમાં ખાવાથી જઠર અને જીભ એટલા ઠંડા થાય છે કે તે અસહ્ય થઇ પડે. જઠરમાં એકદમ ઠંડક થવાથી તેની ચયાપચનની ક્રિયાને અસર થાય છે.આ થઇ તબીબોની  વાત.પણ આવીઅનેક વાતો અને સૂચનોને પણ ખાઈ જનાર પડ્યા છે.

૧૯૭૦ની વાત છે.ઓસ્ટ્રેલિયા ના બ્રિસ્બેન ખાતે એક ખાઉધરાએ કમાલ કરી.૨૭ મી એપ્રિલના દિવસે ફક્ત ત્રીસ મીનીટમાં ચાર કિલોગ્રામ આઈસ્ક્રીમ ખાઈ લીધો.અરે કહોને કે તે માત્ર અડધો કલાકમાં આ આઈસ્ક્રીમ જાપટી ગયો.ચાર કિલોગ્રામ આઈસ્ક્રીમને સમજવા બીજું માપ જોઈએ.નાના બાળકો જે કૉનમાં  આઈસ્ક્રીમ ખાય છે તેમાં બે સ્કૂપ આઈસ્ક્રીમ હોય છે.લારીમાં મળતો આઈસ્ક્રીમ જે ચમચાથી ભરીને આપવામાં આવે છે તેને સ્કૂપ કહેવાય છે.અડધો કલાકમાં ત્રેવીસ કોન અથવા છેતાલીસ સ્કૂપ તે આરોગી ગયો.આ ખાઉધરાનું નામ પીટર મોરો.આ મોરો નો આઈસ્ક્રીમ ખાવાનો રેકોર્ડ કઈ કાયમી ન રહ્યો.આ પીટર મોરો ને પણ હરાવનાર એક બીજો મોટો ખાઉધરો પાક્યો.

વાત છે ૧૯૭૭ ના ઓગસ્ટ મહિનાની સાતમી તારીખની.આ બીજા ખાઉધરાનું નામ બેનેટ દ એન્જેલો.તેણે આઈસ્ક્રીમ ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો.આ વખતે નિયમ એવો હતો કે દરેક ખાઉધરાને દોઢ કિલો આઈસ્ક્રીમ આપવાનો.જે સૌથી ઓછા સમયમાં આ આઈસ્ક્રીમ ખાઈ જાય તે વિજેતા થાય.આ શરત મુજબ અમેરિકામાં આ સ્પર્ધાનું આયોજન થયું. બેનેટ દ એન્જેલો માત્ર નેવું સેકન્ડમાં એટલેકે દોઢ મીનીટમાં જ દોઢ કિલો આઈસ્ક્રીમ ખાઈ ગયો.વિચારો દોઢ મીનીટમાં દોઢ કિલો આઈસ્ક્રીમ ખાનારનું શું થયું હશે?બધાજ તબીબો અને જોનારની હાજરી વચ્ચે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોધાયું.આ એક અનોખો  રેકોર્ડ હતો.સૌને હતુ કે આ રેકોર્ડ કોઈ તોડી શકે તેમ નથી.

પણ....આઈસ્ક્રીમ જેવી મજેદાર વસ્તુ ખાવાનો રેકોર્ડ કઈ કાયમ એક જ માણસને નામે રહે ખરો? બેનેટ દ એન્જેલોને પણ પાણી પાનાર એક બીજો આઈસ્ક્રીમ ભગત પાક્યો.આ ભાઈનું નામ ટોની ડોડસવેલ .૨૪ મી જાન્યુઆરી ૧૯૮૪મા આ મહારથીએ દોઢ કિલોગ્રામ આઈસ્ક્રીમ માત્ર પચાસ સેકન્ડમાં ખાઈ ગયો.હવે આઈસ્ક્રીમ ખાવાનો રેકોર્ડ અરે!વર્લ્ડ રેકોર્ડ ટોની ડોડસવેલને નામે નોધાયો.આ મહારથી પત્રકારોને કહે :’હું હજુ વધારે આઈસ્ક્રીમ ખાવાનો રેકોર્ડ કરવા માગું છું.’સતત મહેનત પછી ટોની ડોડસવેલ ફરી આ સ્પર્ધામાં આવ્યો.તેણે બે હાથમાં ચમચી લઇ એક બાજુથી આઈસ્ક્રીમ ખાવાની શરૂઆત કરી.તેને પીરસયેલો દોઢ કિલોગ્રામ આઈસ્ક્રીમ તે માત્ર બત્રીસ સેકન્ડમાં ખાઈ ગયો.ફરીથી તેણે તેનો જ આઈસ્ક્રીમ ખાવાનો રેકોર્ડ તોડ્યો.

આઈસ્ક્રીમ ખાવાના રેકોર્ડની જેમ જ મોટો આઈસ્ક્રીમ બનાવવાનો રેકોર્ડ પણ નોધવામાં આવે છે.અમેરિકાની ટ્વેઇન સમર નામની સંસ્થાના વિદ્યાર્થીઓએ ૧૯૭૯માં ૪૫૩૬ કિલોગ્રામનો વેનીલા આઈસ્ક્રીમ બનાવ્યો.આઈસ્ક્રીમ બનાવી લીધા પછી સો કિલો કરતાં વધારે ચોકલેટ,૧૧૪ કિલોગ્રામ સ્ટ્રોબેરી અને ત્રીસ કિલોગ્રામ મલાઈ તેના ઉપર ભભરાવી....કે પધરાવી.આમ આ આઈસ્ક્રીમ થયો ૬૪૫૩ કિલોગ્રામનો.આ આઈસ્ક્રીમને પણ રેકોર્ડ બુકમાં નોધવામાં આવ્યો.આ રેકોર્ડ જોયા પછી કેનેડાની પામ ડેરી લીમીટેડ કંપનીએ ૨૪૯૦૮ કિલોગ્રામનો આઈસ્ક્રીમનો પહાડ ખડકી દીધો.આવડો મોટો આઈસ્ક્રીમ બનાવવા માટે પચ્ચીસ માણસોએ પંચ કલાકની મહેનત કરી.

આ ગરમીના દિવસોમાં ભલે આપણે એકાદ કપ આઈસ્ક્રીમ ખાતા વિચારીએ.આપણને શરદી કે સળેખમનો ડર સતાવે.પણ જો શક્ય હોય તો પીટર મોરો, બેનેટ દ એન્જેલો અને ટોની ડોડસવેલને યાદ કરી આ ગરમીમાં એકાદ આઈસ્ક્રીમ ખાઈએ અને ખવડાવીએ.

(૧૦ મે ૨૦૧૩)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી