આપણા ૮,૦૦૦ રૂપિયા વધારે જાય....
નાનાં છોકરાં શું કરી શકે.આ જોવું હોયતો ડીસાના બાળકોને મળવું પડે.સતત ગીત ગાવાનો રેકોર્ડ કરવાનો છે.રેકોર્ડ કરવા માટે જરૂરી છે ગીતો.૧૮૫ કરતાં વધારે વર્ષનું થયું આ શહેર.નાનું શહેર હોવા છતાં તેનું સ્વપ્ન મોટું છે.છોકરાંને કહ્યું આપણે દરેક સ્લોટમાં ચાલીસ મીનીટ ચાલે તેવા ગીત લઈશું.આ માટે ગીત પસંદ કરવાની જવાબદારી છોકરાને આપી.માત્ર એક દિવસમાં અમને બસો ત્રીસ ગીતની યાદી મળી.આ યાદી બીજા દિવસે બપોર સુધીમાં ત્રણસો આઠની થઇ.આ પૈકી એક પણ ગીત એવું ના હતું જે જાહેરમાં ગવડાવતાં ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે.
આ ગીત નેશનલ રેકોર્ડ માટેના હોઈ બાળકો ખૂબ મહેનત કરીને શોધતાં હતાં.ગીત તો ગણા છે પણ આખા ગીત મેળવવા ખૂબ કપરૂં કામ છે.અનેક પુસ્તકો,ગીત સંગ્રહો જોયા.આ બધું કામ છોકરાએ કર્યું.હવે વાત આવી આ ગીતનું ઓડિયો રેકોર્ડીગ કરી જેતે શાળા સુધી પહોચાડવાની.આ માટે બાળકોએ તેમનો શાળાનો સમય ઉપરાંતનો તેમનો અંગત સમય આપ્યો.સવારે શાળામાં જવાનું.સાંજે રેકોર્ડીગ કરવાનું.રાતે ઘરે જઈ ગૃહકાર્ય કરવાનું.આ પ્રવૃત્તીમાટે ઘરનો સહયોગ મળી રહે તે માટે ઘરમાં ફરિયાદ ના આવે તેમ બધું જ કરી અમને સમય આપવાનો.રોજ સાંજે શાળામાંથી ઘરે આવી નાસ્તો કરનાર અસ્થા કે ધરતી અને તેમની સાથે પારસ પણ ફટાફટ નાસ્તો કરીને કે કદાચ નાસ્તા વગર સ્ટુડિયોમાં આવવાનું ભૂલતા નથી.નાની લાગે તેવી આ વાત છે.પણ મેં અસ્થા ને પૂછ્યું:નાસ્તો કર્યો?ત્યારે અસ્થા કહે,સર.....સુનીલ તો ક્યારેય નાસ્તો નથી કરતો.સુનીલના પિતાજી શ્રમજીવી છે. આ નાનાં બાળકો પત્રકારોને ઇન્ટરવ્યું આપે,તેમની પાસે સમય લે.કોઈને સમય આપે.પત્રકારના પ્રશ્નોનો જવાબ આપે.સતત દિવસ રાત રેકોર્ડીગ ચાલુ હોય.દરેક બાળક પોતાના સમયે હાજર થાય.સતત પાંચ દિવસના રેકોર્ડીગ પછી માત્ર છ કલાકના ગીતોનું રેકોર્ડીંગ થયું.સ્ટુડીયોનું ભાડું પણ કલાક પ્રમાણે વધે.અમારે ચુકવવું પડે.આ છોકરાઓએ પોતાની રીતે જ રીહરસલ માટેનો વધારાનો સમય ફાળવી દીધો.આપને નવાઇ લાગશે પણ એક મોટા અને ગંભીર રિહર્સલ પછી રવિવારે એક જ દિવસમાં અમે ત્રણ કલાકના ગીતો રેકોર્ડ કરી લીધા.હું આ લખું છું ત્યાં સુધીમાં નવ કલાક માટે જરૂરી ગીત અમે રેકોર્ડ કરી લીધા છે.હજુ અમારે પાંચ કલાક કરતા વધારે સમય કવર કરવા ગીતોનું રેકોર્ડીંગ કરવાનું બાકી છે.છોકરાં મને કહે છે.સર આપણે ગુરુવાર પહેલાં આ કામ પતાવી દઈશું.મેં તેમને શનિવાર સુધી પુરું કરવા કહ્યું.મારી વાત સાંભળી સુનીલ કહે:સાહેબ,શનિવારે પૂરું થાય તો આપણા ૮,૦૦૦ રૂપિયા વધારે જાય.
સુનીલ સારો લોક ગાયકનો લહેકો ધરાવે છે.તેના બાપુજી રોજ મજુરીકામ મેળવવા હવાઈ પીલ્લર જાય.સુનીલને મુકીને જાય.અમારા રેકોર્ડીંગ સ્ટુડીયોથી તેની શાળા ત્રણ કિલોમીટર દૂર છે.પાંચમાં ધોરણમાં ભણતો સુનીલ રેકોર્ડીગમાં આવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી છ કિલોમીટર રોજનું ચાલે છે.અમે તેણે લાવવા લઇ જવાની સગવડ કરી.આ વાત તેના પિતાજીએ જાણી.તેમણે કહ્યું...સુનીલ ચાલે તો જ તેણે ખબર પણ પડે કે તેના શોખ માટે અને કેટલુંય શીખવા માટે તે આ કામમાં જોડાયો છે.
મને થતું કે આ છોકરાં આટલું બધું ચાલે,મહેનત કરે અને કદાચ થાકીને....પણ ના આજે આ કામમાં છોકરાં વધતા જાય છે.અમે તેમને ઘરે ખાસ સગવડ આપવાની પણ ના પાડીએ છીએ.કારણ આ રેકોર્ડ માત્ર રેકોર્ડ નહિ પણ જીવનનો એક લાહવો બને તેવું અમે વિચારીએ છીએ.આ ચાલીસ છોકરાં જે અમારાં મુખ્ય આધાર છે...જેમના ભરોસે આ કાર્યક્રમ સફળ કે પ્રસિધ્ધી પામ્યો છે.છોકરાં આજે ડીસાના સૌથી વધારે ચર્ચામાં રહેતાં છોકરો છે.બાળકો શું કરી શકે તે મને યુવાનીમાં સમજાયું.આવાં ડીસાના બાળકોને પ્રોત્સાહિત કરવા અનેક લોકો,સંસ્થાઓ અમારી સાથે જોડાયા છે.
ડીસાની નવી દિશા આ છોકરાં જ નક્કી કરશે તે ચોક્કસ વાત છે.આ અહેસાસ મને અને મારા નાના શહેરને થયો છે.
Comments