બગડુ દેશની ભાષા...(જોડાક્ષર વગરની વારતા)



એક રાજા.તેનું નામ રાજસંગ.તે કાયમ માટે કલાકારોને તેના રાજમાં બોલાવે અને તેમની કલાને બિરદાવે.રાજસંગ અનેક ચતુર લોકોને તેના રાજના  કલાકાર કે સલાહકાર તરીકે રાખે.લોકો કલાકારની કલા જોવા ભેગા થતા.એક દિવસની વાત છે.રાજા બેઠા હતા.રાજાની પાસે એક ચોકીદાર પહોંચી ગયો.ચોકીદારે રાજાને સલામ કરી.રાજાને કહે:’મહારાજ,આપને  મળવા એક પરદેશી આવેલ છે.’રાજાએ આ પરદેશીને બોલાવવાની સૂચના આપી.પરદેશી થોડીવારમાં હાજર થયો.પરદેશીએ  આવીને રાજાને સલામ કરી.રાજા કહે:’આવો પરદેશી કેમ મળવા માંગો છો.’પરદેશી કહે:’મહારાજ હું અનેક ભાષાનો જાણકાર છું.’રાજા કહે:તમે અનેક ભાષાના જાણકાર છો એમાં હું શું કરું?’

પરદેશી કહે:મહારાજ હું આપના દેશની ભાષા જાણું છું એટલે તમારી સાથે વાત કરું છું.આપે મને જણાવવાનું છે કે મારી સાચી ભાષા કઈ હશે?’રાજાને પણ આ પરદેશીની વાતમાં મજા પડતી હતી.રાજા રાજસંગ કહે:ભાઈ પરદેશી,હું  તારી ભાષા કઈ છે તે જાણવા મહેનત કરીશ.હું તમને અનેક ભાષા જાણનાર તરીકે બીરદાવીશ.પણ તમે હાલ મહેમાન મહેલમાં આરામ કરો.રાજાએ ઈશારો કરીને એક સિપાઇને સૂચના આપી.

આખા મહેલમાં વાહ વાહ થઇ.પણ આ પરદેશીની ભાષા કઈ રીતે જણાવી.બધાં વાતો  કરતા કરતા મહેલમાંથી નીકળી ગયાં.રાજાએ તેની નાની કુંવરીને આ વાત કરી.કુંવરી કહે:તમે આ વાતની ફિકર કરશો નહીં.હું પરદેશીની વાતનો જવાબ જાણી લાવીશ.’રાજાએ પણ આ વાતથી જાણે રાહત થઇ.રાજા મહેલમાં આરામ કરતો હતો.ઠંડીના દિવસો હતા.થોડી જ વારમાં આખા નગરમાં જાણે શાંતિ ફેલાઈ ગઈ.રજાકુમારી તેણી સહેલીને લઇ મહેમાન મહેલમાં ગઈ.તેણે સાથે ઠંડું પાણી ભરેલું માટલું લીધું હતું.
રાજકુમારીને  મહેલમાં જતા કોણ રોકે?પરદેશી રોકાયો હતો તે ઓરડામાં રાજકુમારી પહોંચી ગઈ.અચાનક તેણે ઠંડું પાણી આ પરદેશી ઉપર ઢોળી દીધું.

પરદેશી એકદમ બબડતો બબડતો બેઠો થઇ ગયો.પરદેશી બોલતો હતો’માંગશું કેશાળા પનીશું ઢોળાશ.’રાજકુમારીએ આ બોલેલું યાદ કરી લીધું.તે હસતા હસતા અહીંથી પસાર થઇ ગઈ.બીજા દિવસે મહેલમાં આ પરદેશી આવીને કહે:’મહારાજ,આપના  નગરમાં મારું અપમાન થયું છે.મારા ઉપર અચાનક ઠંડું પાણી રેડીને મારું અપમાન કરવામાં આવેલ છે.’આ સાંભળી રાજા કહે:’રાજસંગના નગરમાં કોને આવી ભૂલ કરી?હું તેણે સજા કરીશ.’

આ વાત સાંભળી રાજકુમારી કહે:આ પરદેશી ઉપર મેં પાણી ઢોળેલું .પણ તેમના અપમાન માટે નહિ તેમની સાચી ભાષા જાણવા માટે.પરદેશી કહે;’ એમ તમે કઈ રીતે મારી ભાષા જાણી શકો?’રાજકુમારી કહે;’અચાનક પાણી નાખવાથી તમે બોલી  ગયાં’ માંગશું કેશાળા પનીશું ઢોળાશ.’આ બગડુ દેશની ભાષા છે.આ તમારી સાચી ભાષા છે.પરદેશી કહે:’એમ મારે કઈ રીતે માનવું?’રાજકુમારી કહે:’માણસ એકદમ બોલવાનું શરુ કરે અને અચાનક જે બોલી જાય તે તેની સાચી  ભાષા હોય.આ તમે પાણી પડવાથી જે બોલતા હતા તેના લીધે મેં આ વાત જાણી લીધી.’પરદેશી પણ ખૂશ થયો.તે કહે મહારાજ:’હું બગડુ દેશનો છું.રાજકુમારીની વાત સાચી છે.હું  રાજકુમારીને અભિનંદન આપું છું.અનેક ભાષાઓ જાણવા છતાં મારી સાચી ભાષા આ રાજકુમારીએ જ ઓળખી છે.’રાજાએ આ પરદેશીને અનેક ભાષાઓ જાણનાર ચતુર માનવનો ખિતાબ અને સોનામહોરો આપી વિદાય આપી.’
                                                                                 (૦૩.જાન્યુઆરી.૨૦૧૧)
                                                                                  સુઘડ,ગાંધીનગર.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર